દિલ્હીમાં CM કોણ? પરવેશ વર્મા જ નહીં પૂર્વ વિદેશમંત્રીના પુત્રીનું નામ પણ રેસમાં
Who is Next Delhi CM: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઇ ગઇ છે. સમર્થકો અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપ હાઇકમાન્ડ લેશે. અલગ-અલગ ફેક્ટર મુજબ ભાજપમાં સીએમ પદના ઘણા દાવેદાર છે. હજુ સુધી કોઇપણ ખુલીને પોતાની દાવેદારી નોંધાવી રહ્યા નથી. સીએમ ચહેરો ફાઇનલ થવામાં થોડો સમય લાગી શકે છે. આ યાદીમાં પરવેશ વર્માની દાવેદારી સૌથી મજબૂત ગણવામાં આવી રહી છે. જોકે 2 એવા નામ પણ દાવેદારમાં સામેલ છે, જે ધારાસભ્ય પણ નથી.
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો કોઇ ફાઇનલ કર્યો ન હતો. દિલ્હીની ચૂંટણી પીએમ મોદીના નામ પર લડવામાં આવી હતી. જીત બાદ હવે તમામ સીએમ પદની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. ભાજપમાં અલગ-અલગ ફેક્ટરના લીધે ઘણા સીએમ પદના દાવેદાર છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવીને મોટો ઉલટફેર કરનાર પ્રવેશ વર્માનું નામ આ રેસમાં સૌથી આગળ છે. પ્રવેશ બે વખત સાંસદ રહી ચૂક્યા છે. નવી દિલ્હી સીટ પરથી જીત મેળવ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત પણ કરી છે. દિલ્હી દેહાતમાં મળેલી મોટી સફળતા પણ પ્રવેશ વર્માની દાવેદારીને મજબૂત બનાવે છે.
2 સાંસદોનું નામ પણ ચાલી રહ્યું છે
ભાજપના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી પદની જાહેરાત ધારાસભ્યો વચ્ચે જ થશે. જેથી કોઇપણ ધારાસભ્યને જ આ પદ માટે ચૂંટવામાં આવશે. જો ધારાસભ્યો સિવાય બીજા કોઇને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવે છે તો સાંસદ મનોજ તિવારી અને બાંસુરી સ્વરાજ પણ ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપ મોટી જીત સાથે સત્તામાં આવી છે. એવામાં દિલ્હીના વિકાસ અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને સીએમની પસંદગી કરવામાં આવશે.
રોહિણીથી ચૂંટણી જીતેલા નેતા પ્રતિપક્ષ વિજેન્દ્ર ગુપ્તાનું નામ પણ આ દોડમાં સામેલ છે. વિજેન્દ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તે 2015થી 2020 સુધી વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. ત્યારબાદ રામવીર સિંહ બિધૂડી નેતા વિરોધ પક્ષના નેતા બન્યા હતા. બિઘૂડીના સાંસદ બન્યા બાદ વિજેન્દ્રને ફરીથી વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. સંગઠન સાથે જોડાયેલા સતીશ ઉપાધ્યાય, જિતેન્દ્ર મહાજન અને અજય મહાવરનું નામ પણ આ યાદીમાં સામેલ છે.