Get The App

બસ PM મોદી મંજૂરી આપે એટલી વાર, જાણો કઈ પાર્ટીના નેતા બની શકે છે લોકસભા અધ્યક્ષ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
બસ PM મોદી મંજૂરી આપે એટલી વાર, જાણો કઈ પાર્ટીના નેતા બની શકે છે લોકસભા અધ્યક્ષ 1 - image

Who Will Be Next Lok Sabha Speaker: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર બની છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઇ લીધા છે. 72 મંત્રીએ પણ શપથ લઇને તેમના મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. હવે લોકસભાના અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.

નરેન્દ્ર મોદીના પહેલા બે કાર્યકાળમાં ભાજપ પાસે બહુમતી હતી. તેથી લોકસભામાં અધ્યક્ષના પદને લઈને કોઈ મુશ્કેલી હતી નહી, પરંતુ આ વખતે ભાજપને ગૃહમાં બહુમતી ન હોવાના કારણે એનડીએમાં સામેલ પક્ષો પણ અધ્યક્ષ પદ માટે દાવા કરી રહ્યા છે.

ભાજપના સાથી પક્ષ તેલુગુ દેશમ પક્ષ (TDP)અને જનતા દળ યુનાઇટેડ (JDU) બંને પક્ષે ભાજપ પાસે આ પદની માંગણી કરી છે. જો કે ભાજપ આ પદ કોઇને પણ આપવા રાજી નથી. જો કે, આ બધી અટકળો ઉપર પૂર્ણવિરામ લાગી ગયું છે. તો ક્યા પક્ષને લોકસભા અધ્યક્ષનું પદ મળશે ચાલો જાણીએ...

18મી લોકસભાનું પહેલું સત્ર ક્યારથી શરૂ થશે?

નવી સરકારના સંસદીય મંત્રી કિરેન રિજિજુએ સંસદ સત્રની તારીખો જાહેર કરતા જણાવ્યું હતું કે, ‘નવા ચૂંટાયેલા સાંસદ સભ્યોની શપથવિધિ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું ભાષણ અને તેના પર ચર્ચા માટે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ દરમિયાન શરૂ કરાશે.' રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સયુંકત બેઠકને સંબોધશે. એ જ દિવસે પીએમ મોદી બંને ગૃહમાં પોતાના મંત્રીમંડળનો પરિચય કરાવશે.

કોણ બની શકે છે લોકસભાના અધ્યક્ષ?

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના અધ્યક્ષનું પદ ભાજપ પોતાની પાસે જ રાખશે. એટલે કે 18મી લોકસભામાં પણ ભાજપનો જ કોઈ સાંસદ અધ્યક્ષ તરીકે ચૂંટાશે.

અધ્યક્ષનું પદ કોણે કોણે માંગ્યુ છે?

ભાજપના એક વરિષ્ઠ નેતાએ મીડિયામાં આવી રહેલા સમાચારોને નકારી કાઢતા કહ્યું કે, ‘લોકસભા અધ્યક્ષ પદ માટે કોઈ સાથી પક્ષે માંગણી કરી નથી. ભાજપ કોઈ પણ દાવેદારની પહેલા પક્ષમાં ચર્ચા કરીને નિર્ણય લીધા બાદ એનડીએના સાથી પક્ષો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ સર્વસંમતિથી અંતિમ નિર્ણય લેશે'.

મોદીના વિદેશ પ્રવાસ બાદ લેવાશે નિર્ણય

વડાપ્રધાન મોદી G-7 બેઠકમાં ભાગ લેવા માટે ઈટાલી જઈ રહ્યા છે. તેમનાં પરત ફર્યા બાદ લોકસભા અધ્યક્ષના નામ પર ચર્ચા કરાશે. ભાજપ પહેલા પક્ષ સ્તરે અને એનડીએના સહયોગી પક્ષો જોડે ચર્ચા કરશે. જો કોઈ સાથી પક્ષ તરફથી કોઈ સૂચન કે માંગ આવશે તો ભાજપ કોઈ નવી ફોર્મ્યુલા પર વિચાર કરશે.                 

ભાજપ ક્યા અટવાયું છે?

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ઇન્દોરથી ભાજપના સાંસદ સુમિત્રા મહાજન અને બીજા કાર્યકાળમાં રાજસ્થાનના કોટાથી સાંસદ ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષ બનાવાયા હતા. આ બંને કાર્યકાળ દરમિયાન ભાજપ પાસે ગૃહમાં બહુમતી હતી. પરંતુ આ વખતે ત્રીજા કાર્યકાળમાં ભાજપ પાસે બહુમતી નથી. એટલે માનવામાં આવી રહ્યું છે કે ટીડીપી અને જેડીયુ અધ્યક્ષ પદની માંગ કરી રહ્યા છે, પરંતુ ભાજપ તે આપવા તેયાર નથી.

ભાજપનો શું છે પ્લાન?

24 જૂનથી શરૂ થતા લોકસભા સત્ર દરમિયાન અધ્યક્ષ પદ માટે પોતાના પક્ષના સાંસદ નામને લઈને વિરોધી પક્ષો જોડે ચર્ચા કરી શકે છે. જેથી ગૃહમાં સર્વસંમતિથી અધ્યક્ષને ચૂંટી શકાય અને તેના માટે ચૂંટણી કરવી ન પડે. જો વિપક્ષો પોતાનો કોઈ ઉમેદવાર જાહેર કરશે, તો 26 જૂને લોકસભાના અધ્યક્ષ માટેની ચૂંટણી માટે મતદાન થઇ શકે છે.


Google NewsGoogle News