કોણ છે એ 'અદ્ભુત વ્યક્તિ' જે બનશે દિલ્હીના મુખ્યમંત્રી, નામ જાણીને ચોંકી જશે સૌ કોઈ
Delhi Election Results: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી. AAP માટે દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણી પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. AAP છેલ્લા 10 વર્ષથી સત્તામાં હતી. વર્ષ 2015માં પાર્ટીએ 67 બેઠક જીતી હતી અને 2020માં 62 બેઠક જીતી હતી. એવામાં AAP માટે દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણી પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. ભાજપે દિલ્હી વિધાનસભામાં આશરે અઢી દાયકા પછી સત્તા મેળવી છે. જો કે આમ આદમી પાર્ટીના પરાજય અને ભાજપના વિજય બાદ સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે?
દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે એવો સવાલ પૂછાતાં ભોજપુરી ફિલ્મ અભિનેતા અને સાંસદ રવિ કિશને કહ્યું હતું કે, 'નાયબ સૈનીને પણ ખબર નહોતી, ભજનલાલ શર્મા અને યોગી આદિત્યનાથ પણ જાણતા નહોતા કે તેઓ મુખ્યમંત્રી બનશે. ભાજપ સંગઠનની આ જ ખાસિયત છે. દિલ્હીમાં પણ કોઈ અદ્ભુત વ્યક્તિત્વ આવી જશે અને બધા મોં ખોલીને જોતા રહેશે.'
BJP નેતાઓમાં કયા નામની ચર્ચા?
દિલ્હીમાં મુખ્યમંત્રી માટે મનોજ તિવારી, વિરેન્દ્ર સચદેવા અથવા પરવેશ વર્માના નામોની ચર્ચા થઈ રહી છે. પરંતુ આમાંથી જ કોઈ નામ ફાઇનલ થાય એ જરૂરી પણ નથી. મનોજ તિવારીના ચહેરા સાથે ભાજપ અગાઉ પણ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યો છે. દિલ્હીના એક મોટા વોટ બૅન્ક સમાન પૂર્વાંચલી સમાજમાં તેઓ મજબૂત નેતાની ઇમેજ ધરાવે છે. તો વિરેન્દ્ર સચદેવા દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે સંગઠન મજબૂત કરનારા નેતાની ઇમેજ જાળવી શક્યા છે. પરવેશ વર્માએ AAP કન્વીનર અને સૌથી દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને મજબૂત દાવેદારી નોંધાવી છે.
કેજરીવાલ-સિસોદિયાનો પરાજય
નવી દિલ્હી બેઠક પર AAP કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, ભાજપના પૂર્વ સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત વચ્ચે મુકાબલો હતો. જેમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા છે. ભાજપના પરવેશ વર્મા 3182 મતોથી જીત્યા છે. આ સિવાય આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયાને જંગપુરા વિધાનસભા બેઠક પરથી હાર મળી છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાએ તેમને 600 મતોથી હરાવ્યા હતા.