શું ફડણવીસના હાલ પણ નીતિન પટેલ જેવા થશે? CMનું નામ જાહેર કરવામાં વિલંબ, નવાજૂની કરશે ભાજપ
Maharashtra CM : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને 72 કલાકથી વધુ સમય વીતી ગયો છે. જોકે હજુ સુધી કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે. એવામાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીના નામને લઈને કોઈ નવા જૂની કરે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે. છેલ્લા થોડા વર્ષોથી ભાજપમાં પેટર્ન રહી છે કે જો મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં 72 કલાકથી વધુ સમય લાગે તો કોઈ સરપ્રાઈઝ નેતાની જ એન્ટ્રી થાય છે.
આવો જોઈએ અગાઉ ક્યારે ક્યારે આવી પરિસ્થિતિ સર્જાઇ હતી
ઓડિશામાં પૂર્ણ બહુમતી મળ્યા બાદ ભાજપને મુખ્યમંત્રી નક્કી કરવામાં આઠ દિવસનો સમય લાગ્યો, અંતે આદિવાસી સમાજના મોહન માઝીના નામ પર મહોર વાગી. ધર્મેન્દ્ર પ્રધાન અને મનમોહન સાંબલ જેવા દિગ્ગજ નેતાઓના નામ રેસમાં હતા.
2023ના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં વિજય થયો અને નવ દિવસ બાદ ભાજપે નવા સીએમનું નામ જાહેર કર્યું. વસુંધરા રાજે જેવા દિગ્ગજ નેતાને હાંસિયામાં ધકેલી દેવાયા. ભજનલાલ શર્માનું નામ જાહેર કરાયું, જે ક્યાંય કોઈ રેસમાં હતા જ નહીં.
2023માં જ મધ્ય પ્રદેશમાં પણ ભાજપે કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ, શિવરાજ સિંહ ચૌહાણ જેવા મોટા નેતાઓની જગ્યાએ મોહનલાલ યાદવનું નામ જાહેર કર્યું. તે સમયે પણ ચૂંટણી પરિણામ આવી ગયાના આઠ દિવસે મુખ્યમંત્રીનું નામ જાહેર થયું હતું.
2023માં જ છત્તીસગઢમાં પણ ભાજપે વિષ્ણુદેવ રાયને ખુરશી સોંપીને સૌ કોઈને ચોંકાવ્યા. તે સમયે રમણ સિંહ અને અરુણ સાવ ફ્રન્ટરનર હતા. મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં સાત દિવસનો સમય લાગ્યો હતો.
2017માં ભાજપને રાજકારણની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં પૂર્ણ બહુમતી મળી. મુખ્યમંત્રી નક્કી કરવામાં ભાજપને નવ દિવસનો સમય લાગ્યો. કેશવ પ્રસાદ મૌર્ય અને મનોજ સિંહાનું નામ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું હતું. ત્યાં અચાનક જ યોગી આદિત્યનાથના નામની જાહેરાત થઈ.
2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો પણ કોઈ પક્ષને બહુમતી ન મળી શકી. એવામાં એનસીપીએ બહારથી સરકારનું સમર્થન કરવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી બનવાની રેસમાં નીતિન ગડકરી, વિનોદ તાવડે, પંકજા મુંડેના નામ હતા. સાત દિવસ બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ અને દેવેન્દ્ર ફડણવીસ પર પસંદગીનો કળશ ઢોળાયો.
ક્યાંક નીતિન પટેલ જેવા હાલ તો નહીં થાય ને?
આટલું જ નહીં હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ ભાજપે મુખ્યમંત્રી માટે ચોંકાવનારા નામની જાહેરાત કરી હતી. એવામાં એવી પણ આશંકા છે કે ક્યાંક દેવેન્દ્ર ફડણવીસની હાલત ગુજરાતનાં નીતિન પટેલ જેવી ન થઈ. બે વખત ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું, આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તથા વિજય રૂપાણી કેબિનેટનું રાજીનામું થયું ત્યારે. જોકે બંને વખતે છેક સુધી નીતિન પટેલનું નામ તો ચગ્યું પણ છેલ્લે સત્તાનો સ્વાદ તો બીજાને જ ચાખવા મળ્યો.