ભારતમાં વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી સ્થાપનારા, મીડિયા ટાઈકૂન રામોજી રાવ કોણ હતા?
વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું શનિવારે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના દ્વારા સ્થાપિત હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી સાઉથ અને બોલિવૂડ ફિલ્મો માટે એક મોટું પ્લેટફોર્મ છે.
મળતી માહિતી પ્રમાણે, રામોજી રાવ બીમાર હતા અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે 8 જૂને સવારે 4:50 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મીડિયા જૂથોમાં તેમના યોગદાન માટે જાણીતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવનાર સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા.
રામોજી રાવ કોણ હતા?
રામોજી રાવનું પૂરું નામ ચેરુકુરી રામા રાવ છે. રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના આંધ્ર પ્રદેશના પેડાપારુપુડીમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો.
રામોજી રાવ રામોજી ગ્રૂપના ચેરમેન હતા. તેઓ ભારતીય મીડિયા અને ફિલ્મ ઉદ્યોગમાં એક મોટુ વ્યક્તિત્વ હતા. વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો – રામોજી ફિલ્મ સિટી બનાવવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમણે ઈનાડુ ન્યૂઝ પેપરનું નેતૃત્વ કર્યું, જે તેલુગુ ભાષાના સૌથી મોટા દૈનિકોમાંથી એક છે. તેમના બિઝનેસ સામ્રાજ્યમાં ETV નેટવર્ક, ઉષાકિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સ, રામાદેવી પબ્લિક સ્કૂલ, પ્રિયા ફૂડ્સ, કલંજલિ શોપિંગ મૉલ, માર્ગદર્શી ચિટ ફંડ અને ડોલ્ફિન ગ્રૂપ ઑફ હોટેલ્સનો સમાવેશ થાય છે.
રામોજી રાવે મીડિયા જગતમાં ક્યારે પ્રવેશ કર્યો?
રામોજી રાવે 1969માં એક મેગેઝિન દ્વારા મીડિયાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેમનું માનવું હતું કે, મીડિયા એ બિઝનેસ નથી. બાદમાં તેઓ રામોજી ગ્રૂપના વડા બન્યા. આમાં વિશ્વની સૌથી મોટી ફિલ્મ નિર્માણ સુવિધાઓ, તેલુગુ અખબાર Eenadu, ETV નેટવર્ક અને ફિલ્મ નિર્માણ કંપની ઉષા કિરણ મૂવીઝનો સમાવેશ થાય છે.
રામોજી રાવની નેટવર્થ?
2021 સુધીમાં, તેમની કુલ સંપત્તિ $4.5 બિલિયન (રૂ. 37,583 કરોડ) નોંધાયેલી છે.
રામોજી રાવને મળેલા સન્માન
રામોજી રાવને 2016 માં પદ્મ વિભૂષણ સહિત તેલુગુ સિનેમા અને મીડિયામાં તેમના યોગદાન માટે ઘણા સન્માન અને પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ સિવાય તેમને રામીનેની ફાઉન્ડેશન એવોર્ડ અને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે.
ફિલ્મ સિટીની વિશેષતા
રામોજી રાવ દ્વારા બનાવવામાં આવેલી રામોજી ફિલ્મ સિટી તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. તેમણે 1996માં રામોજી ફિલ્મ સિટીનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મ સિટી 1666 એકરમાં ફેલાયેલું છે. રામોજી ફિલ્મ સિટી, ફિલ્મ સ્ટુડિયો હોવા ઉપરાંત, પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ પણ છે. તેમાં ફિલ્મો, હોટલ, બગીચા, એડવેન્ચર એક્ટિવિટી અને ફિલ્મ અને ટેલિવિઝન નિર્માણ માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ માટે વિશાળ સેટ છે.