કોણ હતા અજીમુલ્લાહ ખાન, જેમનું નામ લઈને કેરળના મુખ્યમંત્રીએ આરએસએસને પડકાર ફેંક્યો છે...
વિજયને કહ્યું કે ‘ભારત માતા કી જય"નો નારો એક મુસ્લિમે આપ્યો હતો’
Who Was Azimullah Khan: કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને દાવો કર્યો હતો કે 'ભારત માતા કી જય' અને 'જય હિંદ'ના નારા મુસ્લિમ અજીમુલ્લાહ ખાને આપ્યા હતા. આ વાત કરીને તેમણે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને સવાલ કર્યો હતો કે, ‘શું હવે તમે 'ભારત કી માતા કી જય' ના નારા લગાવવાનું છોડી દેશો?’ વાત એમ છે કે, આઝાદી કા અમૃત મહોત્સવની વેબસાઈટ પર અજીમુલ્લાહ ખાનને 1857ના ક્રાંતિકારી તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે, '1857ની મહાન ક્રાંતિમાં અજીમુલ્લાહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના જુસ્સાદાર ગીતોએ હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે પરસ્પર પ્રેમનું જબરદસ્ત વાતાવરણ ઊભું કર્યું હતું.
અજીમુલ્લાહ ખાનના નેતૃત્વમાં ટીમ ઈંગ્લેન્ડ મોકલી
અજીમુલ્લાહ ખાને મરાઠા સામ્રાજ્યના શાસક નાના સાહેબ પેશ્વા બીજાના સેક્રેટરીનું પદ પણ સંભાળ્યું હતું. તેમજ તેમની બૌદ્ધિક ક્ષમતાથી નાના સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ કારણથી અજીમુલ્લાહે તેમના સલાહકારની ભૂમિકા પણ ભજવી હતી. પેશ્વા બાજીરાવ દ્વિતીયના દત્તક પુત્ર નાના સાહેબને પોતાના સ્વર્ગસ્થ પિતાના પેન્શનને લઈને બ્રિટિશ સરકાર સાથે મતભેદો હતા. જો કે તેમને પોતાના પિતાની સંપતિ તો વારસામાં મળી જ હતી પરંતુ સરકારે તેની સાથે આવતું પેન્શન આપવાનો ઇનકાર કર્યો હતો. તેથી નાના સાહેબે અજીમુલ્લાહ ખાનના નેતૃત્વમાં એક ટીમ ઈંગ્લેન્ડ મોકલી જેણે ત્યાંના 'બોર્ડ ઓફ કંટ્રોલ' સમક્ષ નાના સાહેબની તરફેણમાં દલીલો કરી. તેમાં છતાં તેઓ પેન્શન શરુ કરાવવામાં નિષ્ફળ રહ્યા.
બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે ઊભો થયો અસંતોષ
ઈતિહાસકારોનું માનવું છે કે આ ઘટનાને કારણે અજીમુલ્લાહના મનમાં પહેલીવાર બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે અસંતોષ ઊભો થયો હતો, જે 1857ની ક્રાંતિ સુધી ઘેરા રોષમાં ફેરવાઈ ગયો હતો. હકીકતમાં લંડનથી પાછા ફરતી વખતે તેમને વિશ્વાસ આવી ગયો કે અંગ્રેજો અજેય નથી, તેઓને હરાવી શકાય છે. ભારત પરત ફરતી વખતે તે કોન્સ્ટેન્ટિનોપલમાં રોકાયા હતા, જે ત્યારે ઓટ્ટોમન સામ્રાજ્યનો એક ભાગ હતો. તેમણે ક્રિમિયન યુદ્ધનું પણ નિરીક્ષણ કર્યું હતું. કહેવાય છે કે અજીમુલ્લાહે તૂર્કી અને રશિયાના જાસૂસોનો પણ સંપર્ક કર્યો હતો. જ્યારે અજીમુલ્લાહ ભારત પાછા ફર્યા ત્યારે તેની સાથે ફ્રેન્ચ પ્રિન્ટીંગ મશીન હતું. તેમણે બ્રિટિશ સંસ્થાનવાદ વિરુદ્ધ ઘણું સાહિત્ય પ્રકાશિત કર્યું હતું.
એવું કહેવાય છે કે અજીમુલ્લાહ ખાને બ્રિટિશ મેજર જનરલ સર હ્યુ વ્હીલરને ફસાવવામાં સફળતા મેળવી હતી, જેને નાના સાહેબે પોતે ઘેરી લેવાની યોજના બનાવી હતી. ખાને બ્રિટિશ અધિકારીને તેમના પરિવાર અને સહયોગીઓ સાથે સલામત માર્ગની ઓફર કરી. કહેવાય છે કે અંગ્રેજોનો અત્યાચાર એટલો વધી ગયો હતો કે બધાએ બદલો લેવાનું નક્કી કર્યું. એવામાં જીવ બચાવવા ભાગી રહેલા લગભગ 900 બ્રિટિશ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી.
આનાથી ગુસ્સે થઈને અંગ્રેજોએ ગામડાં સળગાવવાનું શરૂ કર્યું હતું. એક ઘટનામાં તો અજીમુલ્લાહ બચી ગયા હતા, પરંતુ આ ક્રાંતિકારીનું મૃત્યુ કેવી રીતે થયું તે આજ સુધી સ્પષ્ટ થયું નથી. કેટલાક ઈતિહાસકારો કહે છે કે તે બ્રિટિશરોથી બચવાનો પ્રયાસ કરતી વખતે શીતળાના કારણે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય લોકો કહે છે કે તે તાવથી મૃત્યુ પામ્યા હતા. જો કે, એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે અજીમુલ્લાહ ખાનની અંગ્રેજોથી બચવાનો પ્રયાસ કર્યા બાદ કુસ્ઝતુનિયામાં હત્યા કરાઈ હતી.
CAA વિરુદ્ધ રેલીમાં પી. વિજયને કહી આ વાત
ઉત્તર કેરળના મુસ્લિમ બહુલ વિસ્તારની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું હતું કે ‘મુસ્લિમ શાસકો, સાંસ્કૃતિક નેતાઓ અને અધિકારીઓએ દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા ચળવળમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 'ભારત માતા કી જય'નો નારો આપનારા અજીમુલ્લાહ ખાન પણ મુસ્લિમ હતા.’ આ દરમિયાન વિજયને કહ્યું હતું કે, ‘સંઘ પરિવારના કેટલાક નેતાઓએ તેમની સામે બેઠેલા લોકોને 'ભારત માતા કી જય'ના નારા લગાવવા કહ્યું. શું તેઓ જાણે છે કે, આ સૂત્ર કોણે આપ્યું? મને ખબર નથી કે સંઘ પરિવાર જાણે છે કે તેમનું નામ અજીમુલ્લાહ ખાન છે.’ વિજયને CAA વિરુદ્ધ તેમની સતત ચોથી રેલીમાં આ વાત કરી હતી.