તારી દાદી જેવા હાલ થશે...: રાહુલ ગાંધીને કોણે ખુલ્લેઆમ આપી ધમકી? કોંગ્રેસે કરી કાર્યવાહીની માગ
Rahul Gandhi Death Threat: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકામાં હાલમાં જ શીખ સમુદાય અંગે એક નિવેદન આપ્યું હતું. રાહુલના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. દેશમાં શીખ સમુદાયના ઘણા લોકો રાહુલ ગાંધીના આ નિવેદન પર વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે. હવે તાજેતરના મામલામાં કોંગ્રેસ નેતાને જાનથી મારી નાખવાની ખુલ્લ્લેઆમ ધમકી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ ધમકી આપનાર ભાજપના નેતા પર કાર્યવાહીની માગ કરી છે.
કોંગ્રેસે દિલ્હી ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેઓ રાહુલ ગાંધીના હાલ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેવા કરવાની ધમકી આપી રહ્યા છે. ભાજપ સમર્થિત શીખ સેલે બુધવારે 11 સપ્ટેમ્બર 2024ના રોજ સોનિયા ગાંધીના દિલ્હી સ્થિતિ આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રદર્શન દરમિયાન ભાજપ નેતા તરવિંદર સિંહ મારવાહે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. વીડિયોમાં ભાજપના નેતા કહી રહ્યા છે કે, 'રાહુલ ગાંધી સુધરી જાઓ નહીંતર આગામી સમયમાં તારા પણ હાલ તારી દાદી જેવા જ થશે'. કોંગ્રેસે ભાજપ નેતા પર ખુલ્લેઆમ દેશના વિપક્ષી નેતાની હત્યાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ભાજપ નેતા પર કાર્યવાહીની માગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે, નરેન્દ્ર મોદી તમે મૌન ન રહી શકો. આ ખૂબ જ ગંભીર મામલો છે. તમારી પાર્ટીની નફરતની ફેક્ટરીની આ પ્રોડક્ટ છે. તેના પર કાર્યવાહી કરવી જ પડશે.