નવી સરકારમાં કયા દિગ્ગજ નેતાઓ ફરી બનશે મંત્રી? કોનું કપાશે પત્તું: જુઓ સંભવિત નામ
Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં આ વખતે સરકાર પણ બનશે અને મજબૂત વિપક્ષ પણ બનશે. દેશમાં ત્રીજીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનશે. પરંતુ આ વખરે બહુમત ખૂબ જ ઓછી મળી છે. જેમાં એનડીએને 293 બેઠક મળી છે, જેમાં ભાજપને 240 બેઠક જ મળી છે. એવામાં સત્તાની ચાવી એનડીએના બે મોટા ભાગીદાર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં રહેશે. તેમજ ઇન્ડીયા ગઠબંધનમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા ચહેરા 232 બેઠક સાથે વિપક્ષમાં છે.
નેહરુ બાદ મોદી એવા પ્રથમ નેતા જે બનશે ત્રીજી વાર વડાપ્રધાન
બુધવારે સાંજે વડાપ્રધાન મોદીએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપ્યું હતું. આ સાથે લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 8 જૂને યોજાશે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી એવા પ્રથમ નેતા હશે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. આ દરમિયાન નરેન્દ્ર મોદીની સરકાર 3.0માં કોને મંત્રી પણ મળી શકે તે અંગેની અટકળો ચાલી રહી છે. એવામાં જાણીએ નરેન્દ્ર મોદીની નવી ટીમ કેવી હશે.
ચૂંટણીમાં જીતેલા તમામ મંત્રીઓને ફરીથી બની શકે છે મંત્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં જીતેલા તમામ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર (ગુજરાત), રાજનાથ સિંહ લખનઉ (યુપી), નીતિન ગડકરીએ નાગપુર (મહારાષ્ટ્ર), પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર (મહારાષ્ટ્ર), ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુર (રાજસ્થાન), ભૂપેન્દ્ર યાદવ અલવર (રાજસ્થાન)થી જીત્યા છે. આવી સ્થિતિમાં તે ફરીથી નરેન્દ્ર મોદીની ટીમમાં જોવા મળી શકે છે. જોકે એનડીએમાં પોર્ટફોલિયોની વહેંચણી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
શું છે બંધારણીય જોગવાઈ?
બંધારણીય જોગવાઈ અનુસાર, સરકારના મંત્રી પરિષદમાં લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના 15 ટકા સુધી મંત્રીઓ હોઈ શકે છે, એટલે કે તેમની ટીમમાં વડાપ્રધાન સિવાય 78 મંત્રીઓ સામેલ થઈ શકે છે. લોકસભામાં ભાજપને બહુમત ન મળવાના કારણે નવી કેબિનેટની રચના કરવી નરેન્દ્ર મોદી માટે પડકાર છે.
એવામાં એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે નવી સરકારમાં કેટલાક મંત્રીઓનું પુનરાવર્તન નહિ થાય. તેમજ કેટલાક નેતાઓ હાર્યા હોવા છતાં પણ તેમને કેબિનેટમાં સ્થાન મળશે.
એનડીએના પ્રસ્તાવમાં 21 લોકોના નામ
મોદી સરકારની ત્રીજી ઇનિંગમાં બુધવારે પાસ થયેલા એનડીએના ઠરાવમાં કુલ 21 લોકોના નામ છે. જેમાં ચંદ્રબાબુ નાયડુનું નામ પાંચમા નંબર પર અને નીતિશ કુમારનું નામ છઠ્ઠા નંબર પર નોંધાયેલું છે. એનડીએના સહયોગી ટીડીપીએ ચૂંટણીમાં 15 બેઠકો જીતી છે,
જ્યારે જેડીયુએ 12 બેઠકો જીતી છે. બીજેપી પછી એનડીએમાં આ બંને પક્ષો સંખ્યાત્મક તાકાતમાં સૌથી મોટા છે. એવું માનવામાં આવે છે કે બંને પક્ષો પોતાના માટે કેટલીક મોટી માંગ કરી શકે છે. સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પહેલાથી જ સંસદમાં છે. એસ જયશંકર અને નિર્મલા સીતારમણની જેમ આ બંને પણ રાજ્યસભાના સભ્ય છે.
ઘણા પૂર્વ મુખ્યમંત્રી પણ મંત્રીપદ માટે દાવો કરી શકે છે
મોદી સરકારની ત્રીજી ઈનિંગ માટે જે કેબિનેટ બનાવવામાં આવી રહી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થઈ શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને ટીમ મોદીમાં સામેલ કરવામાં આવી શકે છે. બાય ધ વે, ભાજપના સહયોગી 'હમ'ના નેતા જીતન રામ માંઝીનો પણ ચૂંટણી જીતેલા પૂર્વ મુખ્યમંત્રીઓમાં સમાવેશ થાય છે. દેખીતી રીતે તે પોતાનો દાવો પણ આગળ ધપાવશે.
સરકારનો રોડમેપ તૈયાર
નરેન્દ્ર મોદીએ પીએમ પદના શપથ લેતા પહેલા જ સરકારના કામકાજનો રોડમેપ બનાવી લીધો છે. તેમણે પરિણામો બાદ પોતાના ભાષણમાં પણ આ તરફ ધ્યાન દોર્યું હતું. પરિણામો પહેલા જ વડાપ્રધાને એક પછી એક બેઠકો યોજી હતી, જેમાં નવી સરકારના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ગુરુવારે સાંજે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિને મળશે અને નવા ચૂંટાયેલા સભ્યોની યાદી તેમને સોંપશે. જે બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.