આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રેડ્ડીની બહેન જોડાઈ શકે છે કોંગ્રેસ સાથે, લોકસભામાં ભાઈને કરી શકે છે ચેલેન્જ
YSRTPની પ્રમુખ વાયએસ શર્મિલા પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કરવા જઈ રહી છે
આ માટે તે દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતાઓને મળશે, જાણો આખરે વાયએસ શર્મિલા કોણ છે
YS Sharmila: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના બહેન અને YSRTPના પાર્ટી પ્રમુખ વાયએસ શર્મિલા ટૂંક સમયમાં જ પોતાની પાર્ટીને કોંગ્રેસ સાથે જોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ વાયએસ શર્મિલાને લોકસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા આપી શકે છે. કોંગ્રેસને પહેલા કર્ણાટકમાં અને ત્યારબાદ તેલંગાના વિધાનસભામાં મળેલી જીત બાદ આ વિલીનીકરણ પાર્ટી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જાણીએ કોણ છે વાયએસ શર્મિલા? તેમની રાજકીય સફર કેવી રહી? શા માટે શર્મિલા પોતાની પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કરી રહી છે? આ નિર્ણયથી કોંગ્રેસને શું લાભ થશે?
કોણ છે વાયએસ શર્મિલા?
49 વર્ષીય વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે. તેમનો જન્મ હૈદરાબાદના પુલીવેન્દુલામાં વાયએસ રાજશેખર રેડ્ડી અને વિજયમ્માને ત્યાં થયો હતો. તેમનો ઉછેર રાજકીય વાતાવરણમાં થયો હતો. શર્મિલાના પિતા વાયએસ રાજશેખર રેડ્ડી અવિભાજિત આંધ્રના મુખ્યમંત્રી હતા, જ્યારે તેમના પુત્ર અને શર્મિલાના મોટા ભાઈ જગન મોહન આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. તેમનો પરિવાર ખ્રિસ્તી પરિવાર ધર્મ પાડે છે. વાસ્તવમાં, તેમના પતિ એમ. અનિલ કુમાર માત્ર બિઝનેસમેન જ નથી, પણ એક ખ્રિસ્તી ધર્મના પ્રચારક પણ છે. તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા અને બે બાળકો પણ છે.
રાજકીય કારકિર્દી કેવી રીતે શરૂ થઈ?
શર્મિલા મુશ્કેલ સંજોગોમાં રાજકારણ સાથે જોડાયા. મે 2012માં તેમના મોટા ભાઈ જગન મોહન રેડ્ડીની સીબીઆઈ દ્વારા કોભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે આંધ્ર પ્રદેશમાં 18 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હતી. જેથી શર્મિલાએ તેમના માતા વાયએસ વિજયમ્મા સાથે YSR કોંગ્રેસ પાર્ટીના પ્રચારની જવાબદારી સાંભળી હતી. જેમાં YSRCPએ 18 માંથી 15 સીટ અને એકમાત્ર લોકસભા સીટ પર જીત મેળવી હતી.
'પ્રજા થેરપુ - બાય બાય બાબુ' અભિયાન શરુ કર્યું
એપ્રિલ 2019ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા, શર્મિલા ફરી એકવાર તત્કાલિન મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ પ્રચાર કરીને ચર્ચામાં આવી. આ વખતે તેણે 'બાય બાય બાબુ' ટાઈમર ઘડિયાળ સાથે બસોમાં આંધ્રપ્રદેશમાં 11 દિવસનો બસ પ્રવાસ કર્યો. 'પ્રજા થેરપુ - બાય બાય બાબુ' અભિયાનમાં, શર્મિલાએ 1,553 કિમીની મુસાફરી કરી અને જાહેર સમર્થન મેળવ્યું. ભાઈ જગન સાથે કરેલી આ મહેનતનું ફળ પણ મળ્યું અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સત્તા પર આવી.
2021માં ભાઈને પાર્ટીની વિરુદ્ધ મોરચો શરુ કર્યો
ફેબ્રુઆરી 2021 માં, શર્મિલાએ જણવ્યું કે તેને પોતાના ભાઈ જગન મોહન રેડ્ડી સાથે રાજકીય મતભેદ છે અનર પાર્ટીનો કોઈ આધાર ન હોવાનો આરોપ લગાવ્યો. આ સાથે, એપ્રિલ 2021માં શર્મિલાએ જાહેરાત કરી હતી કે તે તેલંગાણામાં એક નવો રાજકીય પક્ષ શરૂ કરશે. 8 જુલાઈ, 2021 ના રોજ, તેના પિતા રાજશેખર રેડ્ડીની જન્મજયંતિ પર, શર્મિલાએ YSR તેલંગાણાના નામથી એક નવી પાર્ટી શરૂ કરી. શર્મિલાની નવી પાર્ટી રચનાના એક વર્ષ બાદ તેમની માતા વાયએસ વિજયમ્માએ તેમના પુત્રની પાર્ટી YSRC માંથી રાજીનામું આપીને શર્મિલાના પક્ષને સમર્થન આપવાની જાહેરાત કરી.
શર્મિલાના કોંગ્રેસ સાથે વિલીનીકરણની વાત કેવી રીતે સામે આવી?
તાજેતરમાં પુરી થયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી દરમિયાન, એવી અટકળો ચાલી રહી હતી કે શર્મિલા કાં તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અથવા પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કરશે. જો કે, શર્મિલાએ જાહેરાત કરી કે તેમની પાર્ટી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી લડશે નહીં અને એક રીતે ચૂંટણીમાં કોંગ્રેસને મૌન સમર્થન આપ્યું. અગાઉ સપ્ટેમ્બર 2023માં શર્મિલાએ કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી અને પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસને શું ફાયદો થશે?
આખરે વર્ષની શરૂઆતમાં શર્મિલાએ પક્ષને કોંગ્રેસમાં ભેળવી દેવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, તેઓ બુધવારે દિલ્હી હતા અને ઔપચારિક જાહેરાત પહેલા કોંગ્રેસના ટોચના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળશે. પડોશી રાજ્ય તેલંગાણામાં કોંગ્રેસની જીત બાદ આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. શર્મિલાના કોંગ્રેસમાં વિલયથી આ વર્ષની આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની જશે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે શર્મિલાને દક્ષિણના રાજ્યોના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવી શકે છે.