કોણ છે વિકાસ યાદવ જેના પર અમેરિકાએ લગાવ્યો ખાલિસ્તાની પન્નુની હત્યાનો પ્લાન ઘડવાનો આરોપ
Image: Facebook
Vikash Yadav: ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના ષડયંત્રનો આરોપ અમેરિકાના ન્યાય વિભાગે ભારતના પૂર્વ ગુપ્ત એજન્સીના અધિકારી પર લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે તે અધિકારીનું નામ વિકાસ યાદવ છે, જે અત્યાર સુધી અમેરિકામાં હતા પરંતુ થોડા સમય પહેલા તેમને પાછા બોલાવી દેવાયા. અમેરિકા અને ભારત બંનેએ ગુરુવારે કહ્યું હતું કે સંબંધિત જાણકારીને હટાવી દેવાઈ છે. અમેરિકાએ કહ્યું હતું કે અમે ભારત તરફથી આ મામલાની તપાસથી સંતુષ્ટ છીએ. અમે વિકાસ યાદવ પર ત્રણ આરોપ લગાવ્યા છે, જેમાં બે મુખ્ય છે પન્નુની હત્યા અને મની લોન્ડ્રિંગના ષડયંત્રની રચના.
વિકાસ યાદવને લઈને જે જાણકારી મળી છે, તે અનુસાર તે હવે સરકારી અધિકારી નથી. અમેરિકી ન્યાય વિભાગનું કહેવું છે કે તે હાલ ફરાર છે. અમેરિકી ગુપ્ત એજન્સી એફબીઆઈ ડાયરેક્ટર ક્રિસ્ટોફર રે એ આને લઈને નિવેદન જારી કરતાં કહ્યું, એફબીઆઈ હિંસાની ઘટનાનો સ્વીકાર કરશે નહીં. આ સિવાય અમેરિકામાં રહેતા લોકોથી બદલો લેવાનો પ્રયત્ન પણ સ્વીકાર નથી. એ જરૂરી છે કે અમેરિકામાં રહેતા લોકોના બંધારણીય અધિકારોની સુરક્ષા કરવામાં આવે.'
આ પણ વાંચો: અમેરિકાનો 'ખાલિસ્તાની પન્નુ' પ્રત્યેનો પ્રેમ ફરી છલકાયો, કહ્યું - હાઈ લેવલ સુધી મામલો ઊઠાવીશું
અમેરિકી ન્યાય વિભાગે આરોપ લગાવ્યો છે કે પન્નૂની હત્યાના ષડયંત્રની શરૂઆત મે 2023માં થઈ હતી. અમેરિકી એજન્સીઓનો આરોપ છે કે વિકાસ યાદવ આમાં સામેલ હતા. તે ભારત અને બહાર સક્રિય એજન્ટો સાથે જોડાયેલા હતા. ભારતે ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નૂને આતંકવાદી જાહેર કર્યો છે અને તેને દેશની સુરક્ષા માટે જોખમ ગણાવ્યો છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે વિકાસ યાદવે જ નિખિલ ગુપ્તા નામના વ્યક્તિને હાયર કર્યો હતો. તેને જ પન્નૂના હત્યાની જવાબદારી આપી હતી. નિખિલ ગુપ્તા વિરુદ્ધ અમેરિકાએ આ મામલે સૌથી પહેલા તપાસ શરૂ કરી હતી.
અમેરિકાના મેનહટ્ટનની કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિકાસ યાદવે ગુપ્તાને હાયર કર્યા હતા. પછી ગુપ્તાએ જ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતું. નિખિલ ગુપ્તા ગયા વર્ષે જૂનમાં ભારતથી પ્રાગ ગયા હતા. ત્યાં ચેક ઓથોરિટીઝે તેમની ધરપકડ કરી લીધી હતી અને પછી અમેરિકા પ્રત્યર્પણ કરાવી દેવાયું. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં નિખિલ ગુપ્તાએ પોતાને નિર્દોષ ગણાવ્યા. અમેરિકી એટર્ની જનરલે કહ્યું કે તાજેતરના આરોપ જણાવે છે કે અમેરિકા પોતાના કોઈ પણ નાગરિકની સુરક્ષા સાથે છેડછાડ થવા દેશે નહીં. અમારી જવાબદારી છે કે આપણે આપણા તમામ નાગરિકોની સુરક્ષા કરીએ.