અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજશે રામલલા, જાણો આ મંદિરના માલિક કોણ છે?
અયોધ્યામાં હાલ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે
Ayodhya ram temple : ભગવાન શ્રી રામની અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે છેલ્લા તબક્કામાં છે અને આગામી 22મી જાન્યુઆરીએ રામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં દેશભરમાંથી અનેક હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે, ત્યારે આ વિશાળ મંદિરની જમીનના માલિક કોણ છે તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. ચાલો જાણીએ તેના વિશે.
અયોધ્યામાં હાલ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે
અયોધ્યામાં હાલ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને આ મહોત્સવને ભવ્ય બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી. આ ભવ્ય મંદિરને વર્ષ 1990માં ચંદ્રકાંત સોમપુરાએ ડિઝાઈન કર્યું હતું કે જેઓ આર્કિટેક્ટ પરિવારમાંથી બિલોંગ કરે છે અને મંદિર ડિઝાઈન કરવા માટે આ તેમની 15મી પેઢી છે. આ પહેલા તેઓએ સોમનાથ, મુંબઈના સ્વામિનારાયણ અને કોલકાતામાં બિરલા મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી.
સૂર્યપ્રકાશનું પહેલુ કિરણ સીધુ જ રામલલાની મૂર્તિ પર પડે તેવી ડિઝાઈન તૈયાર કરી
અયોધ્યામાં 70 એકરમાં રામ મંદિરનું નિર્માણ થયું છે જેની ઉંચાઈ અંદાજે 162 ફૂટ હશે.આ સાથે આ સમગ્ર મંદિર પરિસરમાં 6 વધુ મંદિરો બનાવવામાં આવી રહ્યા છે અને મંદિરની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે સૂર્યપ્રકાશનું પહેલુ કિરણ સીધુ જ રામલલાની મૂર્તિ પર પડશે. આ ઉપરાંત નાગર શૈલીમાં બનેલા 235 ફૂટ પહોળા, 360 ફૂટ લાંબા અને 161 ફૂટ ઊંચા રામ મંદિરની મુખ્ય ઈમારતને રાજસ્થાનના વિખ્યાત બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ સિવાય મંદિરમાં 2100 કિલો વજન ધરાવતા 6 ફૂટ ઊંચા અને 5 ફૂટ પહોળા ઘંટની સ્થાપના કરવામાં આવશે તેમજ 500,200,100 કિલો વજનની ઘંટડીઓ પણ સ્થાપિત કરાશે. રામ મંદિરનો મુખ્ય દરવાજો સિંહ દ્વાર તરીકે ઓળખાશે.
ખાસ પ્રકારના લાકડા વડે બારી અને દરવાજા બનાવાયા
આ મંદિરના બારી અને દરવાજા મહારાષ્ટ્રના ચંદ્રપુરથી ખાસ પ્રકારના સાગના લાકડા વડે બનાવવામાં આવ્યા છે જેમાં વર્ષો સુધી કોઈ નુકસાન પહોંચી શક્શે નહીં અને ઉધઈની પણ અસર નહીં થાય. આ મંદિરમાં લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને હજારો વર્ષો સુધી મજબૂત રહે તેવું બનાવવામાં આવ્યુ છે. આ ભવ્ય મંદિર અંદાજે 70 એકર જમીનમાં નિર્માણ કરવામાં આવ્યુ છે જેમાં મુખ્ય ઈમારત લગભગ 54,700 ચોરસ ફૂટ જમીન પર બની છે એવામાં સવાલ એ ઉભો થાય છે કે આ ભવ્ય જમીન સંપત્તિનો માલિક કોણ છે?
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મંદિર ટ્રસ્ટની રચના કરવામાં આવી
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા બાદ કોર્ટના નિર્દેશ પર કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, એટલે આ સમગ્ર જમીનની માલિકી આ ટ્રસ્ટ ધરાવે છે. આ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્યગોપાલ દાસ છે. આ ટ્રસ્ટમાં 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલી રકમથી લઈને ખર્ચ સુધીનું સમગ્ર કાર્યની જવાબદારી સંભાળશે.