દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ? 15 નામ શોર્ટલિસ્ટ કરાયા, હવે પીએમ મોદી કરશે અંતિમ નિર્ણય!
Image: Facebook
New Chief Minister of Delhi: દિલ્હીમાં હવે નવી સરકારની રચનાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નામ પર મોહર લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 19 કે 20 ફેબ્રુઆરીએ શપથગ્રહણ થઈ શકે છે. 17 કે 18 ફેબ્રુઆરીએ ભાજપ ધારાસભ્ય દળની બેઠક થઈ શકે છે. ભાજપના 48માંથી 15 ધારાસભ્યોના નામ આપવામાં આવ્યા છે, તેમાંથી 9 નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. આમાંથી મુખ્યમંત્રી, મંત્રી અને સ્પીકરનું નામ નક્કી કરવામાં આવશે.
રેખા ગુપ્તા, પ્રવેશ વર્મા, મોહન સિંહ બિષ્ટ, વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય, આશીષ સૂદ, શિખા રાય અને પવન શર્માનું નામ ચર્ચામાં છે. જોકે આ માત્ર અટકળો છે, પીએમ મોદી અને અમિત શાહ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની જેમ દિલ્હીમાં પણ કોઈ સરપ્રાઈઝ આપી શકે છે.
1. રેખા ગુપ્તા
આરએસએસના બેકગ્રાઉન્ડથી આવતી રેખા શાલીમાર બાગ સીટથી પહેલી વાર ધારાસભ્ય બન્યા છે, દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલમાં 3 વખતની કાઉન્સિલર છે.
2. શિખા રાય
શિખાએ ત્રણ વખતથી ધારાસભ્ય અને દિલ્હીમાં કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાશમાં આકરી હાર આપી છે.
3. પ્રવેશ વર્મા
નવી દિલ્હી બેઠક પર કેજરીવાલને ચૂંટણીમાં હરાવીને ચર્ચામાં છે. 2 વખતના ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચૂક્યા છે. દિલ્હીના પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્ર છે.
4. મોહન સિંહ બિષ્ટ
પહાડી રાજપૂત છે, 6 વખતના ધારાસભ્ય છે, મૂળ રીતે ઉત્તરાખંડના રહેવાસી છે. વિદ્યાર્થી જીવનમાં જ આરએસએસ સાથે જોડાયેલા હતાં.
5. વિજેન્દ્ર ગુપ્તા
સતત 3 વખતના ધારાસભ્ય છે, દિલ્હી ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીના સભ્ય છે.
6. સતીશ ઉપાધ્યાય
બ્રાહ્મણ ચહેરો હોવાની સાથે એક વખતના ધારાસભ્ય છે. દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
7. આશીષ સૂદ
પહેલી વખત ધારાસભ્ય બન્યા છે. ગોવામાં ભાજપના પ્રભારી છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સહ-પ્રભારી છે.
8. પવન શર્મા
ઉત્તર નગરથી ધારાસભ્ય પસંદ કરાયા છે, ચર્ચાથી દૂર છે.
આ પણ વાંચો: આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકારની બેઠક નિષ્ફળ, હવે 22 ફેબ્રુઆરીએ યોજાશે આગામી બેઠક
મોહલ્લા ક્લીનિકના નામમાં ફેરફારની તૈયારી
આ દરમિયાન કેજરીવાલ સરકારના મોટા પ્રોજેક્ટ મોહલ્લા ક્લીનિકના નામમાં ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ છે. દિલ્હીની નવી ભાજપ સરકાર મોહલ્લા ક્લીનિકના નામ અને સ્વરૂપ બંને બદલવાની તૈયારીમાં છે. મોહલ્લા ક્લીનિકનું નામ બદલીને આયુષ્માન આરોગ્ય મંદિર રાખવામાં આવી શકે છે.
મોહલ્લા ક્લીનિકની સ્થિતિ પર રિપોર્ટ માગશે કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર દિલ્હીના નવા સ્વાસ્થ્ય મંત્રીથી મોહલ્લા ક્લીનિકની સ્થિતિ પર રિપોર્ટ માગશે અને એ તપાસ કરશે કે શું તેમને આયુષ્માન આરોગ્ય મંદિરમાં બદલી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં મોહલ્લા ક્લીનિકમાં થઈ રહેલી આરોગ્ય સેવાઓ અને ભ્રષ્ટાચારના આરોપોની પણ સમીક્ષા થશે. જાન્યુઆરીમાં દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મોહલ્લા ક્લીનિકમાં કથિક બનાવટી ડાયગ્નોસ્ટિક ટેસ્ટના મામલે CBI તપાસના આદેશ પણ આપ્યા હતા. દિલ્હી અને પશ્ચિમ બંગાળ સરકારે હજુ સુધી આયુષ્માન ભારત યોજનાને લાગુ કરી નથી.
સરકાર રચના પહેલા જ એક્શનમાં ભાજપ
સરકાર રચના પહેલા જ ભાજપ એક્શનમાં નજર આવી રહી છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી શકે છે. ગૃહ મંત્રાલયે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 218 હેઠળ ન્યાયાલયમાં મામલો ચલાવવા માટે રાષ્ટ્રપતિથી વિનંતી કરી છે, સાથે જ સીએજી રિપોર્ટ રજૂ થતાં જ કેજરીવાલ અને સિસોદિયાની સાથે ઘણા મોટા આપ નેતાઓની મુશ્કેલી વધી શકે છે.