ગાંધીજીને મહાત્માના બિરુદ અંગે વિવાદાસ્પદ બોલનારા આઇઆઇટીએન બાબા કોણ છે ?
કેનેડામાં ૩૬ લાખ રુપિયાના પેકેજને છોડીને સન્યાસી બન્યા છે.
આઇઆઇટી મુંબઇમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો સ્ટડી કર્યો હતો.
નવી દિલ્હી,૧૮ જાન્યુઆરી,૨૦૨૫,શનિવાર
આઇઆઇટીએન બાબા તરીકે ઓળખાતા અભયસિંહે પ્રયાગરાજના કુંભમેળામાં મહાત્મા ગાંધી અંગે ટીપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો છે. એક ન્યૂઝ ચેનલને થોડાક દિવસ પહેલા આપેલા સાક્ષાત્કારનો વીડિયો પણ વાયરલ થઇ રહયો છે. આઇઆઇટીએન બાબાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને મળેલી મહાત્માની ઉપાધી અંગે વિવાદાસ્પદ વાત કરી છે કે જે લોકોને અધ્યાત્મની સમજ ન હતી આથી જ તેમને મહાત્માનું બિરુદ મળ્યું હતું. તેઓ વળી કેવી રીતે મહાન આત્મા બની ગયા ? શું તેમણે તપસ્યા કરી હતી ? તેમની પાસે વળી કઇ સિધ્ધિ હતી.
કોરોના લોકડાઉનમાં એકાંતવાસ સંન્યાસી બનવાનું નિમિત બન્યો હતો
આઇઆઇટીએન બાબાએ આઇઆઇટી મુંબઇમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો સ્ટડી કર્યો હતો. તેઓ કેનેડામાં ૩૬ લાખ રુપિયાના પેકેજની નોકરી છોડીને સન્યાસી બન્યા છે. આઇઆઇટી માટે દિલ્હીમાં કોચિંગ લીધું હતું.મહામારી દરમિયાન ચાલેલા લાંબા લોક ડાઉનમાં તેઓ કેનેડામાં ફસાયા હતા.એકાંતવાસમાં રહેવાનું થતા તેમના જીવન વિચારોમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. ૨૦૨૦-૨૧માં તેઓ ભારત પાછા ફરીને ઉજજૈન, કેરલ અને હરિદ્વાર જેવા તીર્થ સ્થળોની યાત્રા કરી હતી.
હરિયાણાના ઝજજરના સાસરૌલીગામમાં જ્ન્મેલા આઇઆઇટીએન બાબા અસ્ખલિત અંગ્રેજી બોલે છે અને તેમના આકરા- ઉગ્ર વિચારો હંમેશા ચર્ચાનું કેન્દ્ર બને છે.તેઓ સમાચાર માધ્યમો સાથે સતત વાતચિત કરીને સનાતન ધર્મથી માંડીને પ્રવર્તમાન સમસ્યાઓ અંગે પણ ખુલીને વિચારો રજૂ કરી રહયા છે. આવનારા સમયમાં સનાતન ધર્મ જ રહેશે એમ જણાવ્યું હતું. ગાંધીજીને મહાત્મા બિરુદ અંગે વિવાદાસ્પદ વિચાર રજૂ કરીને તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે.