Get The App

ગુજરાતના કેમિકલ કાંડ મામલે રાહુલ ગાંધીનો સવાલ- માફિયાઓને કોણ છાવરે છે?

Updated: Jul 29th, 2022


Google NewsGoogle News
ગુજરાતના કેમિકલ કાંડ મામલે રાહુલ ગાંધીનો સવાલ- માફિયાઓને કોણ છાવરે છે? 1 - image


- 'બાપુ અને સરદાર પટેલની ધરતી પર આ કોણ લોકો છે જેઓ બેખોફ થઈને નશાનો કારોબાર કરી રહ્યા છે?'

નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022, શુક્રવાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં લઠ્ઠાકાંડના કારણે થયેલા મૃત્યુનો મુદ્દો ઉઠાવીને કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'ડ્રાય સ્ટેટ' ગુજરાતમાં ઝેરી દારૂ પીવાના કારણે અનેક ઘર ઉજડી ગયા. ત્યાંથી સતત અબજોનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આ ખૂબ ચિંતાની વાત છે, બાપુ અને સરદાર પટેલની ધરતી પર આ કોણ લોકો છે જેઓ બેખોફ થઈને નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી શક્તિઓ રક્ષણ આપી રહી છે?

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઝેરી દારૂ પીવાના કારણે 42 લોકોના મોત થયા છે તથા 100થી પણ વધારે લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સરકારના કહેવા પ્રમાણે પોલીસ 10 જ દિવસમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરશે. 

લઠ્ઠાકાંડ કે પછી ઝેરી કેમિકલ પીવાના કારણે બોટાદ, ભાવનગર તથા અમદાવાદના 42થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત 100થી પણ વધારે લોકો 3 જિલ્લાઓની હોસ્પિટલ્સમાં ગંભીર સ્થિતિમાં સારવાર અંતર્ગત છે. 

આ પણ વાંચોઃ કેમિકલ કાંડ- બોટાદ, અમદાવાદ ગ્રામ્ય SPની ટ્રાન્સફર, PSI સહિત 5 પોલીસ કર્મી સસપેન્ડ

સમગ્ર કાંડ બાદ ઝેરી દારૂ વેચવા અને બનાવવાના આરોપસર 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોટાદના ગામડાઓમાં અમુક છૂટક શરાબ વિક્રેતાઓએ 'મિથાઈલ આલ્કોહોલ' (મિથેનોલ)માં પાણી ભેળવીને નકલી દારૂ બનાવ્યો હતો જે ખૂબ જ ઝેરી હોય છે. તેમણે તે દારૂ 20 રૂપિયા પ્રતિ પાઉચના હિસાબથી ગામના લોકોને વેચ્યો હતો. 

ગુજરાત સરકારે આ સમગ્ર કાંડ બાદ અમદાવાદ ગ્રામીણ તથા બોટાદના એસપીને હટાવી લીધા છે તથા 10 પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 



Google NewsGoogle News