બે રૂમના ફ્લેટમાં રહે છે રતન ટાટાના નાના ભાઈ જિમી ટાટા, એટલું સાદગીપૂર્ણ જીવન કે ફોન પણ નથી રાખતા
Who is Ratan TATA younger brother Jimmi : રતન ટાટા જીવનભર અપરિણીત રહ્યા. તેમ છતાં તેમની સાથે ભાઈ-બહેનોનો આખો પરિવાર હતો. તેમને બે ભાઈઓ અને એક બહેન છે. તેમજ ભત્રીજાઓ અને ભત્રીજીઓ છે. પરંતુ રતન ટાટાના સગો નાનો ભાઈ જિમી ટાટા એક એવી વ્યક્તિ છે, જે તેમના પરિવારથી સંપૂર્ણપણે અલગ છે. તે ચર્ચાઓથી દૂર ખૂબ જ સાદું જીવન જીવે છે. તેઓ 2 રૂમવાળા એક નાના ફ્લેટમાં રહે છે, અને મોબાઇલનો ઉપયોગ પણ કરતા નથી.
જો કે, તેમની પાસે પૈસાની કોઈ કમી નથી, કારણ કે ટાટા સન્સનો કેટલોક હિસ્સો તેમની પાસે છે. માહિતી પ્રમાણે તેમની પાસે મોબાઇલ ફોન નથી. તેઓ લોકોને મળતાં-ઝૂલતાં નથી. તેઓ પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે. તેમની આ દુનિયા બિઝનેસ અને કૉર્પોરેટ વર્લ્ડથી બિલકુલ અલગ છે. તેઓ ક્યારેય ટાટાના બિઝનેસ સામ્રાજ્યમાં પોતાને જોડવા માંગતા ન હતા.
ક્યારેય બીજો કોઈ ધંધો કે કામ કરવાની ઇચ્છા નથી કરી. સોશિયલ મીડિયા અને મોબાઇલથી હંમેશા દૂર રહ્યા છે. આધુનિક ટૅક્નોલૉજીને બદલે પુસ્તકો અને અખબારો દ્વારા માહિતી રાખવાનું પસંદ કરે છે. એક અંગ્રેજી અખબાર લખે છે કે, તે ભાગ્યે જ પોતાના ઘરની બહાર નીકળે છે. આ કારણથી રતન ટાટાના નાના ભાઈ જિમી ટાટાને બહુ ઓછા લોકો ઓળખે છે.
તેમના પિતા નવલ ટાટાએ બે વાર લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન સુની કમિસરિયેટ સાથે થયા હતા. તેનાથી તેમને બે પુત્રો રતન અને જિમી થયા. પછી તેમના બીજા લગ્ન સિમોન સાથે થયા હતાં, જેનાથી નોએલ ટાટાનો જન્મ થયો.
કૌટુંબિક વ્યવસાયમાં ક્યારેય રસ નહોતો
જિમી ટાટા અત્યારે 83 વર્ષના થઈ ગયા છે. તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે, તેઓ ખૂબ જ સાદું અને શાંતિપૂર્ણ જીવન જીવે છે. તેમને લાઇમલાઇટથી દૂર રહેવું વધારે ગમે છે. ટાટા ગ્રૂપમાં તેમનો નોંધપાત્ર હિસ્સો હોવા છતાં તેમણે પારિવારિક વ્યવસાયમાં ઓછો રસ દાખવ્યો છે.
બન્ને ભાઈઓ ખૂબ નજીક હતા
થોડાક દિવસો પહેલાં જ્યારે રતન ટાટાએ તેમના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર જિમી સાથેની બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીર પોસ્ટ કરી હતી. ત્યારે લોકોમાં તેમના વિશેની ઉત્સુકતા વધી ગઈ. કેપ્શનમાં લખ્યું છે, “એ ખુશ દિવસો હતા. અમારી વચ્ચે કોઈ પણ નથી આવ્યું. (1945માં મારા ભાઈ જિમી સાથે). બન્ને ભાઈઓ એકબીજાની ખૂબ નજીક હતા.
કોલાબામાં બે બેડરૂમના સાદા ફ્લેટમાં રહે છે
RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષવર્ધન ગોયનકાએ પણ X પર જિમીની સાદગી ભરેલી રહેણી-કરણી વિશે પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે, જિમી મુંબઈના કોલાબામાં હેમ્પટન કોર્ટના છઠ્ઠા માળે બે બેડરૂમના સાદા એપાર્ટમેન્ટમાં રહે છે. તે એક ઉત્તમ સ્ક્વોશ ખેલાડી છે, તેમની પાસે એક એવું હુન્નર છે, જે તેમના મોટા ભાઈ પાસે નથી. યુવાનીમાં તે એક ઉત્તમ સ્ક્વોશ ખેલાડી હતો.
કરોડોની સંપત્તિના માલિક છતાં પણ સરળ રહેણી કરણી
તેમના વિશે એક એવી અફવા પણ છે કે, તેઓ ભાગ્યે જ તેમના ઘરની બહાર નીકળે છે. જિમી ટાટા સાદું જીવન જીવે છે, પરંતુ તેમની પાસે ઘણી મિલકત છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા સન્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ટાટા પાવર, ઇન્ડિયન હોટેલ્સ અને ટાટા કેમિકલ્સ સહિતની ટાટાની ઘણી કંપનીઓમાં તેમનો મોટો હિસ્સો છે. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, જે પદ તેમને 1989માં તેમના પિતા નવલ ટાટાના અવસાન પછી મળ્યું હતું.