રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી માટે પસંદગી પામેલા લક્ષ્મીકાંત દીક્ષિત કોણ છે, વારાણસી સાથે શું છે કનેક્શન?

કાશીના વૈદિક પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરનારા પૂજારીઓનું નેતૃત્વ કરશે

તેઓ વારાણસીના મેરઘાટ સ્થિત સંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય છે

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી માટે પસંદગી પામેલા લક્ષ્મીકાંત દીક્ષિત કોણ છે,  વારાણસી સાથે શું છે કનેક્શન? 1 - image


Laxmikant Mathuranath Dixit: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. એવામાં વારાણસીના 86 વર્ષીય વૈદિક વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત મથુરાનાથ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. તેઓ પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર 121 પૂજારીઓની ટીમનું નેતૃત્વ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણ પત્રમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીના રોજ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. 

પંડિત લક્ષ્મીકાંત છે પંડિત ગંગા ભટ્ટના વંશજ 

કાશીના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત વર્ષો જૂની પરંપરાઓ અને વૈદિક વિધિઓમાં નિષ્ણાત છે. તેઓ એ પાંચ લોકોમાં સામેલ છે જે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મુખ્ય ગર્ભગૃહમાં હાજર રહેશે. તેમનો સીધો સંબંધ શિવાજી મહારાજ સાથે છે, તેનો પુરાવો તેમની વંશાવલીમાંથી મળી આવ્યો છે. લગભગ 350 વર્ષ પહેલા, 1674 માં, છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો, જે પંડિત ગંગ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને પંડિત લક્ષ્મીકાંત તેમના વંશજ છે. લક્ષ્મીકાંત દીક્ષિતના પુત્ર સુનીલ દીક્ષિતના જણાવ્યા અનુસાર તેઓ મૂળ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના જેઉરના છે. તેમનો પરિવાર ઘણી પેઢીઓ પહેલા કાશીમાં સ્થાયી થયો હતો. તેમજ તેમના પૂર્વજો નાગપુર અને નાસિકના રજવાડાઓમાં પણ ધાર્મિક વિધિઓ કરતા હતા. 

લક્ષ્મીકાંત દીક્ષિત છે પૂજા પદ્ધતિના નિષ્ણાત 

લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના મેરઘાટ સ્થિત સંગવેદ કોલેજના વરિષ્ઠ પ્રોફેસર છે. આ કોલેજની સ્થાપના કાશીના રાજાના સહયોગથી કરવામાં આવી હતી. તેમની ગણના કાશીમાં યજુર્વેદના સારા વિદ્વાનોમાં થાય છે. એટલું જ નહીં, તેઓને પૂજા પદ્ધતિમાં પણ પારંગત માનવામાં આવે છે. લક્ષ્મીકાંત દીક્ષિતે તેમના કાકા ગણેશ દીક્ષિત ભટ્ટ પાસેથી વેદ અને ધાર્મિક વિધિઓની દીક્ષા લીધી હતી. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થશે. પંડિત લક્ષ્મીકાંત અને અન્ય 121 વિદ્વાનો વિધિ કરાવશે. આ ટીમમાં 40 થી વધુ વિદ્વાનો કાશીના છે. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી માટે પસંદગી પામેલા લક્ષ્મીકાંત દીક્ષિત કોણ છે,  વારાણસી સાથે શું છે કનેક્શન? 2 - image


Google NewsGoogle News