કોણ છે અમેઠીથી કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ શર્મા? જેમણે સ્મૃતિ ઈરાનીને હરાવીને રાહુલની હારનો લીધો બદલો

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
કોણ છે અમેઠીથી કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ શર્મા? જેમણે સ્મૃતિ ઈરાનીને હરાવીને રાહુલની હારનો લીધો બદલો 1 - image


Image Source: Twitter

Kishori Lal Sharma: દેશમાં કોની સરકાર બનશે અને કયા પક્ષને કેટલી બેઠક મળી તે આજે સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે. લોકસભા ચૂંટણીમાં દેશની 543 બેઠકની મત ગણતરી પૂર્ણ થઈ રહી છે. એક્ઝિટ પોલની સરખામણીમાં ઈન્ડિયા બ્લોકે જોરદાર ટક્કર આપી છે. એનડીએને 280 જેટલી બેઠક મળી ગઈ છે, પરંતુ ઈન્ડિયા બ્લોકનો આંકડો પણ 220ને પાર થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં સૌથી મોટો અપસેટ અમેઠીમાં જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે નિર્ણાયક લીડ મેળવી છે. તાજેતરના આંકડાઓ પ્રમાણે તેઓ 1 લાખ 20 હજાર મતોથી આગળ છે. આ સાથે જ સૌની નજર ગાંધી પરિવારના ખાસ ગણાતા શર્માજી પર ગઈ છે. આખરે કોણ છે કેએલ શર્મા જેમણે ગત લોકસભામાં રાહુલ ગાંધીની હારનો બદલો લીધો છે.

કિશોરી લાલ શર્મા ગાંધી પરિવારના વિશ્વાસુ

અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા ગાંધી પરિવારના વિશ્વાસુ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને 415450 વોટ મળ્યા છે જ્યારે સ્મૃતિ ઈરાનીને 294581 વોટ મળ્યા છે. જો કે હજુ મતગણતરી ચાલુ છે. મૂળ પંજાબના લુધિયાણાના રહેવાસી કેએલ શર્માએ 40 વર્ષ પહેલા પૂર્વ પીએમ રાજીવ ગાંધી સાથે વિધાનસભા મતવિસ્તારના સંયોજક તરીકે તેમની રાજકીય ઈનિંગની શરૂઆત કરી હતી. આ પહેલા તેઓ નેહરુ યુવા કેન્દ્રમાં અધિકારી હતા.

વર્ષ 2004થી તેઓ સોનિયા ગાંધીના પ્રતિનિધિ તરીકે રાયબરેલી ક્ષેત્રમાં ચૂંટણી સંચાલનની જવાબદારી નિભાવી રહ્યા હતા. કેએલ શર્માએ 1983માં રાજીવ ગાંધી સાથે રાયબરેલી અને અમેઠીમાં એન્ટ્રી કરી હતી. રાજીવ ગાંધીના મૃત્યુ બાદ ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધો પારિવારિક બની ગયા. જ્યારે ગાંધી પરિવારે અહીંથી ચૂંટણી લડવાનું બંધ કર્યું ત્યારે પણ શર્મા કોંગ્રેસ પાર્ટીના સાંસદ માટે કામ કરતા રહ્યા.

કેએલ શર્મા રાયબરેલી અને અમેઠીની મુલાકાત લેતા રહે છે. જો કે, જ્યારે સોનિયા ગાંધીએ પહેલીવાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને અમેઠીથી ચૂંટણી લડ્યા ત્યારે શર્મા તેમની સાથે અમેઠી આવી ગયા હતા. જ્યારે સોનિયાએ રાહુલ માટે અમેઠી સીટ છોડી અને પોતે રાયબરેલી આવ્યા ત્યારે શર્માએ બંને બેઠકની જવાબદારી પોતાના ઉપર લઈ લીધી. સમયની સાથે લોકો કોંગ્રસ પાર્ટીનો સાથ છોડતા રહ્યા પરંતુ શર્માની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા ઓછી ન થઈ. ક્યારેક તેઓ બિહારના પ્રભારી રહ્યા તો ક્યારેક પંજાબ કમિટીના સભ્ય બન્યા અને એઆઈસીસીના મેમ્બર પણ રહ્યા. ઘણી વખત ચૂંટણીની બાગડોર તેમના હાથમાં રહી હતી પરંતુ છેક હવે તેમને ગાંધી પરિવારની નજીકના હોવાનું ઈનામ મળ્યું છે. 

રાયબરેલી અને અમેઠી સાથે તેમનો 40 વર્ષથી વધુ જૂનો સંબંધ

રાયબરેલીમાં સોનિયા ગાંધીની ગેરહાજરીમાં કેએલ શર્માએ તેમના કાર્યાલયમાં આવનાર દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને શક્ય તમામ મદદ કરી. ત્યારબાદની ચૂંટણીઓમાં તેમના કાર્યક્ષમ સંચાલનને કારણે જ સોનિયા ગાંધીને પ્રચંડ જીત મળી હતી. કોંગ્રેસના પ્રવક્તા અંશૂ અવસ્થીએ જણાવ્યું કે જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે સરકારી યોજનાઓના પ્રચાર માટે યુથ કોંગ્રેસના લોકોને કામે લગાડ્યા હતા. ત્યારે અમેઠીમાં કિશોરી લાલને કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા હતા. રાયબરેલી અને અમેઠી સાથે તેમનો 40 વર્ષથી વધુ જૂનો સંબંધ છે. તેમને ઘરે-ઘરે લોકો જાણે છે. 



Google NewsGoogle News