Get The App

કોણ છે નિતાશા કૌલ?, જવાનું હતું કર્ણાટક પણ બેંગલુરુથી જ રવાના કરી દેવાયા, જાણો સમગ્ર મામલો

બ્રિટનમાં રહેતી કાશ્મીરી પંડિત નિતાશા કૌલે દાવો કર્યો છે કે તેને ભારતમાં એન્ટ્રી ન મળી

તેઓ કર્ણાટક સરકારના કાર્યક્રમના ભાગ લેવા આવી રહ્યા હતા

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
કોણ છે નિતાશા કૌલ?, જવાનું હતું કર્ણાટક પણ બેંગલુરુથી જ રવાના કરી દેવાયા, જાણો સમગ્ર મામલો 1 - image


Who Is Nitasha Kaul: બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના નિતાશા કૌલ હાલ ચર્ચામાં છે. નિતાશાએ દાવો કર્યો છે કે બેંગલુરુ એરપોર્ટના અધિકારીઓએ તેની અટકાયત કરી અને પછી તેનો દેશનિકાલ કર્યો. તે કર્ણાટક સરકારના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહી હતી. નિતાશા કૌલ તેના લેખો અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમના દાવા બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમને 'ભારત વિરોધી તત્વ' ગણાવ્યા છે.

બેંગલુરુ એરપોર્ટ પર પ્રવેશ આપવા પર ઇનકાર 

પ્રોફેસર નિતાશા કૌલ કર્ણાટકમાં યોજાનારા કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહી હતી. તેણે X પર એક પોસ્ટ કરીને દાવો કર્યો છે કે તેને બેંગલુરુ એરપોર્ટ પરથી કોઈ પણ કારણ આપ્યા વગર પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેને પરત મોકલી દેવામાં આવી હતી. હજુ સુધી બેંગલુરુ એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા દર્શાવી નથી.

નિતાશા કૌલ કોણ છે?

નિતાશા કૌલનો જન્મ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો હતો. તેમજ તેઓ દિલ્લીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સથી બીએ ઓનર્સ કર્યું છે. વર્ષ 1997 નિતાશા લંડન જતા રહ્યા હતા. આ પછી, 2003 માં, તેમણે બ્રિટનની હલ યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીમાં વિશેષતા સાથે અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેમણે અર્થશાસ્ત્ર અને ફિલોસોફીમાં પીએચડી કર્યું છે. નિતાશા કૌલ લંડન સ્થિત કાશ્મીરી પંડિત છે અને વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર છે. તેમજ તેઓ નવલકથાકાર, લેખક અને કવિ પણ છે.

શું છે આખો મામલો?

કર્ણાટક સરકારે 24 અને 25 ફેબ્રુઆરીએ 'બંધારણ અને રાષ્ટ્રીય એકતા પરિષદ 2024' કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પ્રોફેસર નિતાશા કૌલને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે કર્ણાટક સરકારે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા દર્શાવી નથી. નિતાશા કૌલે કર્ણાટક સરકાર દ્વારા મોકલવામાં આવેલ કાર્યક્રમ સાથે સંબંધિત આમંત્રણ અને અન્ય પત્રો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કર્ણાટક યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મામલે પ્રતિક્રિયા આપી હતી. આ સાથે ભાજપે X પર કેટલાક લેખોના શીર્ષક પોસ્ટ કરીને નિતાશા કૌલને આમંત્રણ આપવા બદલ કર્ણાટક સરકારની પણ ટીકા કરી છે. પ્રોફેસર નિતાશા કૌલ કાશ્મીર મુદ્દે લખે છે. 2019 માં, તેણે ભારતીય બંધારણની કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન અંગે યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ કમિટી ઓન ફોરેન અફેર્સ સમક્ષ નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની પણ ટીકા કરી હતી.

કોણ છે નિતાશા કૌલ?, જવાનું હતું કર્ણાટક પણ બેંગલુરુથી જ રવાના કરી દેવાયા, જાણો સમગ્ર મામલો 2 - image



Google NewsGoogle News