કર્ણાટકના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારની ‘ઘરવાપસી’, કોંગ્રેસમાં હારનો સ્વાદ ચાખી ભાજપમાં જોડાયા

વિધાનસભા ચૂંટણી ટાણે શેટ્ટાર ભાજપથી રિસાઈ કોંગ્રેસમાં જોડાયા હતા

સતત 6 વખત ચૂંટણી જીતનાર શેટ્ટાર 1994 બાદ પ્રથમવખત કોંગ્રેસની ટિકિટ પર હાર્યા

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
કર્ણાટકના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારની ‘ઘરવાપસી’, કોંગ્રેસમાં હારનો સ્વાદ ચાખી ભાજપમાં જોડાયા 1 - image


Jagadish Shettar Join BJP : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તેમણે દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટરમાં ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા (BS Yediyurappa)ની ઉપસ્થિતિમાં ફરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

શેટ્ટાર ભાજપથી રિસાઈ કોંગ્રેસમાં જોડાયા હતા

કર્ણાટક વિધાનસભા ચૂંટણી-2023 (Karnataka Assembly Election 2023)માં ટિકિટ ન મળતા શેટ્ટાર ભાજપથી રિસાઈ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને હુબલી-ધારવાડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા અને હારી ગયા. ત્યારબાદ કોંગ્રેસે તેમને વિધાન પરિષદના સભ્ય બનાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે ભાજપમાં જોડાતા પહેલા અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

ભાજપમાં સામેલ થતાં જ શેટ્ટારે કર્યા મોદીના વખાણ

ભાજપમાં સામેલ થયા બાદ શેટ્ટારે કહ્યું કે, ‘ભાજપે ઘણી જવાબદારીઓ આપી હતી. પરંતુ હું કેટલાક કારણોસર કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. છેલ્લા આઠ-નવ મહિનામાં ઘણી ચર્ચાઓ થઈ. ભાજપના કાર્યકર્તાઓ પણ ઈચ્છતા હતા કે, હું ફરી પાર્ટીમાં જોડાઈ જાઉં. યેદિયુરપ્પાજી અને વિજયેન્દ્રજી પણ ઈચ્છતા હતા કે, હું ભાજપમાં પરત ફરું. હું એ વિશ્વાસ સાથે હું પાર્ટીમાં પરત ફરી રહ્યો છું કે, નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે.’

શેટ્ટારે ભાજપ છોડતી વખતે શું કહ્યું હતું?

વિધાનસભા ચૂંટણી સમયે શેટ્ટારે ભાજપ છોડ્યા બાદ કહ્યું હતું કે, ‘મારી વરિષ્ઠતાની અવગણના કરાઈ અને મને ટિકિટ આપવાનો ઈન્કાર કરાયો ત્યારે ભાજપ નેતૃત્વએ જે વ્યવહાર કર્યો, તે સ્વિકારવા લાયક ન હતો. હું અહીં (હુબલીથી) છ વખત ચૂંટણી જીત્યો છું.’

કોંગ્રેસમાં જોડાતા જ હાર્યા ચૂંટણી

શેટ્ટારે ભાજપ છોડી કોંગ્રેસ (Congress)ની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને ભાજપ ઉમેદવાર મહેશ તેંગીનાકી સામે 34289 મતોથી હાર્યા. પરાજય બાદ તેઓ 1994 પછી પ્રથમવાર વિધાનસભામાં જઈ શક્યા ન હતા. તેઓ 12 જુલાઈ-2012થી 13 મે-2013 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા. ઉપરાંત 2014થી 2018 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.


Google NewsGoogle News