વંદે ભારત એક્સપ્રેસની બારીના કાચ પર હથોડો ચલાવનારો કોણ, શું છે વાયરલ VIDEOની હકીકત?
Vande Bharat Express Viral Video: ટ્રેન ઉથાલાવવાના કાવતરાના અનેક મામાલાની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસ સાથે સબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને જાતભાતની ચર્ચા ચાલી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ ટ્રેનના કાચ પર હથોડો મારી રહ્યો છે. એક તરફ લોકો આ વીડિયોમાં દેખાતી વ્યક્તિની ધરપકડની માગ કરી રહી છે. બીજી તરફ, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાચ બદલવાની પ્રક્રિયાનો એક ભાગ છે.
વાયરલ વીડિયોમાં શું છે
લગભગ 14 સેકન્ડ લાંબા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક યુવક ઊભી રહેલી ટ્રેન પર હથોડો મારી રહ્યો છે. તે કાચ પર પ્રહારો કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ મામલો કયા રેલવે સ્ટેશનનો છે અને હથોડાથી કાચ તોડવાનો પ્રયાસ કરી રહેલી વ્યક્તિ કોણ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક યુઝર્સે આ વીડિયો શેર કર્યો છે.
અનેક યુઝર્સની સોશિયલ મીડિયામાં ધરપકડની માગ
આ વાયરલ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, ‘આ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ અને તેને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ 10-15 વર્ષની જેલની સજા થવી જોઈએ.’ તો અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.’
મહત્ત્વની વાત એ છે કે, વંદે ભારત પર પથ્થરમારાના અનેક મામલા સામે આવ્યા હતા. તાજેતરમાં જ કાલિંદી એક્સપ્રેસના માર્ગ પર પણ એક ભરેલું ગેસ સિલિન્ડર મૂકવામાં આવ્યું હતું. ટ્રેન આ સિલિન્ડરને અથડાઈ પણ હતી અને મોટી જાનહાનિ ટળી હતી. આ કેસની પણ હાલ તપાસ ચાલી રહી છે.
અન્ય એક થિયરી પણ વહેતી થઈ છે
એક સોશિયલ મીડિયા યુઝરે આ માહિતીની ખરાઈ કરવાની માગ કરી છે. તેણે કહ્યું છે કે, ‘સર પોસ્ટ કરતાં પહેલાં મહેરબાની કરીને ન્યુઝ કન્ફર્મ કરી લો. તૂટેલા કાચને બદલવાની પ્રક્રિયા આ જ રીતે થાય છે.’ તો અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ‘આ ટ્રેન કોચ કેર સેન્ટર પર છે, પ્લેટફોર્મ પર નથી. તે વ્યક્તિ કાચ બદલવા માટે હથોડા મારી રહ્યો છે. તે કોન્ટ્રાક્ટરનો એક કર્મચારી છે અને તેને બારીનો કાચ બદલવાનું કામ સોંપવામાં આવ્યું છે.’