કોણ છે દિનેશ સિંહ બબ્બુ, જેને ભાજપે સની દેઓલના બદલે ગુરદાસપુર બેઠકથી ટિકિટ આપી
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પોતાના ઉમેદવાના યોદી જાહેર કરી રહ્યા છે. ત્યારે ભાજપે શનિવારે તેની આઠમી યાદી જાહેર કરી હતી. જેમાં પંજાબની 13 લોકસભા બેઠકમાંથી છ બેઠક માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. ગુરુદાસપુર બેઠક પરથી અભિનેતા અને સાંસદ સની દેઓલની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યાએ દિનેશ સિંહ બબ્બુને ટિકિટ આપી છે.
દિનેશ સિંહ બબ્બુ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા
ભાજપના નેતા દિનેશ સિંહ બબ્બુ પંજાબની સુજાનપુર બેઠકથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2012માં દિનેશ સિંહ પંજાબ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. તેમણે સતત ત્રણ વખત એટલે કે 2007, 2012 અને 2017માં વિધાનસભા ચૂંટણી જીતી હતી. જો કે, વર્ષ 2022માં તેઓ સુજાનપુર બેઠક કોંગ્રેસના ઉમેદવાર નરેશ પુરી સામે હારી ગયા હતા. આ પછી હવે ભાજપે લોકસભા ચૂંટણી માટે તેમને મેદાને ઉતાર્યા છે.
કાર્યકર તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી
દિનેશ સિંહ બબ્બુના શિક્ષણ વિશે વાત કરીએ તો તે અંડરગ્રેજ્યુએટ છે અને તેમની ઉંમર 62 વર્ષની છે. દિનેશ સિંહ બબ્બુ મૂળ પઠાણકોટના ભાંગોલ ગામના છે. દિનેશ સિંહ બબ્બુએ પોતાની રાજકીય કારકિર્દી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે શરૂ કરી હતી. તેઓ પક્ષ તરફથી વિવિધ જિલ્લા સ્તરના રાજકીય હોદ્દા પર રહ્યા છે. દિનેશ સિંહ બબ્બુ રાજપૂત સમુદાયમાંથી આવે છે. ગુરદાસપુર સંસદીય ક્ષેત્રમાં અંદાજે 13 લાખ મતદારો છે, જેમાંથી ત્રણ લાખથી વધુ મતદારો રાજપૂત સમુદાયના છે. હવે બબ્બુને સમુદાયના મતદારોનું સમર્થન મળી શકે છે.
સની દેઓલની ટિકિટ કેમ કપાઈ?
અભિનેતા અને સાંસદ સની દેઓલનું ગુરદાસપુરના લોકોથી અંતર અને ગેરહાજરી હંમેશા વિવાદોમાં રહી છે. ગુરદાસપુર લોકસભા મતવિસ્તારના લોકોએ પણ સની દેઓલના ગુમ થવાના પોસ્ટર લગાવ્યા છે. પરંતુ તેમ છતાં સની દેઓલ પોતાના લોકસભા મતવિસ્તારમાં આવ્યા ન હતા. સની દેઓલની તેમના લોકસભા મતવિસ્તારમાં નિષ્ક્રિયતાને કારણે, ભાજપે દિનેશ સિંહ બબ્બુને મેદાનમાં ઉતાર્યા. સની દેઓલની ગેરહાજરીમાં માત્ર દિનેશ સિંહ બબ્બુ જ ત્યાં સક્રિય રહ્યા છે.
ગુરદાસપુર બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ હતી
ગુરદાસપુરનું નામ મહંત ગુરિયા દાસના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ લોકસભા બેઠક ગુરદાસપુર અને પઠાણકોટ જિલ્લાના નવ વિધાનસભા મતવિસ્તારોને આવરી લે છે. આ લોકસભા બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ હતી. પરંતુ ભાજપે 1998માં ચૂંટણી પ્રચારમાં પહેલીવાર અભિનેતા વિનોદ ખન્નાને મેદાનમાં ઉતારીને કોંગ્રેસનો ગઢ તોડી નાખ્યો હતો.
વિનોદ ખન્ના અહીંથી ચાર વખત સાંસદ ચૂંટણી જીત્યા હતા. પરંતુ 2017માં તેમના મૃત્યુ બાદ ગુરદાસપુર લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે સ્વર્ણ સલારિયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે દિગ્ગજ નેતા સુનિલ જાખડને ટિકિટ આપી હતી. સુનિલ જાખડ પેટાચૂંટણીમાં જીત્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં સુનિલ જાખડને સુનીલ દેઓલથી હરાવ્યા હતા.