નાયડુની બોલતી બંધ કરવા ભાજપનો ગેમપ્લાન, પુરંદેશ્વરીને બનાવી શકે છે લોકસભા સ્પીકર
Who Is Daggubati Purandeswari : નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ પહેલી કેબિનેટની બેઠક યોજી ધમધોકાટ નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. આ ક્રમમાં મોદી 3.0 સરકારમાં 72 મંત્રીઓને વિભાગોની ફાળવણી પણ કરી દેવાઈ છે, ત્યારે હવે સૌની નજર લોકસભા અધ્યક્ષ પદ (Lok Sabha Speaker Post) માટે કોનું નામ જાહેર થાય છે, તેના પર ટકેલી છે.
સંસદનાં શિયાળુ સત્રમાં યોજાશે લોકસભા અધ્યક્ષની ચૂંટણી
મળતા અહેવાલો મુજબ 18મી જૂનથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે. આ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષની ચૂંટણી પણ યોજાવાની છે. હાલ રાજકીય ક્ષેત્રે ગરમાતો પ્રશ્ન લોકસભાના અધ્યક્ષ પદનો છે, કારણ કે ચંદ્રબાબુ નાયડુ (N. Chandrababu Naidu)ની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને નીતીશ કુમાર (Nitish Kumar)ની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ની પણ અધ્યક્ષ પદની ખુરશી તરફ નજર સ્થિર કરીને બેઠા છે.
લોકસભામાં અધ્યક્ષ પદ માટે પુરંદેશ્વરીનું નામ મોખરે
ટીડીબી-જેડીયુની આશાઓ, અપેક્ષા અને માંગો ઘણી છે, પરંતુ ભાજપ (BJP) પણ મહત્વના મંત્રાલયો હાથમાં રાખ્યા બાદ આ મહત્વનું પદ પણ પોતાના હાથમાં જ રાખવા માંગે છે. રાજકીય વર્તુળોમાં લોકસભાના અધ્યક્ષ પદ માટે ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે. જોકે આ પદ માટે ભાજપના નેતા ડી.દગ્ગુબતી પુરંદેશ્વરીનું નામ મોખરે છે. ભાજપ આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ની રાજમુંદરી લોકસભા બેઠક પર વિજેતા થયેલા પુરંદેશ્વરીને અધ્યક્ષ બનાવીને એક તીરે બે નિશાન સાધવાની તૈયારીમાં છે.
દગ્ગુબતી પુરંદેશ્વરી કોણ છે?
વર્ષ 1959ની 22 જાન્યુઆરીએ જન્મેલા દગ્ગુબતી પુરંદેશ્વરી આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દક્ષિણના કદાવર નેતા ગણાતા એન.ટી.રામારાવના બીજા નંબરના પુત્રી છે. તેમના ભણતર (Education)ની વાત કરીએ તો, તેમણે ચેન્નાઈની સિક્રેટ હાર્ટ મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલમાં શરૂઆતનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ચેન્નાઈની દક્ષિણ ભારતીય શૈક્ષણિક ટ્રસ્ટ અને મહિલા કોલેજમાં બીએ લિટરેચરનો અભ્યાસ કર્યો હતો. પછી તેમણે જેમોલૉડજીમાં ડિપ્લોમાંની ડિગ્રી મેળવી હતી. તેમણે 1997માં હૈદરાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીની શરૂઆત કરી.
પુરંદેશ્વરી પાંચ ભાષાનાં જાણકાર
પુરંદેશ્વરની ખાસ વાત એ છે કે, તેઓ પાંચ ભાષાનાં જાણ કાર છે. તેઓ હિન્દુ, અંગ્રેજી, તમિલ, તેલુગૂ અને ફ્રેન્ચ લખી, વાંચી અને બોલી પણ શકે છે. એટલું જ નહીં, તેઓ કુચીપુડીમાં પણ નિષ્ણાત છે. તેમના લગ્ન વર્ષ 1979માં દગ્ગુબતી વેંકટેશ્વર રાવ સાથે થયા, તેમને એક પુત્ર હિતેશ અને એક પુત્રી નિવેદિતા છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, મહત્વના મંત્રાલયો પણ સંભાળ્યા
પુરંદેશ્વરી દેવી પહેલા કોંગ્રેસ (Congress)માં હતાં. તેઓ યુપીએ-2 સરાકરમાં માનવ સંશાધન અને વિકાસ રાજ્યમંત્રી હતા. વર્ષ 2012માં મનમોહન સિંહ સરકારે તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપી હતી. જ્યારે કોંગ્રેસ સરકારે આંધ્રપ્રદેશના બે ભાગલા પાડી બે રાજ્યો બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે પુરંદેશ્વરી નારાજ થયા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા.
દક્ષિણની સુષ્મા સ્વરાજ તરીકે જાણીતા પુરંદેશ્વરી
પુરંદેશ્વરીને ભાજપની પ્રથમ મહિલા મોરચા પ્રભારી બનાવાયા હતા. ત્યારબાદ તેમને સતત પ્રમોશન મળતું રહ્યું. તેઓ વર્ષ 2020માં ઉડીસાના પ્રભારી બન્યા હતા. પછી પાર્ટીએ તેમને આંધ્રપ્રદેસના અધ્યક્ષ બનાવી દીધા. તેઓ ખૂબ જ નમ્ર સ્વભાવ માટે જાણીતા છે, તેથી જ તેમને દક્ષિણના સુષ્મા સ્વરાજ કહેવામાં આવે છે.
ભાજપ પુરંદેશ્વરીની લોકસભા અધ્યક્ષ બનાવી કેવી રીતે એક તીરે બે નિશાન સાંધશે?
વાસ્તવમાં પુરંદેશ્વરી ટીડીપીના વડા એન.ચંદ્રબાબુ નાયડુના સાળી છે. જો ભાજપ લોકસભા અધ્યક્ષ પદ માટે પુરંદેશ્વરીનું નામ આગળ કરશે તો એવી સંભાવના છે કે, નાયડુ તેમનો વિરોધ નહીં કરે. સૌથી રસપ્રદ વાત એ છે કે, જ્યારે ચંદ્રબાબુ નાયડુએ પોતાના સસરા એન.ટી.રામા રાવ સરકારનો તખતો પલટી નાખ્યો હતો, ત્યારે પુરંદેશ્વરી દેવી નાયડુની સાથે હતા. તેથી એ વાતની વધુ સંભાવના છે કે, નાયડુ તેમના પક્ષમાં જ ઉભા રહેશે.