કોણ છે AI કંપનીની સીઈઓ સૂચના સેઠ, જેણે પિતા ના મળી શકે એટલે ચાર વર્ષના પુત્રની હત્યા કરી
AI કંપનીની સીઈઓએ કરી ચાર વર્ષના પુત્રની હત્યા, મૃતદેહને બેગમાં લઈ જતી વખતે ઝડપાઈ ગઈ
હાર્વર્ડ રિટર્ન સૂચના સેઠ એઆઈ એક્સપર્ટ, તેના નામે અમેરિકામાં ચાર પેટન્ટ પણ છે
AI Firm CEO Suchana Seth: કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. માઈન્ડ ફૂલ એઆઈ લેબ નામની કંપનીની સીઈઓ સૂચના સેઠે તેના ચાર વર્ષના દીકરાની હત્યા કરી દીધી છે. બાદમાં તે મૃતદેહને બેગમાં લઈને ગોવાથી કર્ણાટક લઈ જતી વખતે ઝડપાઈ ગઈ હતી. સૂચના સેઠના છુટાછેડા પછી કોર્ટે આદેશ આપ્યો હતો કે, બાળકના પિતા તેમના પુત્રને રવિવારે મળી શકે છે પરંતુ તે નહોતી ઈચ્છતી કે તેનો પૂર્વ પતિ પુત્રને મળે. એટલે તેણે પુત્રની હત્યા કરી દીધી હતી. આ મહિલા ગોવાની હોટલમાં તેના પુત્ર સાથે ગઈ હતી, પરંતુ ચેકઆઉટ કર્યું ત્યારે તેની સાથે બાળક ન હતું. તેથી હોટલ સ્ટાફને શંકા જતા તેમણે પોલીસને જાણ કરતા ભાંડો ફૂટી ગયો હતો.
હાલ સૂચના સેઠનો પતિ ઈન્ડોનેશિયામાં છે
સૂચના શેઠના લગ્ન 2010માં થયા હતા. 2019માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન દંપતિ વચ્ચે વિખવાદ વધી ગયો અને 2020માં મામલો કોર્ટ પહોંચ્યો અને બંનેએ છુટાછેડા લીધા. કોર્ટે આદેશ આપ્યો હતો કે, બાળકના પિતા રવિવારે પુત્રને મળી શકે છે. આ વાતથી સૂચના સેઠ ગુસ્સે ભરાઈ હતી. સૂચના સેઠ મૂળ બંગાળની રહેવાસી છે અને બેંગલુરુમાં રહે છે. તેના પૂર્વ પતિ કેરળના છે, જે હાલ ઈન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસે તેમને તાત્કાલિક ભારત બોલાવી લીધા છે.
આખરે હત્યાનો ભાંડાફોડ કેવી રીતે થયો?
ગોવા પોલીસના જણાવ્યા પ્રમાણે હોટલ સંચાલકે સોમવારે પોલીસને ફોન કરીને કહ્યું કે તેમના સ્ટાફે એક રૂમમાં લોહીના ડાઘા જોયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમાં સૂચના સેઠ તેના પુત્ર સાથે આ હોટલ રૂમમાં આવતી દેખાઈ, પરંતુ ચેકઆઉટ વખતે તેની સાથે તેનો પુત્ર ન હતો. એ વખતે તેના હાથમાં એક મોટી બેગ હતી. આ ઉપરાંત તેણે હોટલ સ્ટાફને ગોવાથી બેંગલુરુ જવા એક ટેક્સી કરી આપવાનું કહ્યું હતું. ત્યારે હોટલમાં હાજર સ્ટાફે તેને કહ્યું હતું કે કેબનું ભાડું ખૂબ વધારે રહેશે. એટલે તમારે ફ્લાઈટમાં બેંગલુરુ જવું જોઈએ. આમ છતાં તેણે ટેક્સી કરવાની જીદ કરી હતી. આ બધું સાંભળીને પોલીસે શંકા ગઈ.
મૃતદેહ મૂકેલી બેગ લઈને ટેક્સીમાં બેઠી
જોકે હોટલ સ્ટાફે ટેક્સી બોલાવી લીધી હોવાથી સૂચના સેઠ તેનો સામાન લઈને બેંગલુરુ જતી રહી હતી. તેથી ગોવા પોલીસે ટેક્સી ડ્રાઈવરને ફોન કર્યો અને સૂચના સેઠને તેના પુત્ર વિશે જણાવવા કહ્યું. ત્યારે તેણે પોલીસને કહ્યું કે ‘મારો પુત્ર ગોવામાં એક સંબંધીના ઘરે છે.’ પોલીસે તે સરનામું લઈને ત્યાં પણ તપાસ કરી, પરંતુ તે ખોટું નીકળ્યું. આમ, પોલીસની શંકા વધુ ઘેરી બની અને તેમણે ડ્રાઈવરને નજીકના પોલીસ મથકે પહોંચી જવાનું કહ્યું. છેવટે ડ્રાઈવર ચિત્રદુર્ગ પોલીસ મથકે પહોંચી ગયો અને સૂચના સેઠનો ભાંડાફોડ થયો. હાલ તે ગોવા પોલીસની અટકાયતમાં છે.
હાર્વર્ડ રિટર્ન સૂચના સેઠ એઆઈ એક્સપર્ટ છે
સૂચના સેઠની લિંક્ડઈન પ્રોફાઈલ પરથી માહિતી છે કે તે એક એઆઈ એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. તેની પાસે ડેટા સાયન્સ અને એઆઈમાં કામ કરવાનો 12 વર્ષનો અનુભવ છે. તે હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેન સેન્ટરમાં ફેલોશિપ કરી છે, જ્યાં તેણે બિઝનેસમાં એથિકલ મશીન લર્નિંગ અને એઆઈ સંચાલિત કરવાની રીતોનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2020માં તેણે ધ માઇન્ડફુલ એઆઈ લેબની સ્થાપના કરી હતી, જે એક એઆઈ સ્ટાર્ટઅપ છે. આ કંપની ડેટા સાયન્સ ટીમ અને સ્ટાર્ટઅપ્સને સલાહ આપવાનું કામ કરે છે. આ ઉપરાંત તે મશીન લર્નિંગ સોલ્યુશન્સ પણ આપે છે.
એઆઈ એથિક્સમાં ટોપ-100 પ્રતિભાશાળી મહિલા
વર્ષ 2020માં એઆઈ એથિક્સ લિસ્ટની ટોપ 100 પ્રતિભાશાળી મહિલાઓમાં પણ સૂચના સેઠને સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત તેની પાસે આર્ટિફિશિયલ લેન્ગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ મેઈલિંગના ક્ષેત્રમાં ચાર અમેરિકન પેટન્ટ પણ છે.