જાણો ORSના શોધક કોણ હતા, જેમને મોદી સરકારે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા
1971ના યુદ્ધ દરમિયાન ડો. દિલીપ મહાલનોબીસે ORSની શોધ કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી
image : Facebook |
નવી દિલ્હી, 26જાન્યુઆરી, 2023, ગુરુવાર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં 106 લોકોના નામ સામેલ હતા. જેમાંથી 6ને પદ્મ વિભૂષણ, 9ને પદ્મ ભૂષણ અને 91ને પદ્મશ્રી આપવામાં આવશે. આ યાદીમાં 19 મહિલાઓના નામ પણ સામેલ છે. એટલું જ નહીં આ યાદીમાં ડો.દિલીપ મહાલનોબીસનું નામ પણ સામેલ છે, તેમને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દિલીપ મહાલનોબીસે 1971ના યુદ્ધ દરમિયાન ORS (ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન)ના ઉપયોગને પ્રોત્સાહન આપીને હજારો લોકોના જીવ બચાવ્યા હતા.
20મી સદીની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ શોધ મનાય છે
ડો. દિલીપ મહાલનોબીસે ORSની શોધ કરી. તેને 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ શોધ માનવામાં આવે છે. વિશ્વભરમાં તેનાથી દર વર્ષે 50 મિલિયન લોકોના જીવ બચે છે. ડો. દિલીપ બાળરોગ નિષ્ણાત હતા. તેમણે 1966માં ORS પર કામ કરવાનું શરૂ કર્યું. ઓઆરએસના ઉપયોગને પ્રોત્સાહન આપવા બદલ ડો. મહાલનોબીસને આ સન્માન એનાયત કરવામાં આવશે. ઓક્ટોબર 2022માં મહાલનોબીસનું કોલકાતામાં નિધન થયું હતું.
બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ORS'સંજીવની' બન્યું
1971માં જ્યારે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ ચાલી રહ્યું હતું ત્યારે બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકો પશ્ચિમ બંગાળ આવી રહ્યા હતા. આ લોકો પશ્ચિમ બંગાળમાં રાહત શિબિરોમાં રહેતા હતા. તે દરમિયાન કેમ્પમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. ઘણા શરણાર્થીઓ બીમાર પડ્યા, પછી ડો. દિલીપ મહાલનોબીસે ORSના ઉપયોગને પ્રોત્સાહન આપીને સેંકડો જીવન બચાવ્યા. આ પછી ORSને સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મળી. ORSએ કોલેરા રોગચાળા દરમિયાન મૃત્યુદરમાં ઘટાડો કરીને 'સંજીવની' તરીકે કામ કર્યું હતું.