કોણ છે જેણે સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને આપ્યું દાન, જાણો 'લોટરી કિંગ' માર્ટિન વિશે
ECIએ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા
સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે SBIએ રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી
Electoral Bond : ભારતીય ચૂંટણી પંચ (ECI)એ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા હતા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો/ડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા માર્ચ 2022માં તપાસ કરાયેલી ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસ કંપનીએ 1350 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે અને તેણે રાજકીય પક્ષોને આ રકમ દાન કરી હતી.
એસબીઆઈએ આપેલી વિગતો જાહેર થઈ
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, SBIએ કહ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2014 વચ્ચે વિવિધ કિંમતના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, SBIએ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી દીધી હતી. નાણાકીય વર્ષ 2020-21માં સૌથી મોટું દાન દેશમાં લોટરી કિંગ તરીકે ઓળખાતા સેન્ટીઆગો માર્ટીનની કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસ દ્વારા આપવામાં આવ્યું છે.
માર્ટીનનું લોટરીના બિઝનેસમાં છે સામ્રાજ્ય
માર્ટીન તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત પોતાની ઓફીસથી દેશમાં રાજ્ય અને જે રાજ્યોમાં ખાનગી લોટરીનો બિઝનેસ ચાલે છે તેનું સામ્રાજ્ય ચલાવે છે. લગબગ ત્રણ દાયકાથી તે દેશમાં સૌથી વધુ લોટરીનું વેચાણ કરતા વિતરક બનેલા છે. તેમની કંપની લગભગ રૂ.15,000 કરોડની વાર્ષિક આવલ રળે છે અને હવે લોટરી સિવાય હોટેલ્સ, રીઅલ એસ્ટેટ ન્યુ એનર્જી રિસોર્ટ સહીતના ક્ષેત્રોમાં કાર્યરત છે.
આ માર્ટીન છે કોણ?
માર્ટીનની કથા રંકમાંથી રાજા બનવાની છે. એવું કહેવાય છે કે મ્યાનમારમાં તેણે મજુરીથી પોતાના કામની શરૂઆત કરી હતી તો કેટલાક લોકો એવું કહે છે કે માત્ર 13 વર્ષની ઉંમરે એણે વ્યક્તિગત રીતે લોટરી વેચવાનું શરૂ કર્યું હતું. આજે તમિલનાડુ જ નહી પણ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તે બિઝનેસ કરે છે. માર્ટીન પાસે આજે લગભગ 1000 કર્મચારીઓ છે અને દેશભરમાં 250 જેટલા પોતે જ નીમેલા વિતરક થકી એ લોટરીનું વેચાણ કરે છે. લોટરીના ડ્રોમાં લોકોની વિશ્વસનીયતા વધે એના માટે એણે ડ્રોનું ટીવી ઉપર જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું જેથી જેવો ડ્રો જાહેર થાય એટલે વિજેતાને તેની જાણકારી મળી શકે!
માર્ટીનની છબી કલંકિત છે
વર્ષ 2007માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ તેની અને સિક્કિમ સરકારના અધિકારોની મિલીભગત માટે કેસ કર્યો હતો. આ કેસમાં એવો આક્ષેપ હતો કે માર્ટીને સિક્કિમ સરકારના બદલે પોતે જ સરકારી લોટરી વેચી રુપિયા 4,500 કરોડનું કૌભાંડ આચર્યું છે. વર્ષ 2019માં માર્ટીનને ઘરે અને બિઝનેસ સંકુલો ઉપર ઇન્કમ ટેક્સની રેડ પડી હતી જેમાં રૂપિયા 7.5 કરોડની રોકડ અને રૂપિયા 24 કરોડનું સોનું પકડાયું હતું. આ રેડ પહેલાના થોડા દિવસો પહેલા જ પોતાના એક ખાસ માણસની હત્યા અંગે પણ તેની સામે પૂછપરછ થઇ હતી. ઘટના એવવી હતી કે ઓફીસમાં જ આ વ્યક્તિનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.