જયારે હરિતક્રાંતિના પિતા ડૉ એમએસ સ્વામી નાથન ભારતને અન્ન સ્વાવલંબન તરફ દોરી ગયા
આઝાદ ભારત ખેતીપ્રધાન હોવા છતાં અનાજ વિદેશથી આયાત કરવા પડતા
ભૂખમરાનો સામનો કરવા માટે અન્ન સ્વાવલંબન જ એક માત્ર ઉપાય હતો.
નવી દિલ્હી,૨૮ સપ્ટેમ્બર,૨૦૨૩,ગુરુવાર
ભારતને હરિતક્રાંતિની ભેટ આપનારા મહાન વૈજ્ઞાનિક ડૉ એમએસ સ્વામીનાથનનું ૯૮ વર્ષની ઉંમરે નિધન થયું છે. ફાધર ઓફ ગ્રીન રિવોલ્યૂશન ઇન ઇન્ડિયા તરીકે જાણીતા વૈજ્ઞાનિકનો જન્મ ૭ ઓગસ્ટ ૧૯૨૫માં તમિલનાડુના કુભ્ભકોણમાં થયો હતો. ભારત દેશ આઝાદ થયો ત્યારે ખેતીપ્રધાન દેશ હતો તેમ છતાં પુરતું અનાજ પાકતું ન હતું. ઘઉં વિદેશથી આયાત થતા ત્યારે લાખો લોકોના પેટનો ખાડો પુરાતો હતો.
વનસ્પતિ શાસ્ત્રમાં જેનેટિક વૈજ્ઞાનિક સ્વામીનાથને ખેતીપ્રધાન દેશને અન્ન સ્વાવલંબન તરફ લઇ જવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. ૧૯૬૬માં મેકિસકોના બિયારણને પંજાબની સ્વદેશી જાતો સાથે સંક્રમણ કરીને વધુ ઉત્પાદકતા ધરાવતા ઘઉંની જાતો વિકસિત કરી હતી. ૧૯૬૦નો દાયકો જયારે ભારતમાં ભયંકર અન્ન સંકટ ઉભું થયું ત્યારે એમએસ સ્વામીનાથન અને અમેરિકી વૈજ્ઞાનિક નોર્મન બોરલૉગ અને બીજા વૈજ્ઞાનિકોએ સાથે મળીને ઉંચી ગુણવત્તા ધરાવતી ઘઉંની જાત એચવાયવીના બીજ વિકસિત કરવા મથતા હતા.
બીજા વિશ્વયુધ્ધની સમાપ્તિ પછી અમેરિકાની સેના જાપાન પહોંચી ત્યારે કૃષિ અનુસંધાન સેવાના એક નિષ્ણાત એસ સિસિલ સેલ્મન પણ હતા. તે જાપાનનું ફરી નિર્માણ કેવી રીતે કરવું તેનો વિચાર કરતા હતા. સેલ્મન જાપાનનો વિકાસ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાના હિમાયતી હતા.
તેમને જાપાનમાં નોરિન નામની ઘઉંની એક મોટા દાણાવાળી જાત મળી હતી. સેલ્મને ઘઉંની આ જાતના વધુ સંશોધન માટે અમેરિકા મોકલી હતી. ૧૩ વર્ષ સુધી ચાલેલા પ્રયોગ પછી ૧૯૫૯માં ગેન્સ નામની ઘઉંની જાત તૈયાર થઇ. નૉરમન બોરલૉગ તેનું મેકિસકોની મજબૂત સ્થાનિક જાત સાથે સંકરણ કર્યું. આ એવો ગાળો હતો જેમાં ભારતને ઘર આંગણે અનાજની તાતી જરુરીયાત હતી.
બોરલૉગની ઘઉંની જાત નોરિન પૂસાના એક નાનકડા ખેતરમાં પ્રયોગ ખાતર ઉગાડવામાં આવી હતી. આ જાતના સારા પરીણામો મળતા ૧૯૬૫માં ભારતના તત્કાલિન કૃષિમંત્રી સી સુબ્રહ્મમણ્યે નોરિન જાતના ૧૮ હજાર ટન બીજની આયાત કરવાનો નિર્ણય લીધો હતો.
ઘઉંની જાત જ નહી વધુ ઉત્પાદકતા માટે એમએસ સ્વામીનાથનના નેતૃત્વમાં કૃષિક્ષેત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો. બિયારણો, રાસાયણિક ખાતરો, દવાઓ, સિંચાઇની સુવિધા અને કૃષિ બજારમાં પોષણક્ષમ ભાવોના પગલે ભારતમાં કૃષિક્રાંતિ આવી હતી જેને ગ્રીન રિવોલ્યૂશન (હરિત ક્રાંતિ) કહેવામાં આવે છે. હરિતક્રાંતિ કાર્યક્રમ અંર્તગત વધુ ઉપજ ધરાવતા ઘઉં અને ચોખાની જાતો ગરીબ ખેડૂતોના ખેતરોમાં ઉગાડવામાં આવી હતી.
છેવટે ભારત અન્ન બાબતે સ્વાવલંબી દેશ બન્યો હતો. વિદેશથી અનાજ આયાત થતું અટકવાથી મહામૂલા વિદેશી હુંડિયામણનો પણ બચાવ થયો હતો. સ્વામીનાથન ભારતીય કૃષિ અનુસંધાન પરિષદમાં ૧૯૭૨ થી ૧૯૭૯ સુધી અને આંતરરાષ્ટ્રીય ચાવલ અનુસંધાન સંસ્થાનમાં ૧૯૮૨ થી ૧૯૮૮ સુધી મહા નિર્દેશક તરીકે કામ કર્યુ હતું.