Get The App

જ્યારે BJP-શિવસેનાની ખેંચતાણમાં લાભ શરદ પવારે ઉઠાવ્યો હતો, રિતેશ દેશમુખના પિતા બન્યા હતા CM

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
જ્યારે BJP-શિવસેનાની ખેંચતાણમાં લાભ શરદ પવારે ઉઠાવ્યો હતો, રિતેશ દેશમુખના પિતા બન્યા હતા CM 1 - image


Maharashtra CM : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ગત 23 નવેમ્બરના રોજ પરિણામો આવી ગયા. જેમા મહાયુતિનો જંગી વિજય થયો હતો. પરંતુ પરિણામ જાહેર થયાના 8 દિવસ બાદ પણ મહાયુતિમાં સરકાર રચવાનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી. મહાયુતિમાં સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સીએમ પદની રેસમાં છે. બંને નમતુ જોખવા માટે તૈયાર નથી. આ મામલે ભાજપ અને શિવસેના આમને-સામને આવી ગયા છે. શિંદે છાવણી સીએમ પદની જગ્યાએ ગૃહ મંત્રાલયની માંગ કરી રહી છે. ભાજપ મુખ્યમંત્રી પદની સાથે ગૃહ  ખાતુ પણ રાખવા માંગે છે. મહારાષ્ટ્રના પરિણામો પછી પણ આ બધી બાબતોને લઈને સસ્પેન્સ છે. જોકે, અજિત પવારે કહ્યું છે કે, સીએમ ભાજપાનો જ હશે અને સરકારની રચનામાં વિલંબ થવો એ આ કોઈ પહેલીવાર નથી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના CMનું નામ ફાઇનલ, હાઈકમાન્ડની મહોર બાકી: ભાજપ નેતાના નિવેદનથી વધ્યું સસ્પેન્સ

હા, અજિત પવાર બિલકુલ સાચુ કહી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં વિલંબ થયો હોય તેવું પહેલીવાર નથી. આ પહેલા પણ મહાગઠબંધનમાં ખેંચતાણ જોવા મળી છે. સરકાર રચવામાં વિલંબ થયો છે. વર્ષ 1999માં પણ ભાજપ અને શિવસેના વચ્ચે વિવાદ થયો હતો. પરંતુ તે સમયે એક ચોંકાવનારી ઘટના બની. ભાજપ અને તત્કાલીન શિવસેના સાથે હતા. સરકારની રચના અને મુખ્યમંત્રી પદને લઈને બંને વચ્ચે લાંબી ખેંચતાણ ચાલી હતી. પછી અચાનક શરદ પવારે એવી રમત રમી કે ભાજપ અને શિવસેનાની સરકાર બનતી રહી અને શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ જીતી ગઈ.

વર્ષ 1999 માં શું થયું હતું

હકીકતમાં મહારાષ્ટ્રમાં 5 સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બર 1999ના રોજ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો 7 ઓક્ટોબર 1999ના રોજ આવી ગયા હતા. તે ચૂંટણીમાં ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી મુખ્ય પક્ષો હતા. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું. બંને એકસાથે ચૂંટણી લડ્યા હતા. પરંતુ એનસીપી અને કોંગ્રેસ એકબીજા સામે ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પરિણામોમાં શિવસેનાને 69 અને ભાજપને 56 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે 75 અને એનસીપીએ 58 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 30 બેઠકો હતી. આ ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. કારણ કે તે સમયે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું, તેમ છતાં તેની બેઠકોની સંખ્યા માત્ર 125 હતી, જે બહુમતી કરતા 20 ઓછી હતી.

કોણ બન્યું 1999માં મુખ્યમંત્રી ?

1999 માં શરદ પવારની ચાલને કારણે ભાજપ અને શિવસેનાની સરકાર બનતાં -બનતાં રહી ગઈ હતી.  એનસીપી-કોંગ્રેસ ગઠબંધનમાં કોંગ્રેસના વિલાસરાવ દેશમુખ મુખ્યમંત્રી બન્યા. તો એનસીપીના છગન ભુજબલ ડેપ્યુટી સીએમ બન્યા. રસપ્રદ વાત એ છે કે 1999માં જ શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને NCPની રચના કરી હતી. શરદ પવાર અને કોંગ્રેસની આ જોડી 1999 થી 2014 સુધી હિટ રહી હતી. ભાજપ-શિવસેનાને વનવાસ ભોગવવો પડ્યો. આ વખતે પણ ભાજપ અને શિંદેની શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રના સીએમ પરનું સસ્પેન્સ ક્યારે સમાપ્ત થશે, આ પણ એક સસ્પેન્સ છે.


Google NewsGoogle News