અમિત શાહ, રાજનાથ કે ગડકરી... જાણો કયા મંત્રીના મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાય છે?
Modi 3.0 Cabinet: ભાજપે ફરી એકવાર એનડીએ ગઠબંધનની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાન મોદીએ મોદી 3.0 મંત્રીમંડળમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ અને એસ. જયશંકર સહિતના દિગ્ગજ નેતાઓને જૂનું મંત્રાલય આપ્યું છે. જો કે, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટર જેવા કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે 47.67 લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તેઓ ફરી એકવાર બજેટ જુલાઈમાં રજૂ કરશે. આ વખતનું બજેટ ખૂબ જ ખાસ હશે, કારણ કે ભાજપના અગાઉના કાર્યકાળની ઘણી નીતિઓ હજુ પૂર્ણ થઈ નથી. દેશના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને, ઈન્ફ્રા, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રો માટે કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કયા મંત્રીના મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાય છે...
આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાય છે
નિર્મલા સીતારમણ: આ વખતે પણ નિર્મલા સીતારમણ નાણાં મંત્રાલય સંભાળશે. વચગાળાના બજેટમાં નાણા મંત્રાલયને 18.5 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે કુલ બજેટના મહત્તમ 39% હતા. તેમની પાસે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય પણ છે, જેનું નાણાકીય વર્ષ 2025 માટેનું બજેટ 667 કરોડ રૂપિયાનું છે.
રાજનાથ સિંહ: બીજી વખત રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને સંરક્ષણ મંત્રાલયનું કુલ બજેટ 6.2 લાખ કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2025ના કુલ બજેટમાં સંરક્ષણ મંત્રાલયનો હિસ્સો બીજા નંબરનો સૌથી મોટો (13%) છે.
અમિત શાહ: ગૃહ મંત્રાલય અમિત શાહ સંભાળશે. તેમના મંત્રાલયને 1,200 લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે, જે બજેટના 2.9 ટકા હિસ્સો છે.
શિવરાજ સિંહ ચૌહાણ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રીમંડળમાં નવા સભ્ય છે, તેમની પાસે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. કૃષિ મંત્રાલયને 1.3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે ગ્રામીણ વિકાસ માટે 1.8 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. તેમની પાસે કુલ બજેટનો 6.5 ટકા હિસ્સો છે.
અશ્વિની વૈષ્ણવ: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનો હવાલો પણ છે. રેલવેનું બજેટ 2.55 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનું બજેટ 21,000 કરોડ રૂપિયાથી વધુ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયનું બજેટ 4,000 કરોડ રૂપિયા છે. તેમની પાસે કુલ બજેટના 5.9 ટકા હિસ્સો છે.
નીતિન ગડકરી: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ફરી નીતિન ગડકરી સંભાળશે. તેમના મંત્રાલયને 2.78 લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે, જે બજેટના 5.8 ટકા હિસ્સો છે.
જે.પી. નડ્ડા: ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને આરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય સોંપવામાં આવ્યું છે. કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનું બજેટ 1.68 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું બજેટ 90,000 કરોડ રૂપિયા છે. તેમની પાસે કુલ બજેટના 5.4 ટકા હિસ્સો છે.
પ્રહલાદ જોશી: કર્ણાટકના ભાજપના નેતા પ્રહલાદ જોશી ખાદ્ય, ગ્રાહક સુરક્ષા બાબતો, રિન્યુએબલ એનર્જી મંત્રાલય સંભાળશે. તેમના મંત્રાલયને 12,850 લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે, જે બજેટના 4.7 ટકા હિસ્સો છે.