ભારતનો સૌથી મોટો જિલ્લો, કેટલાક રાજ્ય પણ તેનાથી નાના, ખબર ન હોય તો જાણી લો
ભારતમાં કેટલા રાજ્યો છે? તેનો વિસ્તાર કેટલો છે? તમને આ યાદ હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે?
Largest District of India: કોઈપણ રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓ હોય છે, જે રાજ્યને અલગ-અલગ ભાગોમાં વહેંચે છે. રાજ્યમાં વહીવટીતંત્રના સ્થાનિક સ્તરે કામગીરી માટે મહત્વના છે. ભારતનો કુલ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે. જેમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. આ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમની જરૂરિયાતો અનુસાર અલગ-અલગ જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે. જો કે, શું તમે ભારતના સૌથી મોટા જિલ્લા વિશે જાણો છો?
ભારતનો સૌથી મોટો જિલ્લો
ભારતનો સૌથી મોટો જિલ્લો ગુજરાતનો કચ્છ જિલ્લો છે. જે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો હોવાનું કહેવાય છે. કચ્છનો કુલ વિસ્તાર 45,674 ચોરસ કિલોમીટર છે, જે ગુજરાત રાજ્યના 23.27 ટકાને આવરી લે છે. જિલ્લાના 34.73 ટકા વિસ્તારમાં ખેતી થાય છે અને કચ્છનો 51 ટકા હિસ્સામાં મીઠાનું રણ છે. આ રણવિસ્તાર આવનાર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર પણ છે. આ ઉપરાંત માંડવી બીચ પ્રાગ મહેલ, બાગ મહેલ અને કચ્છના મહારાજાનો આયના મહેલ પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.
એક સમયે ભારતનું રાજ્ય હતું કચ્છ
1950માં કચ્છ એ ભારતનું એક રાજ્ય હતું. પરંતુ 1 નવેમ્બર 1956ના રોજ આ વિસ્તારને મુંબઈ રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યો અને એક જિલ્લો બનાવી દેવામાં આવ્યો. તે સમયે મરાઠી, ગુજરાતી અને મારવાડી લોકો ત્યાં રહેતા હતા. ત્યારબાદ 1960 માં, ભાષાના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે નવા રાજ્ય બન્યા. ત્યારે કચ્છ જિલ્લો ગુજરાતનો ભાગ બન્યો. કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલો ભૂકંપ ઇતિહાસનો સૌથી ભયાનક ભૂકંપ હતો. જેનું કેન્દ્ર કચ્છના અંજારમાં હતું. આ ભૂકંપના આંચકાએ સમગ્ર કચ્છને હચમચાવી નાખ્યું હતું. પરંતુ બાદમાં પ્રવાસન અને ખાસ તો રણોત્ત્સના કારણે કચ્છની અર્થવ્યવસ્થા વિકસી છે.