બોલિવૂડનો મહાનાયક ચૂંટણીના મેદાનમાં ઉતર્યો, ત્યારે મહિલાઓએ બેલેટ પર લિપસ્ટિકથી નિશાન કર્યા હતા
Lok Sabha Elections 2024: આઝાદી પછી યોજાયેલી પહેલી લોકસભા ચૂંટણીથી લઈને અત્યાર સુધી દરેક વખતે પ્રચાર અને મતદાન બાદ કેટલાક એવા રસપ્રદ કિસ્સાઓ બને છે, જેને લોકો દાયકાઓ સુધી યાદ રાખે છે. ઘણી વખત નેતાઓએ વિપરીત પરિસ્થિતિમાં પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. કેટલીક વખત સંસાધ વગર નેતાઓ મતદારોને મળ્યા હતા અને જીત માટે અપીલ કરી હતી. ત્યારે આજે તમને એક એવા રસપ્રદ કિસ્સો જણાવીશું જે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના નિધન બાદ યોજાયેલી 1984ની લોકસભા ચૂંટણી સાથે સંબંધિત છે.
બોલિવૂડના મહાનાયક ચૂંટણીના મેદાને
તમને જાણીને નવાઈ લાગશે કે, વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોંગ્રેસની ટિકિટ પર અલ્હાબાદ બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમની સામે ભારતીય લોકદળના દિગ્ગજ નેતા હેમવતી નંદન બહુગુણા હતા. વર્ષ 1977માં કોંગ્રેસ છોડ્યા બાદ તેમણે જનતા પાર્ટીને કેન્દ્રમાં સત્તામાં લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ચૂંટણીમાં અમિતાભ બચ્ચન સામે હેમવતી નંદન બહુગુણાની કારમી હાર થઈ હતી. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસને વિજયી બનાવીને સત્તામાં પરત લાવવાની જવાબદારી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ખભા પર આવી હતી. સામાન્ય જનતાની સંપૂર્ણ સહાનુભૂતિ કોંગ્રેસ સાથે હતી. કોંગ્રેસે હેમવતી નંદન બહુગુણાને હરાવવા જરૂરી હતી. તેથી રાજીવ ગાંધીએ તેમના મિત્ર અમિતાભ બચ્ચનને અલ્હાબાદ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
બેલેટ પર લિપસ્ટિકના નિશાન
અભિનેતા અમિતાભ બચ્ચન જ્યાં પણ ચૂંટણી પ્રચાર માટે ગયા ત્યાં લોકોની ભીડ જામી જતી હતી. જેનો ફાયદો મતદાન અને પરિણામોમાં પણ જોવા મળ્યો હતો. તે સમયમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવતું હતું. પછી જ્યારે મત ગણતરી થઈ ત્યારે અધિકારીઓ એ જોઈને ચોંકી ગયા કે હજારો બેલેટ પેપરોમાં મહિલા મતદારોએ પણ બેલેટ પેપર પર લિપસ્ટિકના નિશાન કર્યા હતા. પરંતુ આવા 4,000 જેટલા મતો અમાન્ય ગણાયા હતા. તેમ છતા અમિતાભ બચ્ચને ભારતીય લોકદળના મજબૂત નેતા હેમવતી નંદન બહુગુણાને 1,09,666ની સામે 2,97,461થી હરાવ્યા હતા.
અમિતાભ બચ્ચને અલ્હાબાદ બેઠક પરથી કેમ ઉમેદવાર બનાવ્યા?
રાજનીતિમાં અમિતાભ બચ્ચનની શરૂઆત વિજય સાથે થઈ હતી. જો કે, તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ બોફોર્સ વિવાદના કારણે લોકસભાની સદસ્યતા છોડી દીધી અને રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. પરંતુ સવાલ એ થાય છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમિતાભ બચ્ચનને અલ્હાબાદ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કેમ લેવો પડ્યો? આ બેઠક પરથી અગાઉ કોંગ્રેસના નેતા કે.પી. તિવારીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે હેમવતી નંદન બહુગુણાએ આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે કોંગ્રેસે અચાનક જ અમિતાભ બચ્ચનનું ઉમેદવારીપત્ર ભર્યું. જેથી હેમવતી નંદન બહુગુણાને અન્ય કોઈ બેઠક વિશે વિચારવાની તક મળી નથી. પરિણામ એ આવ્યું કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે 85માંથી 83 બેઠકો જીતી.
અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા યુવાનોની પડાપડી
અમિતાભ બચ્ચનને અલ્હાબાદ બેઠક પરથી ઉતારવાની કોંગ્રેસની વ્યૂહનીતિ કામ કરી રહી હતી. અલ્હાબાદમાં અમિતાભ બચ્ચનની એક ઝલક માટે યુવા મતદારો કલાકો સુધી રાહ જોતા હતા. યુવતીઓ તેમના પર દુપટ્ટા ફેંકતી. હેમવતી નંદન બહુગુણા જાહેર સભાઓમાં અલ્હાબાદ સાથેના તેમના જીવનભરના સંબંધો અને કામની લોકોને યાદ અપાવતા રહ્યા. પરંતુ અમિતાભ બચ્ચનનું સ્ટારડમ હેમવતી નંદન બહુગુણા પર ભારે પડ્યું અને તેમના મૂળ અલ્હાબાદમાં હોવાનો પણ તેમને ઘણો ફાયદો થયો. અલ્હાબાદની ચૂંટણી સભાઓમાં અમિતાભ કહેતા હતા કે, 'હું જ્યાં પણ જાઉં છું ત્યાં મને ગંગાના કિનારે વાલા કહેવામાં આવે છે.' પ્રચાર પછી મતદાન અને પછી પરિણામ અમિતાભ બચ્ચનની તરફેણમાં આવ્યું.
રાજકારણમાં આવવું મારી ભૂલ હતી: અમિતાભ બચ્ચન
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અલ્હાબાદ બેઠક પર શાનદાર જીત મેળવી હતી. પરંતુ તેમની રાજકીય કારકિર્દી લાંબી ચાલી ન હતી. બોફોર્સ કૌભાંડના કારણે ગાંધી પરિવારથી તેમનું અંતર વધારી દીધું હતું. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. પછી તેમણે રાજકારણને અલવિદા કહીને કહ્યું કે, રાજકારણમાં પ્રવેશવું એ એક ભૂલ હતી. હું લાગણીઓથી ડૂબીને ચૂંટણી મેદાનમાં ઉતર્યો. ત્યારે મને સમજાયું કે રાજનીતિ વાસ્તવિક લાગણીઓથી અલગ છે. આખરે મેં હાર માની લીધી.'