લોકસભા-રાજ્યોની ચૂંટણી સાથે યોજવા આટલા બધા ઇવીએમ ક્યાંથી લાવશો
- સંયુક્ત સંસદીય સમિતીની પ્રથમ બેઠકમાં પ્રિયંકા ગાંધીનો સવાલ
- વિપક્ષના સાંસદોએ આ નિર્ણયને બંધારણીય માળખાની વિરુદ્ધનો ગણાવ્યો, ભાજપે ફાયદાકારક કહી સમર્થન કર્યું
- સભ્યોને 18 હજાર પાનાનો વિસ્તૃત રિપોર્ટ સૂટકેસમાં અપાયો
નવી દિલ્હી : લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને સંયુક્ત રીતે યોજવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં બિલ રજુ કરાયા છે. જોકે વિપક્ષના વિરોધને પગલે આ બિલોને સંયુક્ત સંસદીય કમિટીને વિચારણા માટે સોંપવામાં આવ્યા હતા. જેને પગલે વન નેશન વન ઇલેક્શન માટે ગઠીત ૩૯ સાંસદોની કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી. બેઠકમાં સભ્યોને ૧૮ હજાર પાનાની વિસ્તૃત રિપોર્ટ અભ્યાસ માટે સુટકેસમાં સોંપી હતી.
કોંગ્રેસે વન નેશન વન ઇલેક્શન બિલો પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ બિલોની આર્થિક વ્યવહાર્યતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વન ઇલેક્શન વન નેશનનો અમલ કરવા પાછળ કેટલો ખર્ચો થશે, કેટલા ઇવીએમની જરૂર પડશે? બેઠક બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે એક્સ (ટ્વિટર) પર પોસ્ટમાં પણ રિપોર્ટ સોંપાઇ તે સુટકેસ સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી હતી. પીટીઆઇની રિપોર્ટ મુજબ સુત્રોએ જણાવ્યું હતું કે કાયદો તેમજ ન્યાય મંત્રાલયના અધિકારીઓએ બેઠકમાં હાજર સભ્યો સમક્ષ એક પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું, જે બાદ સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદો આ બિલના વિરોધમાં હતા જ્યારે ભાજપના સાંસદોએ તેનું સમર્થન કરીને કહ્યું હતું કે આ દેશના હિતમાં છે. વિરોધ કરી રહેલા કોંગ્રેસના એક સભ્યએ કહ્યું હતું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવાનો વિચાર જ બંધારણના મૂળ માળખાની વિરુદ્ધનો છે.
જ્યારે તૃણમુલ કોંગ્રેસના એક સાંસદે કહ્યું હતું કે આ લોકોના લોકતાંત્રીક અધિકારોનું હનન કરે છે. કુલ ૩૯ સભ્યો વાળી આ કમિટીમાં ભાજપના સાંસદ પીપી ચૌધરી અધ્યક્ષ છે જ્યારે અન્ય સભ્યોમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, આપના સંજયસિંહ, ટીએમસીના કલ્યાણ બેનરજી વગેરેનો સમાવેશ થાય છે. હાલ વન નેશન વન ઇલેક્શનને લઇને પ્રથમ બેઠક યોજાઇ હતી, હવે આગામી દિવસોમાં ફરી બેઠક યોજાશે.