કેજરીવાલને હરાવ્યા, સમગ્ર દિલ્હીમાં ચર્ચા છતાં CMની ખુરશી સુધી કેમ ન પહોંચી શક્યા પરવેશ વર્મા?
Delhi CM Rekha Gupta: દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં આકરી હાર આપનારા ભાજપના પરવેશ વર્માને મુખ્યમંત્રી પદ ન સોંપાતા રાજકારણમાં સોપો પડી ગયો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ પરવેશ વર્મા દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ હતા. પરંતુ ભાજપે હંમેશાની જેમ આ વખતે પણ એક એવા નેતાને મુખ્યમંત્રી બનાવ્યા છે, જેની ચર્ચા નહિંવત્ત હતી. CMની પસંદગીમાં પરવેશ વર્માથી ક્યાં ચૂક થઈ ગઈ તે જાણવા સૌ કોઈ આતુર છે.
કેજરીવાલનું વર્ચસ્વ ખતમ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પરવેશ વર્માએ દિલ્હીમાં છેલ્લી ત્રણ ટર્મથી મુખ્યમંત્રી રહેલા કેજરીવાલને 4568 મતોથી હરાવી તેમનું વર્ચસ્વ ખતમ કર્યું છે. ત્યારથી દિલ્હીના CM પદ માટે તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ ભાજપે અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં સરપ્રાઈઝ આપતાં રેખા ગુપ્તાને સીએમની ખુરશી સોંપી છે. ઉલ્લેખનીય છે, આ જાહેરાત બાદ દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતાઓ વિજેન્દ્ર ગુપ્તા, સતિષ ઉપાધ્યાય, અને પરવેશ વર્મા સાથે હાઈ કમાન્ડે અલગથી બેઠક કરી હતી.
સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ
મીડિયા રિપોર્ટ અનુસાર, પરવેશ વર્માને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. અથવા તો કેબિનેટનું મહત્ત્વનું ખાતું સોંપી શકે છે. ભાજપમાંથી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાની સીએમ પદ માટે નિમણૂકથી જ પરવેશ વર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ટ્રેન્ડિંગમાં આવ્યા હતા. યુઝર્સે તેમના મીમ્સ બનાવી ટીપ્પણીઓ કરી હતી.
પરવેશ વર્માને ખુરશી ન સોંપવાનું મોટુ કારણ
પરવેશ વર્માને સીએમની ખુરશી ન સોંપવાનું સૌથી મોટુ કારણ તેમની વિવાદિત છબિ હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. ઘણીવખત તેમના વિવાદોને કારણે ભાજપને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરવેશ વર્મા ઓક્ટોબર, 2022માં દિલ્હીમાં આયોજિત વિહિપના એક પ્રોગ્રામમાં એક ખાસ સમુદાયનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. તેઓ અવારનવાર વિવાદિત નિવેદનો પણ આપતાં રહે છે. જેના લીધે ભાજપે પરવેશ વર્માના સ્થાને રેખા ગુપ્તાને સીએમની ખુરશી સોંપવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચોઃ દિલ્હીના નવા મુખ્યમંત્રી માથે 'કાંટાનો તાજ'!, આ છે પાંચ સૌથી મોટા પડકાર
લોકસભાની ટિકિટ પણ કપાઈ
પરવેશ વર્મા 2022માં દિલ્હીના મહરોલીમાંથી લોકસભાના સાંસદ હતાં. તે સમયે પરવેશ વર્માએ એક સમુદાય માટે નિવેદન આપ્યું હતું કે, 'હું કહું છું કે, જો તેમનુ મગજ ઠેકાણે લાવવુ હોય, તેમને સીધા કરવા હોય તો એક જ ઈલાજ છે, અને તે છે સંપૂર્ણ બહિષ્કાર.' તેમના આ નિવેદનથી ભારે હોબાળો થયો હતો. પક્ષે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જેના લીધે 2024માં લોકસભા ચૂંટણીમાં તેમનુ મહરોલીમાંથી પત્તુ કપાયું હતું.
પરિવારવાદ પણ એક કારણ
પરવેશ વર્માના પિતા સાહિબ સિંહ વર્મા 1996થી 1998 સુધી દિલ્હીના સીએમ રહી ચૂક્યા છે. એવામાં પરિવારવાદનો કડક વિરોધ કરતા ભાજપે વિપક્ષની ટીકાઓથી બચવા માટે પણ તેમને મુખ્યમંત્રી પદ સોંપ્યુ નથી. ભાજપ પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્ર-પુત્રીઓ પર મોટાભાગે દાવ રમતી નથી. હિમાચલમાં પણ પ્રેમ કુમાર ધૂમલના દિકરા અનુરાગ ઠાકુરને મુખ્યમંત્રી પદ માટે સાઈડલાઈન કરવામાં આવ્યા હતાં. તેમના સ્થાને જયરામ ઠાકુરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
જાતિના પ્રભાવની પણ અસર
ભાજપની વધુ એક રણનીતિ આ છે કે, તે રાજ્યમાં જે જાતિનો પ્રભાવ અને વર્ચસ્વ વધુ હોય તેવા નેતાને મુખ્યમંત્રી બનાવતી નથી. હરિયાણા, મહારાષ્ટ્ર, અને ઝારખંડમાં પણ તેણે આ જ રણનીતિ અપનાવી હતી. હરિયાણામાં જાટનું પ્રભુત્વ વધુ હોવા છતાં ભાજપે છેલ્લા 11 વર્ષોથી ત્યાં કોઈ જાટને મુખ્યમંત્રી બનાવ્યા નથી. મહારાષ્ટ્રમાં પણ મરાઠાઓનું વર્ચસ્વ વધુ હોવા છતાં વિદર્ભના બ્રાહ્મણ દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યાં.
મહિલા સીએમની જરૂર
ભાજપ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓને જાતિથી અલગ નવી વોટ બેન્ક તરીકે જોઈ રહ્યા છે. મહિલાઓ સાથે જોડાણ જાળવી રાખવા તેમજ પૂર્વ મુખ્યમંત્રી આતિશીનો પ્રભાવ ઘટાડવા માટે પણ ભાજપે રેખા ગુપ્તાની પસંદગી કરી હોય.