'ભારત માતા છે ક્યાં ?' સંદેશખાલી અંગે 'ઈંડીયા' જૂથ મૌન કેમ છે ? ભાજપ નેતા રવિશંકર પ્રસાદ
- મમતાની પોલીસ 'સક્રિય' છે : રાજકીય નેતાઓ ઉપર પત્રકારો ઉપર
- શાહજહાં શેખ અને તેના ગુંડાઓ 14-40 વર્ષની યુવતીઓને ઉઠાવી જતા કુટુમ્બીજનોને ઢોર માર મારતા : મમતા તમારૃં 'મા, માનુષ અને માટી'નું સૂત્ર હવે ક્યાં ગયું ?
નવી દિલ્હી : સંદેશખલીની વિભિષિકાએ સમગ્ર દેશને હલબલાવી મુક્યો છે. માત્ર ટીએમસી ચીફ મમતા બેનર્જી અને 'ઇંડીયા' ગઠબંધન સાથે સંલગ્ન ૨૭ રાજકીય પક્ષોનાં પેટનું પાણી હલતું નથી. આ અતિ ક્રૂર ઘટનાને એક સપ્તાહ વીતી ગયું, હાઈકોર્ટે પણ ઉગ્ર ટીકા કરી છતાં તે ગઠબંધનમાંથી કોઈ એકે આ અમાનુષતા વિરૂદ્ધ હરફ પણ ઉચ્ચાર્યો નથી, અને ઘટનાનો સૂત્રધાર હજી 'અંતરિક્ષ'માં જ ઘૂમી રહ્યો છે, હા ! મમતાની પોલીસ સક્રિય છે. શાહજહાં શેખ વિરૂદ્ધ નહીં પત્રકારો સામે રાજકીય નેતાઓ સામે તેઓને સંદેશખલીમાં જવા દેવાતા નથી ત્યાં ૧૪૪મી કલમ મુકી દીધી છે. આ રીતે બંગાળની પોલીસ તેની 'શેઠાણી'ની મહેચ્છાઓ પૂરી કરી રહી હોય તેવું લાગે છે.
સંદેશખલીમાં રહેતી મહિલાઓ આઠ આઠ દિવસ સુધી વીતેલી 'રાક્ષસી રાતો'ની વાત કરતાં કહે છે - શાહજહાં શેખ અને તેના ગૂંડાઓ બારણા ખખડાવતા, ન ઉઘાડીએ તો તોડી નાખવાની ધમકી આપતા પછી ઘરમાં રહેલા પુરૂષ વર્ગને ઢોર માર મારતા અને ૧૪ થી ૪૦ વર્ષ સુધીની મહિલાઓને ઢસડી જતા હતા. આ કંઈ એક-બે દિવસ નહીં સપ્તાહો સુધી ચાલ્યું. આમ કહેતા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આક્રોશ ઠાલવતાં કહ્યું કે, આટલું આટલું બન્યું હોવા છતાં ઈંડીયા ગઠબંધનના એક પણ પક્ષ તરફથી એક હરફ ઉચ્ચારતો નથી. તેમને બોલતાં કોણ રોકે છે ? જવાબ છે વોટ બેન્ક.
પ્રિયંકા ગાંધી કહે છે, 'લડકી હૂં લડનેવાલી હૂં' પરંતુ આ વિભિષિકા સામે તેઓ લડવા તૈયાર નથી. સોનિયા ગાંધી તો મૌન પાળી રહ્યાં છે. રાહુલ ગાંધી તેઓની 'ભારત જોડો ન્યાય યાત્રા'માં એટલા વ્યસ્ત છે કે આ ઘોર અન્યાય તરફ જોવાની તેમને ફુરસત નથી.
વાસ્તવમાં મા, માનુષ અને માટીનું સૂત્ર આપી પશ્ચિમ બંગાળમાં 'પરચમ' ફેલાવનારા મમતા, ચોવીસની ચૂંટણીની તૈયારીમાં એટલા ડૂબી ગયા છે કે તેઓ આ વિષે એક શબ્દ બોલતાં નથી. તેઓ તો કોંગ્રેસ સાથે 'સીટ-શેરિંગ'માં ડૂબી ગયા છે. સંદેશખલીની વાત આવે ત્યારે શાહમૃગની જેમ રેલીમાં માથું નાખી દે છે.
બીજી તરફ 'ઇંડીયા' ગઠબંધનના ૨૭ પક્ષોમાંથી કોઈ મમતાને તે પૂછતું નથી કે સંદેશખલીની 'માટી'માં શું બન્યું ? ક્યાંથી પૂછે ? 'વોટ બેન્ક' આડી આવે છે, હૃદય બોલે છે ભારત માતા છે ક્યાં ?