પતંજલી કેસમાં આટલા વર્ષ ક્યાં સુઈ ગયા હતા, ઉત્તરાખંડ સરકારને રૂ. 1 લાખનો દંડ
- આઈએમએ અધ્યક્ષને પણ પરિણામ ભોગવવા સુપ્રીમની ચેતવણી
- છ વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા, કોર્ટના આકરા વલણ પછી આયુષ વિભાગે છેલ્લા 7-8 દિવસમાં પગલાં લઈ પ્રતિબંધ મૂક્યો : સુપ્રીમ
નવી દિલ્હી : પતંજલી આયુર્વેદની ભ્રામક જાહેરાતોના કેસમાં સુપ્રમ કોર્ટના આકારા વલણ પછી ઉત્તરાખંડ સરકારે આખરે પતંજલીના ૧૪ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી સમયે ઉત્તરાખંડ સરકારની ઝાટકણી કાઢી હતી અને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો હતો. બીજીબાજુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ સુપ્રીમ કોર્ટે આડા હાથે લીધું હતું. આઈએમએના અધ્યક્ષના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને પણ પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી.
પતંજલિ આયુર્વેદ કેસની સુનાવણી સમયે મંગળવારે ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે ઉત્તરાખંડ સરકારની રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટી (એસએલએ)ને સવાલ કર્યો હતો કે, વર્ષો સુધીમ તમે ક્યાં સુઈ ગયા હતા. આ બધું તમારા નાક નીચે થતું હતું, પરંતુ અત્યાર સુધી તમે તેમની સામે કોઈ કાર્યવાહી કેમ ના કરી ? આ સાથે બેન્ચે ઉત્તરાખંડના આયુષ વિભાગના સંયુક્ત ડિરેક્ટરની પણ ઝાટકણી કાઢી હતી.
બેન્ચે કહ્યું કે, એવું લાગે છે કે કોર્ટના આકરા વલણ પછી જ તમારી ઊંઘ ઊડી અને છેક હવે તમે ભ્રામક જાહેરાતોના કેસમાં પતંજલિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઉત્તરાખંડ આયુષ વિભાગે એક દિવસ પહેલા જ પતંજલિના ૧૪ ઉત્પાદનોના લાયસન્સ રદ કર્યા છે. કોર્ટે આ પગલાં અંગે કહ્યું કે, તમે કાર્યવાહી કરવા માગતા હોત તો ઘણા સમય પહેલાં જ આ કામ કર્યું હોત, પરંતુ તમે પગલાં લેવા માગતા ના હોવ તો તેમાં વર્ષો લાગી જાય છે.
બેન્ચે કહ્યું કે, છેલ્લા ૭-૮ દિવસમાં તમે એ બધું જ કરી નાંખ્યું, જે તમારે પહેલા કરવાની જરૂર હતી. તમે વર્ષો સુધી નિષ્ક્રિય રહ્યા. છ વર્ષ સુધી બધું અધ્ધરતાલ રહ્યું. આ સાથે બેન્ચે આયુષ વિભાગના સોગંદનામા અંગે અસંતુષ્ટી વ્યક્ત કરી હતી અને તેના ઢીલાશપૂર્ણ વલણ બદલ લાયસન્સિંગ ઓથોરિટીને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો હતો.
દરમિયાન આ કેસમાં સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ ફરિયાદ કરનારા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ની પણ આકરી ટીકા કરી હતી. બેન્ચે આઈએમએને સલાહ આપતા કહ્યું કે, તમારે તમારા ડૉક્ટરો અંગે પણ વિચારવું જોઈએ. મોટાભાગે તેઓ મોંઘી અને બીનજરૂરી દવાઓ દર્દીઓને લખી નાંખે છે. તમે એક આંગળી બીજા તરફ ઉઠાવો છો ત્યારે તમારી જ ત્રણ આંગળી તમારા તરફ ઊઠેલી હોય છે. સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી સામે આઈએમએના અધ્યક્ષ ડૉ. આરવી અશોકને એક મુલાકાતમાં વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની આ ભાષા યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટની ટીપ્પણી એક તરફી છે. તેણે આ પ્રકારનું વર્તન ના કરવું જોઈએ. કોર્ટનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ અને તેની મર્યાદાથી વિપરિત છે. તેનાથી ખાનગી ડૉક્ટરોનું મનોબળ તૂટે છે. આઈએમએના અધ્યક્ષના આ નિવેદન અંગે બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ બેન્ચનું ધ્યાન દોર્યું હતું. જવાબમાં બેન્ચે આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. બેન્ચે આઈએમએના વકીલને કહ્યું કે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે કોર્ટે શું બોલવું. આવું કંઈક હશે તો આઈએમએના અધ્યક્ષે તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.
દરમિયાન બેન્ચે ભ્રામક જાહેરાત કેસમાં યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ આચાર્ય અને પતંજલિ આયુર્વેદ લિ. દ્વારા જાહેર માફીમાં 'ઉલ્લેખનીય સુધાર'ની પ્રશંસા કરી હતી. બેન્ચે કહ્યું કે, અંતે તેમને સમજમાં આવી ગયું. હકીકતમાં પહેલા માફીનામું પ્રકાશિત થયું હતું ત્યારે તેમાં માત્ર કંપનીનું જ નામ હતું. હવે માફીનામામાં સુધારો કરાયો છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ.