Get The App

આખરે કેમ 16 મહિનાથી ભાજપ શાસિત આ રાજ્ય હિંસાની લપેટમાં? સ્થિતિ કાબૂમાં ક્યારે આવશે

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
આખરે કેમ 16 મહિનાથી ભાજપ શાસિત આ રાજ્ય હિંસાની લપેટમાં? સ્થિતિ કાબૂમાં ક્યારે આવશે 1 - image


Violence In Manipur: ઘણાં લાંબા સમયથી ભારતના નોર્થ-ઇસ્ટમાં આવેલ મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. રાજ્યમાં લૂંટફાટ, હત્યા,હિંસાના સમાચારો અવારનવાર આવતા રહે છે. મણિપુરમાં 3 મે 2023ના રોજ હિંસાની શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારથી લઈને આજ સુધી 16 મહિનાના સમયગાળા પછી પણ રાજ્યમાં શાંતિ સ્થપાઈ નથી. તાજેતરમાં જ જીરીબામ જિલ્લા શનિવારે થયેલી હિંસામાં 5 લોકોના મોત થયા હતા. મણિપુરમાં હિંસામાં સામેલ સમુદાયો પાસે એવા શસ્ત્રો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે યુદ્ધમાં થતો હોય છે. સેના એટલી લાચાર છે કે તેણે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવી પડી છે. લોકોએ પહાડો અને ખીણોમાં બંકરો બનાવી લીધા છે. પરંતુ સવાલ એ છે કે આ રાજ્યમાં 16 મહિના પછી પણ હિંસા કેમ અટકી નથી રહી?

ઉગ્રવાદીઓ પાસેથી અત્યાધુનિક હથિયારો મળ્યા 

ગયા વર્ષથી જ મણિપુરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ નિયંત્રણમાં હતી. પરંતુ હવે એરિયલ બોમ્બિંગ, આરપીજી અને આધુનિક હથિયારો અને ડ્રોનનો ઉપયોગના કારણે હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. હાલમાં કરેલી એક તપાસ દરમિયાન પોલીસને 7.62 એમએમ સ્નાઈપર રાઈફલ, પિસ્તોલ, ઇમ્પ્રુવાઇઝ્ડ લોંગ રેન્જ મોર્ટાર (પોમ્પી), ઇમ્પ્રુવાઇઝ્ડ શોર્ટ રેન્જ મોર્ટાર, ગ્રેનેડ, હેન્ડ ગ્રેનેડ સહિત ઘણાં અત્યાધુનિક હથિયારો મળ્યા હતા. બીજી બાજુ મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ (COCOMI)એ મણિપુરની હાલની સ્થિતિનો ઉકેલ લાવવા માટે ભારતીય સશસ્ત્ર દળો પાસેથી તાત્કાલિક અને નિર્ણાયક પગલું ભરવાની માંગ કરી છે.

હથિયારો ક્યાંથી આવ્યા?

હવે અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે, બંને સમુદાયો પાસે આટલી મોટી સંખ્યામાં હથિયારો ક્યાંથી આવ્યા. અને જે હથિયારો તેમની પાસે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે યુદ્ધમાં થાય છે, અથવા તો સૈનિકો દ્વારા કરવામાં આવે છે. તેની પાછળનું કારણ તાજેતરમાં મણિપુરમાં તહેનાત સેનાના જવાનો સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં હથિયારોની લૂંટ કરવાના સમાચાર આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટા પ્રમાણમાં આધુનિક હથિયારો લૂંટી લેવામાં આવ્યા છે. અને આ હથીયારોની ગેરકાયદેસર સપ્લાય પણ થઇ રહી છે. આરોપ છે કે પડોશી દેશોમાંથી મણિપુરમાં ગેરકાયદેસર હથિયારોની સપ્લાય થઈ રહી છે, જે હિંસાને વધુ ભડકાવી રહી છે.

પાંચ દિવસનું અલ્ટીમેટમ અપાયું

સમિતિએ ભારતીય સશસ્ત્ર દળોને પરિસ્થિતિનો સામનો કરવા માટે પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં તેમણે ચેતવણી આપી છે કે જો તેઓ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો લોકો પોતાના સમુદાયોને બચાવવા માટે સખત પગલાં લેશે. સમિતિએ કેન્દ્રીય દળોએ જે રીતે પરિસ્થિતિને સંભાળી છે અને ખાસ કરીને કુકી ઉગ્રવાદી જૂથો સામેની તેમની કાર્યવાહીને લઈને ઊંડો અસંતોષ વ્યક્ત કર્યો છે. સમિતિએ ઉગ્રવાદી જૂથો સામે કડક કાર્યવાહી કરવા અથવા મણિપુરમાંથી કેન્દ્રીય દળોને પાછા ખેંછી લેવાની ધમકી આપી હતી.

મણિપુરમાં હિંસા કેમ અટકતી નથી?

આ બધા વચ્ચે સૌથી મહત્વનો સવાલ એ છે કે મણિપુરમાં હિંસા કેમ અટકતી નથી? સશસ્ત્ર દળોની તહેનાતી કરવા છતાં પણ સ્થિતિ કેમ કાબુમાં આવી રહી નથી? હવે આ સવાલોનો કોઈ એક સીધો જવાબ નથી, કારણ કે મણિપુરની હાલની સ્થિતિ પાછળ ઘણાં કારણો છે. જો સરળ ભાષામાં કઈએ તો આ આખી લડાઈ કુકી અને મૈતેઈ નામના બે સમુદાયો વચ્ચે છે. મૈતેઈ સમુદાયના મોટાભાગના લોકો ખીણમાં રહે છે, જ્યારે કુકી સમુદાયના લોકો પર્વતોમાં રહે છે. હવે હિંસા બાદ બંને સમુદાયોએ એકબીજાના વિસ્તારમાં જવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હિંસા બંધ ન થવા પાછળ આ પણ એક મોટું કારણ છે. બંને સમુદાયોના અલગ-અલગ લોકેશનના કારણે સમગ્ર વિસ્તાર સરહદમાં ફેરવાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર બંનેએ પોતાના માટે સુરક્ષિત બંકર પણ બનાવી લીધા છે. બંને પાસે મોટી માત્રામાં હથિયારો છે. જેના કારણે જ્યારે પણ તેમને મોકો મળે છે ત્યારે તેઓ એકબીજા પર હુમલો કરે છે, અને પછી બંકરમાં છુપાઈ જાય છે. દુર્ગમ ખીણ અને પહાડોના કારણે તેમને રોકવા પણ મુશ્કેલ છે.

પરસ્પર તાલમેલનો અભાવ

મણિપુરમાં હિંસાને રોકવા માટે હજારો સૈનિકો, અર્ધલશ્કરી દળો અને પોલીસની તહેનાતી કરવામાં આવી છે. પરંતુ તેઓ પણ આ હિંસા રોકી શક્યા નથી. તેની પાછળનું કારણ પરસ્પર તાલમેલનો અભાવ છે. તાજેતરમાં એવું જોવા મળ્યું હતું કે લોકોએ સૈનિકોની તહેનાતીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈને રાજ્ય પોલીસ બે ભાગોમાં વહેંચાય ગઈ હતી. 

મુખ્યમંત્રી એન બિરેન સિંહ પર જ આરોપ લાગ્યા

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેઓ સતત વિપક્ષના નિશાના પર છે. હકીકતમાં મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ મૈતેઈ સમુદાયમાંથી આવે છે. મૈતેઈ સમુદાય મણિપુરમાં રાજકીય રીતે પ્રભાવશાળી છે. આ સ્થિતિમાં સીએમ બિરેન સિંહ મૈતેઈ સમુદાયના લોકો પ્રત્યે સોફ્ટ કોર્નર રાખી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં જ હિંસામાં ભાજપના ઘણાં નેતાઓને નિશાન બનાવાયા હતા. તાજેતરના હિંસાના એક કેસમાં સીએમ બિરેન સિંહ પર પણ આરોપ લાગ્યા હતા. તેમનો કથિત ઓડિયો લીક થયા બાદ હિંસા ફાટી નીકળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કથિત વાઈરલ ઓડિયોમાં સીએમ બિરેન સિંહ હિંસામાં સામેલ હોવાની વાત કરવામાં આવી હતી.

હજારો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર 

મૈતેઈ સમુદાય છેલ્લા ઘણાં સમયથી મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની માંગ કરી રહ્યા છે. તેના વિરોધમાં પર્વતીય જિલ્લાઓમાં આયોજિત 'આદિવાસી એકતા માર્ચ'ને પગલે ગત વર્ષે 3 મેના રોજ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી 200 થી વધુ લોકો આ હિંસામાં માર્યા ગયા છે. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા વસ્તી મૈતેઈ સમુદાયની  છે, અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકી સહિત આદિવાસીઓ વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય  જિલ્લાઓમાં રહે છે. હિંસાને કારણે હજારો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે.

આખરે કેમ 16 મહિનાથી ભાજપ શાસિત આ રાજ્ય હિંસાની લપેટમાં? સ્થિતિ કાબૂમાં ક્યારે આવશે 2 - image


Google NewsGoogle News