શાહજહાં શેખની ક્યારે ધરપકડ થશે ? TMCએ સમય જણાવ્યો : હાઈકોર્ટના હુમકથી મમતા દબાણમાં
- શું શાહજહાં શેખ લંડન નાસી ગયો છે ?
- હિન્દુ મહિલાઓમાં યૌન શોષણ, ઉત્પીડન અને જમીનોના કબ્જાના કેસમાં સંડોવાયેલો શાહજહાં શેખ દોઢ મહિનાથી ગુમ થયો છે
કોલકત્તા : બંગાળના સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓના યૌન ઉત્પીડન અને તેમની જમીનોના કબ્જાના મામલામાં ઘેરાયેલા ટીએમસી નેતા શાહજહાં શેખને તત્કાળ ગિરફતાર કરવા હાઈકોર્ટે આપેલા આદેશ પછી મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસી ''બેક-ફ્ટ'' પર આવી ગઈ છે. હવે તો, ટીએમસીના સીનીયર નેતા કૃણાલ ઘોષે તો જાહેર કર્યું છે કે ૭ દિવસમાં જ શાહજહાં શેખની ધરપકડ થઈ જશે. કૃણાલ ઘોષની આ ''શેખી'' અંગે કટાક્ષ કરતા કેટલાયે વિપક્ષી નેતાઓ કહે છે કે ''તે સંભવિત જ નથી. હવા તો તેમ વહે છે કે કદાચ શાહજહાં શેખ લંડન નાસી ગયો છે.'' જોકે તે આક્ષેપો અંગે કોઈ નક્કર પુરાવા તો મળી શકતા નથી.
બીજી તરફ હાઈકોર્ટે કહ્યું હતું કે શાહજહાં શેખની ધરપકડ અંગે અમારા દ્વારા તો કાઈ ''રોક'' છે જ નહીં.
કૃણાલ ઘોષે વળી, પલટી મારતા તેમ કહ્યું હતું કે ''શાહજહાં શેખની ધરપકડ અંગે તૃણમૂલના નેતા અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની વાત યોગ્ય લાગે છે. તેઓએ કહ્યું હતું કે ''કેસ સબ-જ્યુડીસ હોવાથી તે વિષે કશું કહેવું યોગ્ય નથી.''
શેખ દોઢ મહિનાથી લાપત્તા છે અને તેની શોધમાં ઈડીએ કેટલાએ સ્થળો ઉપર દરોડા પણ પાડયા છે. જાન્યુઆરીમાં પહેલા સપ્તાહમાં જ ઈડીએ શેખના સ્થળો પર દરોડા પાડયા હતા. જ્યારે પહેલી વખત ઈડીની ટીમ પહોંચી તો શહાજહાં શેખના ગુંડાઓએ ઈડી ટીમ ઉપર હુમલો કર્યો હતો. પછી ભારે પોલીસ પ્રોટકશન નીચે ફરી દરોડો પાડયો. પરંતુ શેખ તો પહેલેથી જ ગુમ હતો.
આ પછી શેખ ઉપર કેસ પણ કરવામાં આવ્યો ત્યારે સંદેશખાલીની મહિલાઓએ આક્ષેપો મુક્યા હતા કે શાહજહાં શેખ અને તેના ગુંડાઓએ તેમનું યૌન-ઉત્પીડન કર્યું હતું અને તેમની જમીનો ઉપર પણ કબ્જો જમાવી દીધો હતો.
કોલકત્તાથી માત્ર ૧૦૦ કિ.મી. જ દૂર બનેલી આ ઘટનાએ દેશભરમાં વંટોળ જમાવી દીધો છે. તેમાંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બંગાળની મુલાકાત લેવાને છે. એક તરફ હાઈકોર્ટના હુકમ, બીજી તરફ પીડિત મહિલાઓને સોગંધ ઉપર આપેલા નિવેદનો અને માર્ચના પ્રારંભમાં યોજાનારી વડાપ્રધાનની મુલાકાતે ''દીદીને'' ખરેખરા ભીંસમાં લીધા છે.