Get The App

વિશ્વનો પ્રથમ Exit Poll ક્યારે આવ્યો હતો, ભારતમાં ક્યારથી થઈ શરૂઆત; જાણો રસપ્રદ માહિતી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
વિશ્વનો પ્રથમ Exit Poll ક્યારે આવ્યો હતો, ભારતમાં ક્યારથી થઈ શરૂઆત; જાણો રસપ્રદ માહિતી 1 - image


Lok Sabha Elections 2024: આજકાલ લોકોને ચૂંટણીના તબક્કા અને ચૂંટણીના મતદાન-ટકાવારી કરતા ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલમાં વધુ રસ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં લોકશાહીના મહાપર્વ 2024ની લોકસભાની ચૂંટણી હાલ અંતિમ તબક્કામાં છે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થશે અને તેની સાથે જ તમામની નજર 4 જૂને જાહેર થનારા ચૂંટણીના પરિણામો પર કેન્દ્રિત થશે. જોકે આ પહેલા 1 જૂને મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલ (Exit Poll) આવવાનું શરૂ થશે. આ સર્વેમાં દરેક પાર્ટીને કેટલી સીટો મળવાની આશા છે તેનો અંદાજ લગાવવામાં આવશે.

વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આ એક્ઝિટ પોલ કેટલા સચોટ સાબિત થશે, તે ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ ખબર પડશે. સરળ વ્યાખ્યા સમજીએ તો એક્ઝિટ પોલ મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણીના પરિણામોનું પૂર્વાનુમાન છે. આ ખ્યાલ મેળવ્યા બાદ, ચાલો હવે જાણીએ કે વિશ્વમાં પ્રથમ એક્ઝિટ પોલ ક્યાંથી શરૂ થયો હતો અને તેનું પરિણામ કેટલું સચોટ હતું.

વિશ્વની સૌથી જૂની લોકશાહીમાં શરૂ થયું ચલણ :

ભારતમાં એક્ઝિટ પોલનો દોર શરૂ થયાના ઘણા સમય પહેલા જ અનેક દેશોમાં આની શરૂઆત થઈ ગઈ હતીતું. અમેરિકા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ એશિયા, યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા સહિત વિશ્વના ઘણા દેશોમાં મતદાન બાદ એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે. જોકે તેની શરૂઆતનો શ્રેય યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને જાય છે. 1936માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જ્યોર્જ ગેલપ અને ક્લાઉડ રોબિન્સન દ્વારા પ્રથમ ચૂંટણી સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેમાં મતદાન કરીને બહાર આવેલા મતદારોને પ્રથમ વખત પૂછવામાં આવ્યું હતુ કે તેઓએ રાષ્ટ્રપતિ પદના કયા ઉમેદવારને મત આપ્યો છે.

આ સર્વેમાંથી મેળવેલા ડેટા પરથી એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ ચૂંટણી જીતશે અને અંતે થયું એવું જ. જોકે આ સર્વેએ અમેરિકાના ચૂંટણી પરિણામો પર ખરાબ અસર કરી હતી. જોકે તે સમયે તેને એક્ઝિટ પોલ નહીં પણ સર્વે કહેવામાં આવતો હતો.

નેધરલેન્ડથી એક્ઝિટ પોલમાં ટ્રેન્ડ થયું :

અમેરિકા બાદ આ સર્વે અન્ય ઘણા દેશોમાં પણ લોકપ્રિય બન્યો હતો. અમેરિકા બાદ વર્ષ 1937માં બ્રિટનમાં પ્રથમ વખત આવો જ સર્વે કરવામાં આવ્યો હતો. પછીના વર્ષે એટલે કે 1938માં ફ્રાંસમાં પહેલીવાર મતદારોને તેમના મૂડ વિશે પૂછવામાં આવ્યું. જોકે હજી સુધી એક્ઝિટ પોલ શબ્દનો ઉપયોગ થયો ન હતો. એક્ઝિટ પોલ શબ્દ નેધરલેન્ડ્સમાંથી બહુ પાછળથી અસ્તિત્વમાં આવ્યો હતો. ડચ સમાજશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાજકારણી માર્સેલ વોન ડેમ દ્વારા 15 ફેબ્રુઆરી 1967ના રોજ એક્ઝિટ પોલની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે નેધરલેન્ડ્સમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોનું માર્સેલ વોન ડેમનું મૂલ્યાંકન એકદમ સચોટ હોવાનું બહાર આવ્યું હતું.

ભારતમાં ક્યારે થઈ શરૂઆત ?

Exit Poll અને ભારતના સંબંધની વાત છે તો સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન 1957માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવેલો પહેલો સર્વે તેના વડા એરિક ડી'કોસ્ટા દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે તેને એક્ઝિટ પોલ ગણવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વર્ષ 1980 અને 1984માં ડો. પ્રણય રોયના નેતૃત્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો.

સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) દ્વારા ભારતમાં 1996માં એક્ઝિટ પોલની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પત્રકાર નલિની સિંહે દૂરદર્શન માટે એક્ઝિટ પોલ કરાવ્યો હતો, જેના માટે CSDSએ ડેટા એકત્ર કર્યો હતો. આ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણી જીતશે અને ખરેખર એવું જ થયું. જોકે તેની અસર ચૂંટણી પરિણામો પર પણ પડી હતી. આ પછી દેશમાં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ વધ્યો અને વર્ષ 1998માં એક ખાનગી ન્યૂઝ ચેનલે પ્રથમ વખત એક્ઝિટ પોલનું પ્રસારણ કર્યું હતું.

કઈ રીતે થાય છે એક્ઝિટ પોલ ?

એક્ઝિટ પોલ વાસ્તવમાં એક પ્રકારનો ચૂંટણી સર્વે જ છે. આ મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ માટે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવતા મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ કયા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે. મળેલ માહિતી પરથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના પરથી અંદાજ લગાવવામાં આવે છે કે ચૂંટણીના પરિણામો કેવા રહેશે.

Exit Poll અને Opinion Poll વચ્ચેનો તફાવત :

એક્ઝિટ પોલની તર્જ પર જ અન્ય એક સર્વે હાથ ધરવામાં આવે છે, જેને ઓપિનિયન પોલ કહેવામાં આવે છે. આ બંને વચ્ચેનો તફાવત એ છે કે ,એક્ઝિટ પોલ માત્ર મતદાનના દિવસે જ લેવામાં આવે છે અને તેમાં માત્ર મતદારોનો જ સમાવેશ કરવામાં આવે છે. સામે પક્ષે ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા પણ કરવામાં આવે છે. આમાં તમામ પ્રકારના એટલેકે મતદાર હોય કે ન હોય તેવા તમામ લોકોને સામેલ કરી શકાય છે. એક્ઝિટ પોલમાં મતદારોને સીધું પૂછવામાં આવે છે કે તેમણે કઈ પાર્ટી કે ઉમેદવારને મત આપ્યો છે. તે જ સમયે, ઓપિનિયન પોલમાં તે પૂછવામાં આવે છે કે, કોને વોટ કરવાની ઈચ્છા છે અથવા યોજના છે.

હવે પ્રશ્ન એ છે કે, ભારતમાં એક્ઝિટ અને ઓપિનિયન પોલ કેટલા સચોટ હોઈ શકે. સામાન્ય રીતે એક્ઝિટ પોલ 80થી 90 ટકા વચ્ચે સચોટ હોય છે. જોકે એવું જરૂરી નથી કે આવું જ થયું આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ અંદાજા ખોટા પડે છે. આશંકા હોય છે કે મતદારે કોને મત આપ્યો છે તેના વિશે સાચી જ માહિતી આપે. આ સિવાય ઓપિનિયન પોલ પછી, મતદારોને તેમનો અભિપ્રાય બદલવાનો સમય મળે છે અને અંતે તેઓ કોઈ બીજાને મત આપી શકે છે, જોકે એક્ઝિટ પોલમાં મતદાન બાદ જ માહિતી અન્ય સમક્ષ રજૂ કરાય છે.

વિશ્વનો પ્રથમ Exit Poll ક્યારે આવ્યો હતો, ભારતમાં ક્યારથી થઈ શરૂઆત; જાણો રસપ્રદ માહિતી 2 - image


Google NewsGoogle News