જયારે સુપ્રિમ કોર્ટે પુછયું કે બેંકે ૨૬ દિવસ સુધીમાં માહિતી એકઠી કરવા શું પગલા લીધા ?
ઇલેકશન બોન્ડની માહિતી માટે વધુ સમય આપવાનો સુપ્રિમે કર્યો ઇન્કાર
બેંકે સિલબંધ કવરની ડિટેલ્સ એકઠી કરીને માહિતી આપવી પડશે
નવી દિલ્હી, ૧૧ માર્ચ,૨૦૨૪,સોમવાર
ભારતની સર્વોચ્ચ અદાલતે ૨૦૧૭માં બહાર પાડવામાં આવેલા ચુંટણી બોન્ડને ગેરકાયદેસર જાહેર કરીને પ્રતિબંધ મુકયો હતો. એટલું જ નહી ૧૫ ફેબુ્રઆરીના આદેશમાં બોન્ડ બહાર પાડવાની સત્તા ધરાવતી એક માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ૬ માર્ચ સુધીમાં માહિતી આપીને વેબસાઇટ પર અપલોડ કરવાની સુચના આપી હતી. એસબીઆઇએ ચુંટણી બોન્ડને લગતી માહિતી પુરી પાડવા બાબતે ૩૦ જુન ૨૦૨૪ સુધીનો સમય માંગ્યો હતો. આ સમય આપવા અંગેની એસબીઆઇની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત એવી ચેતવણી આપી છે કે મંગળવાર સુધી આ માહિતી નહી આપવામાં આવે તો અદાલતની અવમાનના કરવા અંગેની કાર્યવાહી શરુ કરવામાં આવશે. આ સમગ્ર કેસની સુનાવણી સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ ડી વાઇ ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સંવિધાન બેંચ કરી રહી છે.
આ બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઇ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. સુનાવણી દરમિયાન બેંકને આકરા સવાલો પુછયા હતા. ૧૫ ફેબુ્આરીના રોજ અપાયેલા આદેશ અંગે અત્યાર સુધી શું કાર્યવાહી કરી ? કોર્ટે પુછયું કે ૨૬ દિવસ સુધીમાં આંકડા એકઠા કરવા માટે શું પગલા લીધા ? એસબીઆઇ વતી વકિલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે બેંકને માહિતી મેળવવા માટે વધુ સમયની જરુરિયાત છે.
સાલ્વેની દલીલ હતી કે બેંકે (એસબીઆઇ)એ કોર બેંન્કિગ સિસ્ટમની બહાર ચુનાવી બોન્ડ યોજના બાબતે જાણકારી સંગ્રહિત માટે એક એસઓપીનું પાલન કર્યુ છે. આદેશનું પાલન કરવા માટે થોડાક વધુ સમયની જરુરિયાત છે. જાણકારી મેળવવાના પ્રયાસો થઇ રહયા છે જેમાં સમગ્ર પ્રકિયાને ઉલટાવવી પડે તેમ છે. એક બેંક તરીકે આને ગુપ્ત રાખવાની સુચના આપવામાં આવી હતી. આથી બોન્ડ ખરીદનારાનું નામ અને ખરીદનારાની તારીખ કોડ કરવામાં આવી છે જેને ડિકોડ કરવામાં સમય લાગશે. સાલ્વેએ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે બેંકની જે તે શાખામાં સીલબંધ કવરમાં આ માહિતી રાખવામાં આવે છે.
એસબીઆઇના વકિલની દલીલ અંગે સુપ્રિમકોર્ટે જણાવ્યું હતું કે આપ કહો છો કે આની જાણકારી સીલબંધ કવરમાં રાખવામાં આવી છે અને તે મુંબઇની શાખામાં જમા છે. અમારો આદેશ જાણકારીઓનું મેળવણ કરવાનો નથી પરંતુ એસબીઆઇ દાનદાતાઓની જાણકારી આપે તે છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ ટાંક્યું હતું કે માત્ર સિલબંધ કવર ખોલવાના છે અને ડિટેલ્સ એકઠી કરીને માત્ર માહિતી જ આપવાની છે. એસબીઆઇના વકિલે અદાલતમાં જણાવ્યું હતું કે બોન્ડ કોને ખરીદયા, પૈસા કયાંથી આવ્યા અને કયાં રાજકીય પક્ષે તેને વટાવ્યા તેની માહિતી બેંક પાસે છે પરંતુ બોન્ડ નંબરો સાથે નામોની સરખામણી કરીને ક્રોસ ચેક કરવાનું બાકી છે.
જસ્ટિસે બેંકને એવો સવાલ કર્યો હતો કે અમે ૧૫ ફેબુ્આરીએ ફેંસલો કર્યો હતો. આજે ૧૧ માર્ચ થઇ છે છેલ્લા ૨૬ દિવસ થી આપે શું પગલા ભર્યા તેની જાણકારી આપવાની પારદર્શિતા દેખાડવાની જરુર હતી. ચુંટણી બોન્ડ સાથે જોડાયેલી માહિતી ચુંટણી પંચ પાસે જમા નહી કરાવવા બાબતે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા એસબીઆઇ વિરુધ અવમાનનાની અરજી દાખલ કરવામાં આવી હતી.