'જ્યારે મનમોહન બોલે છે તો દુનિયા સાંભળે છે...' બરાક ઓબામાએ પુસ્તકમાં કર્યા હતા વખાણ
Barrack Obama on Manmohan Singh: ગુરુવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની વયે દેહ છોડ્યો. તેમના નિધનથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મનમોહન સિંહ ભારતના એવા નેતા હતા જેની ચર્ચા આખી દુનિયામાં થાય છે. તેમની આર્થિક કુશળતા હોય કે કોઈ પણ રાજકીય મુદ્દા પર તેમનો નિર્ણય, મનમોહન સિંહ હંમેશા શિષ્ટાચારથી નિર્ણય લેવા માટે જાણીતા હતા. આવું જ એક વખત બન્યું હતું જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના એક પુસ્તકમાં તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, 'મનમોહન સિંહ એવા નેતા છે કે જ્યારે તેઓ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે.'
'અ પ્રોમિસ્ડ લેન્ડ' પુસ્તકમાં ઉલ્લેખ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2020માં લખેલા તેમના પુસ્તક 'A Promised Land'માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કર્યા છે. પુસ્તકમાં ઓબામાએ લખ્યું છે કે, 'મનમોહન સિંહ ભારતના અર્થતંત્રને આધુનિક બનાવવાના મુખ્ય આર્કિટેક્ટ હતા અને લાખો ભારતીયોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા. મારા અને મનમોહન સિંહ વચ્ચે ખૂબ સારા સંબંધો હતા.'
મનમોહન બુદ્ધિશાળી, પ્રામાણિક અને વિચારશીલ વ્યક્તિ
ઓબામાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, 'મનમોહન સિંહ એક બુદ્ધિશાળી, પ્રામાણિક અને વિચારશીલ વ્યક્તિ છે. તેઓ ભારતના આર્થિક પરિવર્તનના મુખ્ય આર્કિટેક્ટ હતા. તેઓ એક નાના શીખ સમુદાયમાંથી આવ્યા હતા, તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા હતા. તેઓ એક વિનમ્ર ટેકનોક્રેટ હતા, જેમણે શબ્દોથી નહીં પરંતુ ઉચ્ચ જીવનધોરણ આપીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો.'
ઓબામાના પુસ્તકમાં મનમોહન સિંહની વિદેશ નીતિનો પણ ઉલ્લેખ
ઓબામાએ મનમોહન સિંહની વિદેશ નીતિ બાબતે પણ પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, 'મનમોહન સિંહે પોતાની ઈમાનદારીની છબી જાળવી રાખી અને પોતાના કામમાં હંમેશા પારદર્શિતા જાળવી રાખી. તેઓ વિદેશ નીતિમાં ખૂબ જ સાવધ હતા અને ભારતીય નોકરિયાતની આશંકાઓને સમજીને સાવધાનીથી કામ કર્યું.'
આ પણ વાંચો: આધાર, મનરેગા અને RTI માં મહત્ત્વની ભૂમિકા.. પૂર્વ PM મનમોહનની સિદ્ધીઓની યાદી છે લાંબી
મનમોહન સિંહે ઓબામાને આપી હતી ડિનર પાર્ટી
ઓબામાએ એ પણ જણાવ્યું કે જ્યારે હું દિલ્હી ગયો ત્યારે મનમોહન સિંહે મારા માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઓબામાએ જોયું કે મનમોહન સિંહ દેશની અર્થવ્યવસ્થાને લઈને ખૂબ જ ચિંતિત છે. ઓબામા અને પૂર્વ પીએમ મનમોહન સિંહ વચ્ચે આ મુલાકાત G-20 સમિટ દરમિયાન થઈ હતી.