ભારતે જ્યારે પ્રજાસત્તાક દિવસે પાકિસ્તાનથી ચીફ ગેસ્ટ બોલાવ્યા, 3 મહિના બાદ ભીષણ યુદ્ધ થયું
Republic Day: દેશમાં આજે 76માં પ્રજાસત્તાક દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. નવી દિલ્હી ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો હાજર રહ્યા હતા. ભારત દેશ આઝાદ થયો ત્યારથી ધ્વજવંદન કાર્યક્રમમાં વિવિધ દેશોને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરે છે. આ પરંપરાને જાળવતાં ભારતે અગાઉ બે વખત દુશ્મન દેશ પાકિસ્તાનને પણ ચીફ ગેસ્ટ તરીકે સન્માનિત કરતાં આમંત્રણ આપ્યું હતું. જો કે, પાકિસ્તાને પોતાની નાપાક હરકતો ચાલુ જ રાખી હતી.
પાકિસ્તાને ભારતના આમંત્રણ સામે યુદ્ધ કરાવ્યું
બંને દેશો વચ્ચે તણાવ અને સંઘર્ષ હોવા છતાં ભારતે પાકિસ્તાનને 1965 અને 1955માં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યુ હતું. 1955માં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ અને 1965માં પાકિસ્તાનના કૃષિ મંત્રી રાણા અબ્દુલ હામિદ ચીફ ગેસ્ટ બન્યા હતા. જાન્યુઆરીમાં હામિદની ભારતમાં હાજરી બાદ છ મહિનામાં જ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ છેડાયું હતું. પાકિસ્તાને 5 ઓગસ્ટ, 1965થી યુદ્ધ શરૂ કર્યું હતું. જે સપ્ટેમ્બરના અંત સુધી ચાલ્યું હતું.
પાકિસ્તાને પીઠ પાછળ હુમલો કર્યો
પાકિસ્તાનના મંત્રીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે નવી દિલ્હી ખાતે હાજરી આપી ભાઈચારા અને વિશ્વાસની ખાતરી આપતો હાથ લંબાવ્યો હતો. પરંતુ પાકિસ્તાન પોતાની જૂની ટેવ મુજબ પીઠ પાછળ હુમલો કર્યો હતો. 1965માં માર્ચ મહિનામાં જ પાકિસ્તાને જાણી-જોઈને કચ્છના રણમાં હુમલાઓ કર્યા હતા. અમુક સમાધાન બાદ મામલો શાંત થયો હતો. પરંતુ અંદરખાને પાકિસ્તાને મોટાપાયે હુમલાઓની તૈયારી શરૂ કરી હતી. ઓગસ્ટમાં કાશ્મીર એલઓસી ક્રોસ કરી હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું. અને જે સપ્ટેમ્બર અંત સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના અનેક વિસ્તારો પર કબજો કર્યો હતો. બાદમાં યુએનની દખલગીરીથી યુદ્ધવિરામ થયુ હતું. હુમલા બાદ જાન્યુઆરી, 1966માં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તાશકંદ ગયા હતા. ત્યાં તેમનું રહસ્યમય નિધન થયુ હતું.
સૌથી વધુ ફ્રાન્સ ચીફ ગેસ્ટ બન્યું
ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સૌથી વધુ ચીફ ગેસ્ટ ફ્રાન્સના નેતાઓ બન્યા છે. ફ્રાન્સના નેતાઓને 1976, 1980, 1998, 2008, 2016 અને 2024માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે ભારત અને ફ્રાન્સ વચ્ચેના વિશેષ દ્વિપક્ષીય સંબંધોને પ્રતિબિંબિત કરે છે, જે સંરક્ષણ, પરમાણુ ઊર્જા, આતંકવાદ વિરોધી અને તકનીકી સહયોગ જેવા ક્ષેત્રોમાં મજબૂત છે.
આ પણ વાંચોઃ અંગ્રેજોએ બનાવેલી આ રેજિમેન્ટ ભારતીય પરંપરા અને ઈતિહાસ સાથે આજે પણ છે અકબંધ
આ રીતે ચીફ ગેસ્ટ નક્કી થાય છે
1. રાજકીય અને રાજદ્વારી સંબંધો: ચીફ ગેસ્ટની પસંદગીમાં પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પરિબળ બંને દેશો વચ્ચેના રાજકીય અને રાજદ્વારી સંબંધો છે. જો બંને દેશો વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધો હોય તો તે દેશના વડાને આમંત્રણ આપવામાં આવે છે. આનાથી માત્ર બંને દેશો વચ્ચેના સહકારને પ્રોત્સાહન મળતું નથી, પરંતુ વૈશ્વિક મંચ પર સકારાત્મક સંદેશ પહોંચે છે.
2. આર્થિક અને સંરક્ષણ સહકાર: આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહકાર એ પણ એક મહત્વપૂર્ણ વિચારણા છે. ભારત અને તે દેશ વચ્ચે ભાગીદારી હોવી જોઈએ. જે-તે દેશના વડાને વેપાર, સંરક્ષણ અથવા અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી માટે પણ આમંત્રણ આપવામાં આવે છે.
3. વૈશ્વિક સંદર્ભ: આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વૈશ્વિક સંદર્ભ પણ ચીફ ગેસ્ટને આમંત્રણ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 2015માં યુએસ પ્રમુખ બરાક ઓબામાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ભારત તેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રજાસત્તાક દિવસ પર તેના વ્યૂહાત્મક ભાગીદારોને આમંત્રિત કરી શકે છે.
4. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો: કેટલીકવાર સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ભારત અને કોઈપણ દેશ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ગણતંત્ર દિવસ માટે ચીફ ગેસ્ટની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.