જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે
Pakistani Army had to Surrender: 22 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પગલે ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભરતા સિંધુ જળ સંધિ સ્થગિત, અટારી-વાઘા બોર્ડર બંધ કરી, પાકિસ્તાની નાગરિકોના વિઝા પર પ્રતિબંધ, SAARC વિઝા મુક્તિ સમાપ્ત અને પાકિસ્તાની હાઇ કમિશનમાં લશ્કરી સલાહકારોને હાંકી કાઢવામાં આવ્યા. એવામાં હવે મોદી સરકાર પાસેથી નેવી બ્લોકેજની માંગ કરવામાં આવી રહી છે. તો જાણીએ નેવી બ્લોકેજ થાય તો શું પરિણામ આવી શકે.
ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન માત્ર 12 જ દિવસમાં પાક. સેનાને ઘૂંટણીયે લાવી દીધી
3 ડિસેમ્બર 1971 ના રોજ, જ્યારે પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર આવેલા પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં પર હવાઈ હુમલા શરૂ કર્યા, ત્યારે સામે ભારતે પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી નાગરિકો અને હિન્દુઓનો બદલો લીધો એટલું જ નહિ પણ માત્ર 12 જ દિવસમાં પાકિસ્તાની સેનાને ઘૂંટણીયે લાવી દીધી હતી. જેના કારણે પાકિસ્તાનના અર્થતંત્રને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, ભારતે કરાંચી બંદર પર નેવીને બ્લોક કરી હતી. 3 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલેલા તે યુદ્ધમાં નૌકાદળના અવરોધનો નિર્ણય નિર્ણાયક સાબિત થયો. ઓપરેશન ટ્રાઇડેન્ટ અને ઓપરેશન પાયથને માત્ર 12 દિવસમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ધ્વંસ કરી દીધી હતી.
પાકિસ્તાનની નેવી અને અર્થતંત્રને ભારે નુકસાન
4 ડિસેમ્બર 1971 ની રાત્રે ભારતીય નેવીએ કરાંચી બંદર પર હુમલો કર્યો. આ કામગીરીમાં, મિસાઇલ બોટ (INS નિપટ, INS નીરઘાટ અને INS વીર) દ્વારા સ્ટાઇક્સ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે ભારતે યુદ્ધમાં એન્ટી-શિપ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો.
આ કાર્યવાહીમાં, પાકિસ્તાની નેવીના જહાજો PNS ખૈબર અને PNS મુહાફિઝ કરાંચી બંદર પર ડૂબી ગયા હતા. બંદરના તેલ ભંડારમાં આગ લાગવાને કારણે તેલનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ હુમલાથી પાકિસ્તાનની નેવી અને અર્થતંત્રને ભારે નુકસાન થયું.
ઓપરેશન પાયથન
આ પછી, બાકીનું કામ ભારતીય નેવીના ઓપરેશન પાયથન દ્વારા કરવામાં આવ્યું. ભારતીય નેવીએ 8-9 ડિસેમ્બર 1971ની મધ્યરાત્રિએ કરાંચી બંદર પર બીજો હુમલો કર્યો. આ વખતે INS વિનાશ અને બે ફ્રિગેટ્સ INS તલવાર અને INS ત્રિશૂલએ કરાંચી પર હુમલો કર્યો. ફરીથી મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો અને બંદર પર બાકી રહેલી તેલ ટાંકીઓને નષ્ટ કરવામાં આવી.
આ હુમલાએ કરાંચી બંદરને સંપૂર્ણપણે બંધ કરી દીધું. પાકિસ્તાનનો તેલ પુરવઠો અને વેપાર ઠપ્પ થઈ ગયો, જેના કારણે તેના અર્થતંત્ર અને લશ્કરી કામગીરી પર ગંભીર અસર પડી. આ હુમલા બાદ પાકિસ્તાની નેવી માત્ર બંદર સુધી જ સીમિત રહી. તેમજ ભારતે દરિયાઈ માર્ગો બંધ કરી દીધા, જેના કારણે પાકિસ્તાનના 85% તેલ ભંડાર પર અસર પડી.
અહેવાલો અનુસાર, 50% થી વધુ તેલ ભંડાર બળી ગયા હતા, જેના કારણે આગ 10-15 દિવસ સુધી ચાલુ રહી હતી. આ કારણે પાકિસ્તાનને તેલ આયાત કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. 90% દરિયાઈ વેપાર કરાંચી દ્વારા થતો હતો. આ નાકાબંધીને કારણે આયાત-નિકાસ અટકી ગઈ, જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ. જેના કારણે પાકિસ્તાનને અંદાજિત 10 કરોડ ડોલરથી વધુનું નુકસાન થયું. ત્યારબાદ 16 ડિસેમ્બરે પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ બન્યો.