જયારે દક્ષિણ ભારતમાં જંગલ બચાવવા થયું હતું ચિપકો જેવું જ અપ્પિકો આંદોલન
અપ્પિકોએ કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ પણ ચિપકો એવો થાય છે.
અપ્પિકો આંદોલનમાં પાંડુરંગ હેગડેની ભૂમિકા ખૂબજ મહત્વની રહી હતી.
બેંગ્લોર,30 નવેમ્બર,2023, ગુરુવાર
હિમાલયની તળેટીના વૃક્ષો અને પર્યાવરણ બચાવવા માટે ૪૫ વર્ષ પહેલા ચિપકો આંદોલન શરુ થયું હતું. ઉત્તરાખંડના રેણી ગામમાં અઢી હજાર વૃક્ષો કાપીને હરાજી થવાની હતી ત્યારે મહિલાઓએ વૃક્ષો ફરતે ચિપકીને પડકાર ફેઁકયો હતો. ૨૬ માર્ચ ૧૯૭૪ના રોજ શરુ થયેલું ઉત્તર ભારતનું આ લોક આંદોલન વિશ્વમાં પર્યાવરણ બચાવવા માટેના કેટલાક પ્રયાસોમાંનું એક ગણાય છે. ચિપકો આંદોલન ગામે ગામ ફેલાતા સરકારે ૧૫ વર્ષ સુધી હિમાલયન વનોમાં વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મુકયો હતો.
જો કે ૧૯૮૩માં કર્ણાટકમાં આવું જ એક આંદોલન અપિક્કો થયેલું જેને દક્ષિણ ભારતનું ચિપકો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના આ અપ્પિકોની ઉત્તર ભારતના ચિપકો જેટલી નોંધ લેવામાં આવી નથી. અપ્પિકોએ કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ પણ ચિપકો એવો થાય છે. પર્યાવરણ સંબંધી જાગૃતિ માટે કર્ણાટકનો ઉત્તર કન્નડ વિસ્તાર અપ્પિકો આંદોલનનું એપી સેન્ટર હતો. આ વિસ્તારમાં કાગળ પર વૃક્ષોનું કટિંગ ઓછું જયારે જમીન પર વધારે હોવાથી લીલા વૃક્ષોનો સોથો બોલી ગયો હતો. વૃક્ષો કપાવાથી મખમાખીઓના મધપૂડા ગાયબ થયા અને મધપાલન પ્રવૃતિ પણ અટકી પડી હતી.
મોંઘા વૃક્ષો કાપીને તેના સ્થાને નીલગીરી પ્રકારના વૃક્ષો વાવવામાં આવતા જે પર્યાવરણ સંતૂલન માટે હિતાવહ ન હતા. નવેમ્બર ૧૯૮૩માં સિદાપુરના નિદગોડ ગામમાં ૩૦૦ લોકોએ કઠીયારાઓની કુહાડીઓ પડાવી લીધી હતી.સિદ્દાપુરના કેલગિરિ જદ્દી વનમાં પ્લાયવુડ ફેકટરીઓવાળાઓએ ૫૧ વૃક્ષો કાપી નાખ્યા હતા. આ ઉપરાંત ૫૦૦ જેટલા વૃક્ષોને પણ નુકસાન થયું હતું.ત્યાર પછી અપ્પિકો આંદોલન બેનગાંવના આદિવાસી વિસ્તારોમાં પણ ફેલાયું હતું.
કારણ કે જંગલમાં વાંસ અને વાંસની પેદાશ પર વન્ય ક્ષેત્રમાં સદીઓથી રહેતા લોકોનં. જીવન નિર્ભર હતું. તેઓ વાંસમાંથી ઘર, ચટ્ટાઇ અને ટોપલા ટોપલી જેવી વપરાશની વસ્તુઓ બનાવતા હતા. આડેધડ વાંસ કપાવાથી વન્ય ક્ષેત્રમાં રહેતા લોકો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા હતા.સપ્ટેમ્બર ૧૯૮૩માં સલકાની તથા તેની આજુબાજુના ગામોમાં પ કિમીની યાત્રા કરીને ૫ હજાર લોકો વૃક્ષો સાથે ચિપકી ગયા હતા. આ માટે હરસી નામના ગામમાં પણ હજારો લોકો એકઠા થયા હતા. છેવટે વૃક્ષો કાપવા આવેલા ઠેકાદારોએ પાછા વળી જવું પડયું હતું.
અપ્પિકો આંદોલનની સૌથી મોટી ખાસિયત અહિંસક વિરોધ હતી. આથી તે દક્ષિણ ભારતમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃ્તિનું કેન્દ્ર બન્યું હતું. વન વિભાગની નીતિઓના કારણે જ વૃક્ષ છેદન પ્રવૃતિને ઉત્તેજન મળતું હતું. તેની સામે વન ક્ષેત્રનું સંરક્ષણ કરવામાં અપ્પિકો સફળ રહયું હતું. અપ્પિકો આંદોલન લાગલગાટ ૩૮ દિવસ ધમધમ્યું પરંતુ તેનો વ્યાપ અને અસર લાંબા ગાળા સુધી રહી હતી. દેશી બીજના સંગ્રહથી માંડીને ઓર્ગેનિક ખેતીની ઝુંબેશ ચાલી તેમાં પણ અપ્પિકોની જ સકારાત્મક અસર હતી.
મોટા બંધોનો વિરોધ થયો એ અપ્પિકો આંદોલનનો જ એક વિસ્તાર હતો. ખોરાક રાંધવા માટે ઓછું બળતણ જોઇએ તેવા ચુલાનો પણ પ્રચાર અપ્પિકો પછી થયો હતો. આથી જ તો પર્યાવરણવાદીઓ અપ્પિકોને માનવ અસ્તિત્વ માટેના ખતરાને ટાળવા માટે સભ્ય સમાજનો વિનમ્ર્ જવાબ માને છે. ૮૦ના દસકામાં શરુ થયેલા અપ્પિકો આંદોલનમાં પાંડુરંગ હેગડેની ભૂમિકા ખૂબજ મહત્વની રહી હતી. હેગડે જયારે દિલ્હીમાં અભ્યાસ કરતા હતા ત્યારે હિમાલયન ક્ષેત્રમાં ચિપકો આંદોલન શરુ થયું હતું.
આ આંદોલન દરમિયાન ચિપકોના પ્રણેતા સુંદરલાલ બહુગુણાને મળ્યા અને અનેક ગામોમાં ફર્યા પછી તેમના જીવનનો રસ્તો બદલાઇ ગયો હતો. થોડાક સમય પછી તેઓ પોતાના વતન કર્ણાટકમાં પાછા આવી ગયા હતા. તેમણે આડેધડ વૃક્ષ છેદન પ્રવૃતિથી વ્યથિત થઇને લોકોને જાગુ્રત કરવા માટે કાલી નદીની યાત્રા કરી હતી. તેમનું માનવું હતું કે જંગલ તમામ જીવો માટે ઉપયોગી હોવાથી જંગલ પર કોઇનો એકાધિકાર હોઇ શકે નહી,
તેમણે સૌ પ્રથમ સલકાની ગામની મુલાકાત કરી ગામ લોકોને આંદોલન માટે સમજાવ્યા હતા.સિદાપુર તાલુકાના બુબી ગાડે અને સિરસી ગામો શરુઆતમાં અપ્પિકો આંદોલનના કેન્દ્રસ્થાને હતા ત્યાર બાદ આ આંદોલનની પ્રદેશના અન્ય સ્થળોએ પણ ચર્ચા થવા લાગી હતી.એક મહિલાએ અપ્પિકો આંદોલનના અનુભવને વર્ણવતા કહેલું કે હું જંગલમાંથી પસાર થઇ રહી છું, આ સમયે સિંહ કે રીંછથી મારા બાળકને બચાવવા માટે તેને છાતિ સરસું ચાંપી દઉં તેવો અનુભવ મને વૃક્ષને ચિપકતી વખતે થતો હતો.
અપ્પિકો લોક આંદોલન કર્ણાટકની બાહર પશ્ચિમી ઘાટીના અન્ય પર્વતીય વિસ્તારોમાં પણ ફેલાયું હતું. દક્ષિણ ભારતમાં અપ્પિકો હેઠળ ઘણા પ્રવાસ, સ્લાઇડ શો અને નાટકો થયા હતા. શરુઆતમાં તો કર્ણાટક સરકારે પણ આંદોલનને દબાવવાની કોશિષ કરી પરંતુ ત્યાર પછી ૧૯૯૦માં વૃક્ષોના આડેધડ કાપવા પર લગામ ખેંચી હતી. એ અપ્પિકો આંદોલનની આ સૌથી મોટી સફળતા હતી. આ આંદોલને જ ઉલીસૂ,બેલાસૂ અને બાલૂસૂનો નારો આપ્યો હતો જેનો અર્થ જંગલ બચાવો, વૃક્ષો વાવો અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો એવો થાય છે.