જયારે બાળપણમાં ગાંધીજીએ પોતાના એક મિત્ર સાથે આત્મહત્યાનો પ્રયાસ કરેલો, જાણો, છેવટે મરવાની હિંમત કેમ ચાલી નહી ?

ધતૂરાના બે ચાર બી ખાધા પરંતુ વધારે ખાવાની હિંમત ચાલી નહી

આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલ નથી. -ગાંધીજી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જયારે બાળપણમાં ગાંધીજીએ પોતાના એક મિત્ર સાથે આત્મહત્યાનો  પ્રયાસ કરેલો, જાણો, છેવટે મરવાની  હિંમત કેમ ચાલી નહી ? 1 - image


અમદાવાદ,૨ ઓકટોબર,૨૦૨૩,સોમવાર 

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું જીવન એક સાધારણ માનવીનું મહાન માનવી બનવાના પ્રસંગોથી ભરપૂર છે. ચોરી, માંસાહાર અને આત્મહત્યા કરવાના પ્રયાસ જેવા અણધાર્યા વળાંકમાંથી બહાર આવીને પોતાની જાતને સુધારી હતી. એક વાર તો ધુ્મપાન જેવી કુટેવોથી કંટાળીને ધતૂરાના બીજ ખાઇને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 

ગાંધીજીએ આત્મકથા 'સત્યના પ્રયોગો' માં ચોરી અને પ્રાશ્ચિયત પ્રકરણમાં લખ્યું છે કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવાથી કંઇ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમ બે માંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઇક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઇ અમને પણ ફૂંકવાની ઇચ્છા થઇ. પૈસા તો ગાંઠે ન મળે,

જયારે બાળપણમાં ગાંધીજીએ પોતાના એક મિત્ર સાથે આત્મહત્યાનો  પ્રયાસ કરેલો, જાણો, છેવટે મરવાની  હિંમત કેમ ચાલી નહી ? 2 - image

એટલે કાકા બીડીના ઠુંઠાં ફેંકી દે તે ચોરવાનું અમે શરુ કર્યુ. પણ ઠુંઠા કંઇ હરવખતે મળી ન શકે, અને તેમાંથી બહુ ધુમાડોય ન નીકળે. એટલે  ચાકરની ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાંદ ચોરવાની ટેવ પાડી ને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંઘરવી કયાં એ સવાલ થઇ પડયો. વડીલોના દેખતાં તો બીડી પિવાય જ નહી એ ખબર હતી. જેમ તેમ કરીને બે ચાર દોકડા ચોરીને થોડા અઠવાડીયા ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ થાય છે. તેની ડાંળખી બીડીની જેમ સળગે છે, ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા. પણ અમને સંતોષ ન થયો.

અમારા પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞાા વિના કંઇ જ ન થાય એ દૂખ થઇ પડયું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્વર્ય કર્યો. પણ આપઘાત કઇ રીતે કરવો ? ઝેર કોણ આપે? ધતુરાના ડોડવાના બી ખાઇએ તો મુત્યુ નીપજે. અમે વગડામાં જઇ તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો. કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું. દર્શન કર્યા, ને એકાંત શોધી. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મુત્યુ નહી થાય તો ? મરીને શો લાભ ?

જયારે બાળપણમાં ગાંધીજીએ પોતાના એક મિત્ર સાથે આત્મહત્યાનો  પ્રયાસ કરેલો, જાણો, છેવટે મરવાની  હિંમત કેમ ચાલી નહી ? 3 - image

પરાધીનતા કાં ન ભોગવી છુટવું ? છતાં બે ચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બંને મોતથી ડર્યા, અને રામજીને મંદિર જઇ દર્શન કરી શાંત થઇ જવુંને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો.ગાંધીજી પોતાની આત્મકથામાં આગળ લખે છે કે હું સમજયો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલ નથી. આથી જયારે કોઇ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા તો મુદ્લ થતી જ નથી એમ કહું તો ચાલે.

આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની  તેમ જ નોકરના દોકડા ચોરવાનીને તેમાંથી બીડી લઇ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા.મોટપણે બીડી પીવાની ઇચ્છા જ મને નથી થઇ, અને એ ટેવ જંગલી,ગંદીને હાનીકારક છે એમ મેં સદાય માન્યું છે. 


Google NewsGoogle News