‘જ્યારે ડૉ.મનમોહન સિંહ PM હતા ત્યારે...’ કોંગ્રેસે મોદી-સીતારામનના દાવા પર સાધ્યું નિશાન
જયરામ રમેશે કહ્યું, UPA સરકારમાં વાર્ષિક સરેરાશ GDP વૃદ્ધિ દર 8.1 ટકા હતો, જે હાલની સરકારમાં 5.4 ટકા
GDPમાં પરિવર્તન થયું હોવાની PM-FMની વારંવાર વાતો, જોકે લાંબાગાળામાં વાર્ષિક વૃદ્ધિ દર વધુ મહત્વના : જયરામ રમેશ
નવી દિલ્હી, તા.10 નવેમ્બર-2023, રવિવાર
કોંગ્રેસે ડૉ.મનમોહન સિંહ (Dr.Manmohan Singh)ની સરકારને યાદ કરી કેન્દ્રની મોદી સરકાર અને નાણામંત્રીના GDPના દાવા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આજે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારામન (Nirmala Sitharaman) તાજેતરના ડેટાના આધારે સકલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં મોટું પરિવર્તન થયું હોવાની વારંવાર વાતો કરી રહ્યા છે, જોકે લાંબાગાળામાં વાર્ષિક વૃદ્ધિ દર વધુ મહત્વના છે. કોંગ્રેસે કહ્યું કે, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકાર હતી, ત્યારે વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર સરેરાશ 8.1 ટકા હતો, જે હાલની સરકારમાં 5.4 ટકા છે.
જીડીપી વૃદ્ધિ દર ઘણા કારણોસર ઉપર-નીચે થઈ શકે છે : જયરામ રમેશ
તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે પડકારજનક સ્થિતિ હોવા છતાં દેશમાં વર્તમાન વર્ષના બીજા ક્વાર્ટરમાં GDPમાં વૃદ્ધિ નોંધાઈ છે, જે ભારતીય અર્થવ્યવસ્થાનું પરિવર્તન અને શક્તિ દર્શાવે છે. ત્યારે આ બાબત પર કટાક્ષ કરતા કોંગ્રેસ (Congress) મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) એક્સ પર જણાવ્યું કે, “વડાપ્રધાન અને નાણામંત્રી વારંવાર જુલાઈ-સપ્ટેમ્બર 2023ના ડેટાનો ઉલ્લેખ કરી ‘ભારતમાં પરિવર્તનકારી જીડીપી વૃદ્ધિ’ની વાતો કરી રહ્યા છે, જીડીપી વૃદ્ધિ દર ઘણા કારણોસર ઉપર-નીચે થઈ શકે છે, તેથી ત્રિમાસિક વૃદ્ધિના આંકડાની વાતો છોડો... જો અર્થવ્યવસ્થા શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી હોવાનું સમજવું હોય તો સૌથી વધુ મહત્વનું લાંબા ગાળાનું વાર્ષિક વિકાસ દર છે.”
UPA સરકારમાં વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર સરેરાશ 8.1%, જ્યારે મોદી સરકારમાં 5.4%
જયરામ રમેશે કહ્યું કે, જ્યારે ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાન હતા, ત્યારે વાર્ષિક સરેરાશ જીડીપી વિકાસ દર 8.1 ટકા હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અત્યાર સુધીનો વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર સરેરાશ 5.4 ટકા છે. તેમણે કહ્યું કે, શું વાસ્તવમાં આ પરિવર્તન છે ?