49 દિવસમાં જ CM પદ છોડી કેજરીવાલે સૌને ચોંકાવ્યા હતા, વિપક્ષને પણ અનેકવાર ચકરાવે ચઢાવ્યા

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
49 દિવસમાં જ CM પદ છોડી કેજરીવાલે સૌને ચોંકાવ્યા હતા, વિપક્ષને પણ અનેકવાર ચકરાવે ચઢાવ્યા 1 - image


Delhi CM Arvind Kejriwal : દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ જેલમાં રહ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપતા સૌને ચોંકાવી દીધા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચી રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું બે દિવસની અંદર રાજીનામું આપી દઈશ. હવે જ્યાં સુધી પ્રજા પોતાનો નિર્ણય ન સંભળાવે, ત્યાં સુધી હું મુખ્યમંત્રી પદ પર નહીં બેસું.’ કેજરીવાલની આ ગેમે સૌને ચોંકાવી દીધા છે. દિલ્હીમાં થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કેજરીવાલનો આ નિર્ણય સૌને ચોંકાવી રહ્યો છે. જો કે કેજરીવાલે સૌને અચંબામાં મુક્યા હોય, તેવું પ્રથમવાર બન્યું નથી.

કેજરીવાલે વર્ષ 2014માં પણ તમામને ચોંકાવી દીધા હતા

દિલ્હીમાં ફેબ્રુઆરી-2025માં વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2024) યોજાવાની છે. કેજરીવાલની વાત કરીએ તો, તેઓ આંદોલનના પડકારોમાંથી ઉભરી આવી રાજકારણમાં આવ્યા બાદ છેલ્લા એક દાયકાથી દિલ્હીના રાજકારણમાં સક્રિય છે. આમ આદમી પાર્ટી વર્ષ 2013થી દિલ્હીની સત્તા પર છે, ત્યારેથી જ કેજરીવાલ હંમેશા ચોંકાવનારા નિર્ણયો કરતા રહે છે.

49 દિવસમાં આપ્યું હતું રાજીનામું

વિધાનસભા ચૂંટણી-2013માં 70 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આઠમી ડિસેમ્બરે જાહેર થયું હતું. આ દરમિયાન ભાજપે (BJP) 32, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ 28 અને કોંગ્રેસે (Congress) આઠ બેઠકો જીતી હતી. કેજરીવાલે કોંગ્રેસનું સમર્થન મેળવીને સરકાર બનાવી હતી, પરંતુ આ સરકાર 50 દિવસ પણ ટકી શકી ન હતી. તેમણે મુખ્યમંત્રી બન્યા બાદ 49 દિવસમાં રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, અમે જન લોકપાલ બિલ પાસ કરાવી શક્યા નથી, તેથી હું મુખ્યમંત્રી પદ છોડી રહ્યો છું. ત્યારબાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ અને કેજરીવાલની પાર્ટીએ એકલા હાથે બહુમતી મેળવી હતી.

આ પણ વાંચો : કેજરીવાલની મોટી જાહેરાત, બે દિવસ બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ

કેજરીવાલે રાજીનામાની કરી જાહેરાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (15 સપ્ટેમ્બર) મોટી જાહેરાત કરીને કહ્યું છે કે, ‘હું બે દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ. હું ઈચ્છું છું કે, દિલ્હીમાં વહેલી તકે ચૂંટણી યોજાય. હું કહેવા માંગુ છું કે, હું મુખ્યયંત્રી પદ બેસીસ નહીં અને મનીષ સિસોદિયા (Manish Sisodia) પણ મુખ્યમંત્રી બનશે નહીં. હું અને સિસોદિયા પ્રજા વચ્ચે જઈશું. હું CMની ખુરશી પર ત્યાં સુધી નહીં બેસું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો નહીં આપે કે કેજરીવાલ પ્રામાણિક છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાદી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો છે. આગામી મુખ્યમંત્રી અંગે વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાશે.’

નવેમ્બરમાં ચૂંટણી યોજવા કેજરીવાલની માંગ

કેજરીવાલે કહ્યું કે ‘લિકર પોલિસી કેસ (Delhi Liquor Policy Case)નો કોર્ટ ચુકાદો આવવામાં 10 વર્ષ પણ લાગી જશે, પરંતુ આ પહેલા હું જનતાનો નિર્ણય ઇચ્છું છે. હું ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું, જ્યાં સુધી જનતા તમે મને ફરી ચૂંટીને ના લાવો. આ માટે હું ચૂંટણીમાં ઉતરીશ. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે, પરંતુ હું તેને નવેમ્બરમાં જ કરાવવાની માંગ કરૂ છું.’

આ પણ વાંચો : કેજરીવાલના રાજીનામા પાછળનું રાજકીય ગણિત, ભાજપ સહિતના પક્ષો પણ ચકરાવે ચઢી ગયા!

શું દિલ્હીમાં યોજાઇ શકે છે જલદી ચૂંટણી?

કેજરીવાલે માંગ કરી છે કે મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી યોજાય. કેજરીવાલે ફેબ્રુઆરીની જગ્યાએ નવેમ્બરમાં જ ચૂંટણીની માંગ કરી છે. જોકે, તેમને વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી નથી. કેજરીવાલે વિધાયક દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીને ચૂંટવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે, કે જો વિધાનસભાને સમય પહેલા ભંગ કરવામાં નથી આવતી અને સરકાર ચાલી રહી છે તો ચૂંટણી પંચ પાસે જલદી ચૂંટણી કરાવવાનો વિકલ્પ નથી.જો કેજરીવાલ જલદી ચૂંટણી ઇચ્છે છે તો તેમને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવી જોઇએ.


Google NewsGoogle News