ઈવીએમથી મત ગણતરી કરાય ત્યારે અમુક મતની બાદબાકી કરાય છે, જાણો તેની પાછળનું કારણ
Lok Sabha Election 2024 Result: ચૂંટણીમાં જયારે મતગણતરી થાય છે ત્યારે EVM મશીનમાંથી અમુક મતની બાદબાકી કરી દેવામાં આવે છે. તેમજ તેનો ઉલ્લેખ પણ રેકોર્ડમાં કરવામાં આવે છે. આવી મતની બાદબાકી જ્યારથી ઈવીએમ પર વોટિંગની શરૂઆત થઈ ત્યારથી કરવામાં આવે છે. તેમજ ભારતના ચૂંટણી પંચના સૌથી મહત્વપૂર્ણ કહી શકાય એવા ફોર્મ 17Cમાં પણ તેના બાબતે એક કોલમ આપવામાં આવે છે.
રિઝર્વ ઈવીએમની વ્યવસ્થા પણ હોય છે
જયારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે બૂથમાં હાજર મતદારોની સંખ્યા મુજબ ઈવીએમ મશીન આપવામાં આવે છે. આ ઉપરાંત જો આ મશીન ખરાબ થઇ જાય તો એ સંભાવના ધ્યાનમાં રાખીને 02-05 મશીન રિઝર્વ તરીકે પણ આપવામાં આવે છે. આથી જો કોઈ મશીન ખરાબ થઈ જાય તો રિઝર્વ મશીનો ઉપયોગ કરી શકાય.
એક ઈવીએમમાં મત લિમીટ 2000ની હોય છે
એક ઈવીએમ મશીનમાં લગભગ 2000 મત પડી શકે છે. જયારે મશીનની લિમીટ મુજબ મત પડી જાય છે ત્યારે એક બીપ થાય છે જે દર્શાવે છે કે એ મશીનમાં બધા જ મત પડી ગયા છે. જેથી મશીન બદલવું પડશે. તેમજ મતદાન પહેલા પણ ઈવીએમ ચેક કરીને નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આવે છે.
આ રીતે થાય છે ઈવીએમ મશીનનું ટેસ્ટીંગ
જયારે પણ કોઈ ઈવીએમ મશીન મતદાન માટે મુકવામાં આવે છે ત્યારે તેને પહેલા ચકાસવામાં આવે છે. જેમાં ટેસ્ટ કરતી વખતે તેમાં દરેક ઉમેદવારના નામની સામે મતદાન અધિકારી દ્વારા બટન દબાવીને ચેક કરવામાં આવે છે. આથી મતદાન શરુ થતા પહેલા જ દરેક ઉમેદવારને મત આપીને ચેક કરવામાં આવે છે કે મશીન યોગ્ય રીતે કામ કરે છે કે નહી.
આ કારણે મત ગણતરી સમયે અમુક મત ઘટાડવામાં આવે છે
આથી જયારે મત ગણતરી કરવામાં આવે છે ત્યારે ઈવીએમ મશીનના ચેકિંગ સમયે જે મત નાખવામાં આવ્યા છે તેની બાદબાકી કરવામાં આવે છે. એટલે જયારે પણ મતદાન સમયે નવું ઈવીએમ મશીન લગાવવામાં આવે ત્યારે દરેક ઉમેદવારને મત આપીને મશીન ચેક કરવામાં આવે છે. આથી આ ચેકિંગ દરમિયાન જે મતદાન થયું હોય તેમજ મતદાનને લગતી દરેક માહિતી માટે ભારતીય ચૂંટણી પંચ દરેક બૂથ માટે ફોર્મ 17C જારી કરે છે. જેમાં મતદાન સંબંધિત દરેક માહિતી ભરવાની રહે છે. આ ઉપરાંત ઈવીએમની ચકાસણી કરતી વખતે કેટલા વોટ પડ્યા તે નોંધવા માટે એક કોલમ પણ આપવામાં આવે છે.
ફોર્મ 17C શું છે?
દરેક મતદાન મથક પર, પ્રિસાઇડિંગ ઓફિસરને આ ફોર્મ આપવામાં આવે છે, જે તેણે ઓનલાઈન ભરવાનું હોય છે. આ કામ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ કરવાનું રહે છે.
આ ફોર્મમાં મતદાન મથકનું નામ અને સંખ્યા, ઈવીએમનો ઓળખ નંબર, કંટ્રોલ યુનિટ નંબર, બેલેટ યુનિટ નંબર, કેટલા લોકો મતદાન કરવા આવ્યા તે, નિયમ 17A મુજબ નોંધાયેલા મતોની સંખ્યા કેટલી છે?, નિયમ 49M મુજબ કેટલા લોકોને મંજૂરી નથી, રેકોર્ડ દરમિયાન ઈવીએમની ચકાસણી કરવામાં આવી ત્યારે કેટલા મત પડ્યા?, કયા ઉમેદવારો માટે મત પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા?
તેમજ કેટલા બેલેટ પેપર આપવામાં આવ્યા છે તે અંગેની માહિતી અને કેટલા બેલેટ પેપર વધ્યા છે તેના વિષે ફોર્મમાં વિગત ભરવાની રહે છે.
ફોર્મ 17C અને ફોર્મ 17A શા માટે જરૂરી છે?
1961ના નિયમો મુજબ, મતદાન પૂરું થાય કે તરત જ ચૂંટણી પંચે બે ફોર્મ તૈયાર રાખવાના હોય છે. જે ફોર્મ 17A અને 17C છે તેમાં મતદારોની સંખ્યા અને મતદાનનો ડેટા હોય છે. નિયમ 49S(2) હેઠળ, પ્રિસાઇડિંગ ઓફિસરે મતદાનના પૂરું થતા પોલિંગ એજન્ટને ફોર્મ 17Cની નકલ આપવાની રહે છે.
પરિણામ સમયે ઈવીએમ ગણતરી સાથે ફોર્મ 17Cનો ડેટા મેચ કરવામાં આવે છે. જો કોઈ તફાવત જોવા મળે તો હાઇકોર્ટમાં ચૂંટણી અરજી પણ દાખલ કરી શકાય છે.