માતાજીના આ મંદિરમાં કુંડના પાણીનો રંગ બદલાય તો કાશ્મીર પર આફત આવે તેવી માન્યતા, જાણો રહસ્ય
Kheer Bhawani Temple, Kashmir: આજથી કાશ્મીરી પંડિતનો મહાપર્વ ખીર ભવાની મેળો શરુ થઇ રહ્યો છે. કાશ્મીર ખીણના ગાંદરબલ જિલ્લામાં સ્થિત ખીર ભવાની મંદિરે દર વર્ષે મેળો ભરાય છે. કાશ્મીરી પંડિત માટે આ મંદિર મહત્વપૂર્ણ આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે હજારો પંડિતો મેળામાં ભાગ લેવા અહીં આવે છે. આ વર્ષે 14 જૂન એટલે કે આજથી આ મેળાની શરૂઆત થાય છે અને કાશ્મીરી પંડિતોને લઈને 200થી વધારે બસ ખીર ભવાની મંદિર પહોચી છે. મંદિર ને ખુબ ચમત્કારિક માનવામાં આવે છે. આ મંદિરમાં આવેલા બંને કુંડના પાણીનો રંગ બદલાય છે. એવું માનવામાં આવે છે કે જયારે કુંડમાં આવેલ પાણીનો રંગ બદલાય છે ત્યારે આપત્તિ આવે છે. આ સિવાય પણ મંદિરને લઈને ઘણા રસપ્રદ કિસ્સાઓ અને ઈતિહાસ છે.
ઝરણાઓ વચ્ચે આવેલું ખીર ભવાની મંદિર
દુર્ગા દેવીનું આ ખીર ભવાની મંદિર સુંદર ઝરણા વચ્ચે આવેલું છે. મંદિરને લઈને માન્યતા છે કે જયારે લંકા નરેશ રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારે દેવી રાવણથી નારાજ થઇ ગઈ હતી. ત્યારે ગુસ્સે થઈને દેવીએ પોતાનું સ્થાન છોડી દીધું હતું અને કાશ્મીરમાં આ સ્થાને આવીને બિરાજ્યા હતા. આ મંદિરમાં દેવી દુર્ગાને ભોગ સ્વરૂપે ખીર ચડાવાય છે. તેથી આ મંદિરનું નામ ખીર ભવાની પડ્યું છે. મંદિરનું નિર્માણ મહારાજા પ્રતાપ સિંહે સન 1912માં કરાવ્યું હતું. ત્યારબાદ મહારાજા હરીસિંહે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
કાશ્મીરી હિંદુ અહીં પોતાના રક્ષણ માટેની પ્રાર્થના કરે છે
આ દેવી મંદિર કાશ્મીરી હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ખીર ભવાની મંદિર કાશ્મીરી પંડિતોના કુળદેવી છે. દર વર્ષે જેઠ મહિનાની આઠમે અહીં ભવ્ય મેળો યોજાય છે અને પંડિતો પોતાની રક્ષણની પ્રાથના કરવા માટે અહીં આવે છે. તેઓ દેવીને ખીરનો ભોગ લગાવે છે. ખીર ભવાની દેવીને મહારાજ્ઞા દેવી, રાજ્ઞા દેવી મંદિર, રજની દેવી મંદિર અને રાજ્ઞા ભવાની મંદિર તરીકે પણ ઓળખાય છે.
કુંડનું પાણી બદલાતું રહે છે
ખીર ભવાની મંદિરમાં આવેલ જળકુંડને ચમત્કારિક માનવામાં આવે છે. એવું મનાય છે કે જયારે કાશ્મીરમાં મોટી આફત આવવાની હોય છે ત્યારે કુંડનું પાણી બદલાય જાય છે. તે પહેલા પણ સાબિત થઇ ચુક્યું છે.
- જયારે 1947માં કબાયલી આક્રમણ થયું હતું. ત્યારે કુંડનું પાણી કાળું થઇ ગયું હતું. આવુ જ કારગીલ યુદ્ધ સમયે પણ થયું હતું.
- 1990માં કુંડનું પાણી કાળું થઇ ગયું હતું. તે વર્ષે સ્થાનીય પંડિતો પર અત્યાચારો થયા હતા અને પંડિતોને ઘાટી છોડીને પલાયન કરવું પડ્યું હતું.
- જયારે દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે પણ કુંડનું પાણી લાલ થયું હતું.
- 2014માં જયારે કાશ્મીરમાં ભયંકર પૂર આવ્યું હતું ત્યારે કુંડનું પાણી કાળું પળી ગયું હતું.
- જો કુંડનું પાણી હલકું વાદળી કે સફેદ થાય તો એ ખુશહાલીનો સંકેત આપે છે. આ વર્ષે કુંડના પાણીનો રંગ હલકો વાદળી છે.