ગેહલોત પર અમિત શાહ તૂટી પડયા તો ખડગેએ કહ્યું : ભાજપ જ તુષ્ટીકરણ રાજકારણ ખેલી રહ્યું છે
- સાલાસાર સ્થિત 'રામ-દરબાર' પર ગેહલોત સરકારે બ્લુડોઝર ફેરવ્યું
- ખડગેએ કહ્યું : કોંગ્રેસે હંમેશા સેક્યુલર વલણ જ રાખ્યું છે અમે તો, 'ભારત-જોડો યાત્રા'થી દેશની એકતા વધુ મજબૂત કરી છે
જયપુર : ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીના પૂર્વ રંગ સમસ્ત દેશનાં પાંચ રાજ્યોમાં યોજાયેલી અને યોજાનારી ચૂંટણીઓમાં લગભગ તમામ પક્ષો કમર કસીને લડી રહ્યાં છે, પરંતુ મુખ્ય 'યુદ્ધ' તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જામી રહ્યું છે, તે સર્વવિદિત છે. તા. ૨૫મીએ રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લાં દિવસે તારીખ ૨૩મીની સાંજ સુધીમાં બંને પક્ષોએ ભાજપ અને કોંગ્રેસે પરસ્પર ઉપર પ્રહારો કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, અને તે પણ ત્યાં સુધી કે એક પક્ષના પૂર્વ પ્રમુખે તો તમામ શાબ્દિક મર્યાદાઓ જ તોડી નાખી હતી. તેવામાં ભાજપના એક અગ્રીમ નેતા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉપર અને તેમના પક્ષ કોંગ્રેસ ઉપર નિશાન સાધતાં કહ્યું હતું કે, 'કોંગ્રેસે તુષ્ટીકરણનાં રાજકારણની તમામ સીમાઓ પાર કરી દીધી છે.'
આનો પ્રત્યુત્તર આપતા હોય તેમ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ ઉપર નિશાન તાકતા ગુરૂવારે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમે તુષ્ટીકરણનું રાજકારણ ખેલતા નથી, અમે તો ધર્મ નિરપેક્ષ છીએ. અમે ભારત જોડો યાત્રા દ્વારા ભારતની એકતા મજબૂત કરવાનું જ કામ કર્યું છે. તુષ્ટીકરણ કરવાનું કામ તો ભાજપનું છે.'
ખડ્ગેએ વધુમાં કહ્યું હતું કે અહીં જાતિ આધારિત જનગણનાનું કાર્ય કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા ઉપર આવશે કે તુર્ત જ હાથ ધરવામાં આવશે.
બીજી તરફ ગુરૂવારે અમિત શાહે રાજ્યની કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી ગેહલોત ઉપર પ્રહારો કરતાં અહીં (જયપુરમાં) યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષોમાં છાબરા, ભીલવાડા, કરૌલી, જોધપુર, ચિત્તોડગઢ, નોહર, મેવાત, માલપુરા અને જયપુરમાં પણ હિંસા થતી જોવા મળી છે. પરંતુ વોટ બેન્કની રાજનીતિને લીધે અશોક ગેહલોતે રમખાણકારો વિરૂદ્ધ કોઈ પગલાં લીધા નથી. તેટલું જ નહીં પરંતુ સાલાસાર સ્થિત 'રામ-દરબાર' ઉપર ગેહલોત સરકારે બુલડોઝર પણ ફેરવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ૨૫ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને પરિણામો અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ડીસેમ્બરની ૩જીએ જાહેર થનારા પરિણામો સાથે જ આ ચૂંટણીનાં જાહેર થવાનાં છે.