'મને લાગ્યો કે રોંગ નંબર..' પૂર્વ રાષ્ટ્રપતિના ફોન કોલનો રાજ્યસભા સાંસદે સંભળાવ્યો રસપ્રદ કિસ્સો
Sudha Murthy And APJ Abdul Kalam News | રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે ફોન પર થયેલ વાતચીતને લઈને રસપ્રદ કિસ્સો સંભાળવ્યો હતો. રાજ્યસભા સાંસદે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આખરે કેમ પૂર્વ રાષ્ટ્રપતિએ તેમને ફોન કર્યો હતો.
જ્યારે રાષ્ટ્રપતિનો ફોન કોલ આવ્યો...
જ્યારે એ.પી.જે. અબ્દુલ કલામે ફોન કર્યો ત્યારે તેમને લાગ્યું હતું કે આ કોલ તેમના માટે નહીં પરંતુ તેમના પતિ અને ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ માટે છે. વીડિયો ક્લિપમાં સુધા મૂર્તિ અને એ.પી.જે. અબ્દુલ કલામની તસ્વીર છે અને બેકગ્રાઉન્ડમાં તેમનો રેકોર્ડ કરેલો અવાજ સંભળાય છે. વીડિયો રેકોર્ડિંગમાં સુધા મૂર્તિ કહે છે કે "એક દિવસ મારી પાસે ફોન આવ્યો કે અબ્દુલ કલામ તમારી સાથે વાત કરવા માંગે છે. મેં તેમને જણાવ્યું કે આ રોંગ નંબર છે કેમકે હું અબ્દુલ કલામ સાથે મારા કોઈ સંબંધ નથી. એટલા માટે મને લાગ્યું કે ભૂલથી ફોન મારી પાસે આવી ગયો હશે."
ઓપરેટરને જ્યારે કહ્યું કે તમે ભૂલ કરી...
સુધા મૂર્તિએ આગળ જણાવ્યું કે "ઓપરેટરને મેં કહ્યું કે આ ફોન નારાયણ મૂર્તિ માટે હોઈ શકે છે. તમે શ્રી મૂર્તિની જગ્યાએ શ્રીમતી મૂર્તિ સાથે સંપર્ક કરાવ્યો છે. ત્યારે ઓપરેટરે સુધા મૂર્તિને કહ્યું કે ના, અબ્દુલ કલામે ખાસ શ્રીમતી મૂર્તિ સાથે વાત કરાવવાનું કહ્યું છે."
ડોક્ટર કલામે વાતચીતમાં શું કહ્યું?
સુધા મૂર્તિ તેના પછી અચરજ પામી ગયા હતા અને વિચારવા લાગ્યા હતા કે તેમણે એવું તે શું કર્યું છે કે અબ્દુલ કલામે તેમને ફોન કર્યો છે. ફોન પર બંને વચ્ચે જ્યારે વાતચીત થઈ તો અબ્દુલ કલામે તેમને કહ્યું કે તેમણે આઇટી ડિવાઇડ પર કોલમ વાંચી છે. ડોક્ટર કલામે તે પણ કહ્યું કે કોલમ શાનદાર હતી અને જ્યારે પણ તેમનો આર્ટિકલ પ્રકાશિત થાય છે ત્યારે તેઓ જરૂરથી વાંચે છે.
શું હતું તેમના આર્ટિકલમાં?
હકીકતમાં સુધા મૂર્તિએ પોતાની કોલમમાં લખ્યું હતું કે તેઓ 100 રૂપિયે કિલો ફળ ખરીદવા ગયા હતા. બાદમાં તેમનાં એક વિદ્યાર્થીની જે ઇન્ફોસિસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી તેણે એટલા જ ફળ તે જ દુકાનદાર પાસેથી 200 રૂપિયામાં ખરીદ્યા. આ જોઈને સુધા મૂર્તિએ દુકાનદારને પૂછ્યું કે આટલો બધો તફાવત કેમ છે. દુકાનદારે સમજાવતા જણાવ્યું હતું કે તમે એક સ્કૂલ ટીચર છો, તમે નહીં સમજી શકો. જ્યારે તે એક આઇટી પર્સન છે, જે ઇન્ફોસિસમાં કામ કરે છે. આ કારણે તેના માટે એનો ભાવ 200 રૂપિયા છે. સુધા મૂર્તિએ કહ્યું હતું કે આ લાઈન વાંચીને અબ્દુલ કલામ ઘણું હસ્યા હતા. સાંસદ સુધા મૂર્તિ એક લેખિકા અને સામાજિક કાર્યકર પણ છે.