મોજમજાની મોકાણ ! ત્રણ આઇએએસ અધિકારીઓનો પ્રજાના પૈસે આલિશાન પેરિસ પ્રવાસ વિવાદમાં
National News: હરિયાણાના ત્રણ આઈએએસ અધિકારીઓએ પ્રજાના પૈસે આલિશાન પેરિસ પ્રવાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ કેગના રિપોર્ટમાં થયો છે. આ અધિકારીઓ બિઝનેસ ક્લાસ ટિકિટ લીધી હતી, આલિશાન ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતર્યા હતા અને બેહિસાબ ખર્ચ કર્યો હતો. ઓડિટ રિપોર્ટમાં આઈએએસ અધિકારીઓની અનિયમિતતાના ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
બેહિસાબ રીતે કરેલા ખર્ચાઓ પર કેગનું ઓડિટ
આ ત્રણેય અધિકારી 2015માં, સત્તાવાર ફ્રાન્સ પ્રવાસ પર ગયા હતા. તેમણે બેહિસાબ રીતે કરેલા ખર્ચાઓ પર કેગના ઓડિટના લીધે સવાલ ઊભો થયો છે. આ ત્રણેય અમલદાર છે ચંદીગઢ વહીવટીતંત્રના સલાહકાર વિજયદેવ, ચંદીગઢના ગૃહસચિવ અનુરાગ અગ્રવાલ અને તત્કાલીન સચિવ વિક્રમ દેવ દત્ત. તે સમયે પંજાબના ભૂતપૂર્વ રાજ્યપાલ, કપ્તાનસિંહ સોલંકી કાર્યભાર સંભાળતા હતા.
અધિકારીઓએ કુલ 25 લાખ રુપિયાથી પણ વધુ રકમનો ખર્ચ કર્યો
આ અધિકારીઓએ કુલ 25 લાખ રુપિયાથી પણ વધુ રકમનો ખર્ચ કર્યો હતો. જ્યારે મંજૂર 18 લાખ રુપિયા થયા હતા. તેમાં તે ફાઈવ સ્ટારમાં ઉતર્યા હતા. તેમણે બિઝનેસ ક્લાસની 1.77 લાખ રુપિયાની ટિકિટો ખરીદી હતી. હોટેલ બદલવાના લીધે 6.7 લાખ રૂપિયા વધારે ખર્ચ્યા હતા. વિજય દેવે પ્રવાસ માટે 6.5 લાખ, અનુરાગ અગ્રવાલે 5.6 લાખ અને વિક્રમદેવ દત્તે 5.7 લાખ રુપિયા ખર્ચ્યા હતા. આજે આ અધિકારમાં વિજયકુમાર દેવા નિવૃત્ત થઈ દિલ્હીના ચૂંટણી અધિકારી છે. વિક્રમ દેવદત્ત નાગરિક ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએના ડાયરેક્ટર છે અને અનુરાગ અગ્રવાલ હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી છે.
તપાસમાં ખબર પડી કે અધિકારીઓએ એકબીજાના પ્રવાસને મંજૂરી આપી
2015માં ચંદીગઢ વહીવટીતંત્રને સિસ્વસ-ફ્રેન્ચ આર્કિટેક્ટ લી કોર્બુજરની 50મી જન્મજયંતિ નિમિત્તે એક બેઠક માટે પેરિસમાં લી કોર્બુજેર ફાઉન્ડેશન તરફથી આમંત્રણ મળ્યું. લી કોર્બુજેરે ચંદિગઢ શહેરનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. ચંદીગઢ વહીવટીતંત્રએ આ આયોજન માટે ચાર અધિકારીઓના નામ નક્કી કર્યા હતા. વિજય દેવ, વિક્રમ દેવ અને અનુરાગ અગ્રવાલ માટે ગૃહ મંત્રાલયમાંથી મંજૂરી માંગવામાં આવી હતી. પ્રવાસનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને અનુમોદન આપવામાં આવ્યું હતું. તપાસમાં ખબર પડી કે અધિકારીઓએ એકબીજાના પ્રવાસને મંજૂરી આપી. દેવના પ્રવાસને દત્તે, દત્તના પ્રવાસને દેવે અને દેવે અગ્રવાલના પ્રવાસને મંજૂરી આપી હતી.
તેઓ નિયમને ઘોળીને પી ગયા: ઓડિટ રિપોર્ટ
કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આમંત્રણ તો મુખ્યત્વે એક અધિકારી અને એક વાસ્તુકાર માટે હતું, પરંતુ સચિવ સ્તરના ત્રણ અધિકારી ચાલ્યા ગયા, તે પણ કરદાતાના સુપિયા ૫ર. આ યાત્રા યજમાન ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત પણ હતી, બધા ખર્ચાની ચૂકવણી ચંદીગઢના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમા અધિકારીઓએ તે નિયમની પણ અવગણના કરી જેમા સ્ક્રીનિંગ કમિટીની મંજૂરી વગર પાંચ દિવસથી વધારે દિવસની કોઈપણ વિદેશ યાત્રાને મંજૂરી નથી. જ્યારે આ પ્રવાસ સાત દિવસનો હતો. આમ તેઓ નિયમને ઘોળીને પી ગયા. ઓડિટ રિપોર્ટમાં જણાવાયું છે કે કેવી રીતે તેઓએ આ મંજૂરીઓ મેળવી.